બ્રિટનમાં ઈસ્લામના અનુયાયીઓ ૨૦૫૦ સુધીમાં ત્રણ ગણા થશે

Wednesday 06th December 2017 05:59 EST
 
 

લંડનઃ પ્યુ રિસર્ચ સેન્ટરના ‘યુરોપ્સ ગ્રોઈંગ મુસ્લિમ પોપ્યુલેશન’ રિપોર્ટ અનુસાર યુકે સહિત કેટલાંક યુરોપિયન દેશોમાં ૨૦૫૦ સુધીમાં મુસ્લિમોની વસ્તી ત્રણ ગણી થવાની ગણતરી છે. આ ગાળામાં બ્રિટનની કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો ૯.૭ ટકાથી વધી ૧૭.૨ ટકા થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૬માં સમગ્ર યુરોપની ૪.૯ ટકાની સરેરાશ સામે યુકેની કુલ વસ્તીમાં મુસ્લિમો ૬.૩ ટકાનો હિસ્સો ધરાવતા હતા. અન્ય યુરોપિયનોની સરખામણીએ મુસ્લિમોની વય સરેરાશ ૧૩ વર્ષ ઓછી છે, માઈગ્રેશન વધારે છે અને તેમનો જન્મદર ઘણો ઊંચો છે.

પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા ૨૦૫૦ સુધીમાં યુરોપમાં મુસ્લિમોની વસ્તી અંગે ત્રણ સીનારિયોની કલ્પના કરાઈ છે, જેમાં ૨૦૧૬ની મધ્યમાં ૨૫.૮ મિલિયનની વસ્તીને આધાર ગણવામાં આવી છે. ‘ઝીરો માઈગ્રેશન’ સ્થિતિ અનુસાર અંદાજે ૨૦૫૦ સુધીમાં ૩૦ મિલિયન મુસ્લિમો યુરોપની વસ્તીમાં ૭.૪ ટકા હિસ્સો ધરાવતા હશે, જે ગયા વર્ષે ૪.૯ ટકા હતો. ‘મીડિયમ માઈગ્રેશન’ની પરિસ્થિતિમાં ૫૮.૮ મિલિયન મુસ્લિમો યુરોપની વસ્તીનો ૧૧.૨ ટકા હિસ્સો ધરાવતા હશે. જો પરિસ્થિતિ ‘હાઈ માઈગ્રેશન’ની રહે તો ૭૫ મિલિયન મુસ્લિમો યુરોપમાં હશે, જેઓ કુલ વસ્તીનો ૧૪ ટકા હિસ્સો ધરાવતા હશે. આમ છતાં, ક્રિશ્ચિયન્સ અને ધર્મિવિહીન લોકોની વસ્તી કરતાં તેમનું પ્રમાણ ઓછું જ રહેશે.

યુરોપિયન યુનિયનના ૨૮ સભ્ય તેમજ નોર્વે અને સ્વીટ્ઝર્લેન્ડ સહિત ૩૦ દેશનો આ અભ્યાસ સેન્સસ અને સર્વે ડેટા, પોપ્યુલેશન રજિસ્ટર્સ, ઈમિગ્રેશન ડેટા અને અન્ય સ્રોતો પર આધારિત હતો.

‘હાઈ માઈગ્રેશન’ની સ્થિતિમાં જર્મની અને સ્વીડને રેફ્યુજી કટોકટીના ગાળામાં સૌથી વધુ શરણાર્થીઓ લીધા હોવાથી ત્યાં મુસ્લિમોની વસ્તીમાં સૌથી વધુ વધારો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter