બ્રિટનમાં નવો શસ્ત્રધારો અમલીઃ શીખ સમુદાયને કિરપાણની છૂટ

Wednesday 22nd May 2019 04:56 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં વધતી જતી ચાકુથી હુમલાની ઘટનાઓ રોકવાના ઈરાદાથી નવા ઓફેન્સિવ વેપન્સ બિલને પાર્લામેન્ટે બહાલી આપી હતી. ક્વિન એલિઝાબેથ-દ્વિતીયની શાહી સંમતિ મળ્યા પછી તેને કાયદાનું સ્વરૂપ મળી જશે. જોકે, બ્રિટનના શીખ સમુદાયના કિરપાણ રાખવાના અને સપ્લાય કરવાના અધિકાર પર આની કોઈ જ અસર નહિ થાય અને તેની ખાતરી થઈ ગયા પછી આ વર્ષે આ ખરડામાં સુધારો કરાયો હતો.

યુકે હોમ ઓફિસે કહ્યું હતું કે, ‘અમે કિરપાણના મુદ્દે શીખ સમુદાય સાથે મંત્રણા કરી હતી. આ પછી, ધાર્મિક કારણોસર તેમના કિરપાણ રાખવાના અધિકાર પર કોઈ અસર ના થાય તે રીતે અમે ખરડામાં સુધારો કર્યો હતો. બ્રિટિશ શીખોનું સર્વદલીય સંસદીય પ્રતિનિધિ મંડળ નવો કાયદો બને ત્યારે તેમનો કિરપાણ રાખવાનો અધિકાર કાયમ રહે એની ખાતરી કરાવવા હોમ ઓફિસને મળ્યું હતું.

લેબર પાર્ટીની સાંસદ પ્રીત કૌર ગિલે કહ્યું હતું કે ‘મને સરકારનો સુધારો જોઈ ખુશી થઈ હતી જેમાં, શીખ સમુદાયને કિરપાણ રાખવાના કે વેચવાના અધિકારને ગુનો નહિ ગણવાની જોગવાઈ દેખાઈ હતી. નવા કાયદામાં પણ કિરપાણ અંગેનો અધિકાર એમ જ રહેશે. તેઓ કાયદેસર મોટા કિરપાણ વેચી અને રાખી શકશે.’ તેમના સાથી શીખ સાંસદ ટેમ ધેસીએ પણ કોમન્સમાં ખરડાની ચર્ચા વખતે દરમિયાનગીરી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter