લંડનઃ બ્રિટનમાં શાળાઓ ખોલવા-નહિ ખોલવાનો ભારે વિવાદ જાગ્યો છે. બોરિસ સરકારે લોકડાઉન હળવું કરવાની જાહેરાત સાથે ૧ જૂનથી નર્સરી, રિસેપ્શન, ધોરણ ૧ અને ધોરણ ૬ના વિદ્યાર્થીઓ શાળા ખોલવાની રુપરેખા પણ જાહેર કરી છે. પેરન્ટ્સ, શાળાઓ અને શિક્ષણ યુનિયનો ઉપરાંત, તબીબી નિષ્ણાતો પણ બાળકોની સલામતીનો મુદ્દો આગળ ધરી આ વિવાદમાં જોડાયા છે. જોકે, ચિલ્ડ્રન્સ કમિશનર ફોર ઈંગ્લેન્ડે યુનિયનો અને મિનિસ્ટર્સને તકરાર બંધ કરવા જણાવ્યું છે. એકેડેમીઝ અને મિનિસ્ટર્સ શાળાઓ ખોલવાના મિજાજમાં છે પરંતુ, હર્ટલપૂલ અને લિવરપૂલ જેવી કાઉન્ટીઝ શાળાઓ ખોલવાની તરફેણમાં નથી. પેરન્ટ્સ પણ આ બાબતે વિભાજિત છે. ડોક્ટરોના સૌથી મોટા યુનિયન બ્રિટિશ મેડિકલ એસોસિયેશને પણ ટીચર્સ યુનિયનોને સમર્થન આપ્યું છે. વેલ્સમાં શાળાઓ ૧ જૂનથી ખોલાવાની નથી જ્યારે, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં જૂનથી આરંભાતી અને ઓગસ્ટમાં પૂર્ણ થતી ઉનાળાની રજાઓ પહેલા શાળા ફરી ચાલુ થવાની શક્યતા નથી.
એકેડેમી ગ્રૂપ્સ શાળાઓ ખોલવા તૈયાર
હેરિસ ફાઉન્ડેશન, Reach 2, Oasis અને GEP સહિતના એકેડેમી જૂથોએ આગામી મહિનાથી શાળાઓ ફરી ખોલવાની તૈયારી દર્શાવી છે. દેશની સૌથી મોટી પ્રાઈમરી મલ્ટિ એકેડેમી ટ્રસ્ટ (MAT) ૫૦ સ્કૂલ્સ ધરાવે છે અને તેણે પ્રાયોરિટી ધોરણો માટે શાળાઓ ખોલવાનો ઈરાદો જાહેર કરી દીધો છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફને સલામત રાખવા માટે કડક મૂલ્યાંકનો દ્વારા ખાતરી મળી રહે ત્યાં સુધી શાળાઓ ચાલુ રખાશે તેમ પણ કહ્યું છે. ઈંગ્લેન્ડમાં ૨૫ ટકા જેટલા પ્રાઈમરી વિદ્યાર્થી MAT શાળાઓમાં અભ્યાસ કરે છે. આ શાળાઓ કાઉન્સિલ્સથી અલગ પોતાના નિયમો સ્થાપી શકે છે. Oasis ટ્રસ્ટ ૩૫ સ્કૂલ ચલાવે છે. હેરિસ ફાઉન્ડેશન લંડનમાં ૨૩ પ્રાઈમરી સ્કૂલ ચલાવે છે. GEP Academies સરેમાં સાત પ્રાઈમરીઝ ચલાવે છે. આ બધી શાળાઓના વર્ગમાં ૧૫ વિદ્યાર્થીની મર્યાદિત સંખ્યા સાથે અલગ લંચટાઈમ અને રિશેસ તેમજ સાફસફાઈનું સંપૂર્ણ ધ્યાન રખાય તેવી ચોકસાઈ કરાશે. ઈન્ડિપેન્ડન્ટ એસોસિયેશન ઓફ પ્રેપ સ્કૂલ્સના વડા ક્રિસ્ટોફર કિંગના કહેવા અનુસાર પ્રાયોરિટી ધોરણોના જૂથો માટે તમામ ૬૭૦ શાળા પહેલી જૂનથી ખુલી જવાની ધારણા છે.
વોચડોગે સરકારની તરફેણ કરી
યુરોપના ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, સ્વીડન સહિતના દેશોએ પ્રાઈમરી સ્કૂલ્સ ખોલી દીધી છે ત્યારે બ્રિટનમાં શાળાઓ પહેલી જૂનથી ફરી ખોલવા મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. બીજી તરફ, વોચડોગ ચિલ્ડ્રન્સ કમિશનર ફોર ઈંગ્લેન્ડ એન લોંગફિલ્ડે બાળકોને શક્ય તેટલા વહેલા શાળાએ મોકલવાનું સમર્થન કરવા સાથે સરકારની યોજનાને તર્કસંગત ગણાવી છે. તેમણે કહ્યું છે કે શાળાઓથી લાંબો સમય દૂર રહેવાનું બાળકો અને ખાસ કરીને અસુરક્ષિત અને વંચિત બાળકો માટે વધુ નુકસાનકારી બની રહેશે. તેમણે મિનિસ્ટર્સ અને યુનિયનોને તકરારમાં નહિ પડવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે NHS સાથે સંકળાયેલી ૫૯ નર્સરીઝ મહામારી કટોકટી દરમિયાન પણ ખુલ્લી રહી હતી. ત્રણ નર્સરીએ કોવિડ-૧૯નો પોઝિટિવ કેસ જણાવ્યો હતો અને કોઈએ બાળકો વચ્ચે સંક્રમણ થયાનું જણાવ્યું નથી.
બે કાઉન્સિલે વિરોધ કર્યો
સૌપ્રથમ લિવરપૂલ સિટી કાઉન્સિલે સરકારી આદેશનો જાહેરમાં વિરોધ કર્યો હતો. કાઉન્સિલે કહ્યું હતું કે તેઓ પહેલી જૂને શાળાના ગેટ્સ બંધ જ રાખશે. વહેલામાં વહેલા ૧૫ જૂનથી પ્રાઈમરી સ્કૂલ્સ અને માત્ર ધોરણ ૬ માટે વર્ગો ખોલવાની તેમની તૈયારી છે. લિવરપૂલ પછી ડરહામ કાઉન્ટીમાં હર્ટલપૂલ બરોએ શાળાઓ ફરી ખોલવાના સરકારી આદેશની અવગણવાની જાહેરાત કરી દીધી છે. નોર્થ ઈસ્ટમાં સૌથી કચડાયેલા વિસ્તારોમાં એક હર્ટલપૂલ બરો કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાઈરસના સ્થાનિક કેસીસ વધતા જાય છે ત્યારે શાળાઓ સાથે પરામર્શ પછી સોમવાર પહેલી જૂનથી શાળાઓ નહિ ખોલવા નિર્ણય લેવાયો છે. કાઉન્સિલે કહ્યું છે કે શાળાઓ ખોલવાની અગત્ય સમજીએ છીએ પરંતુ, આ બાબતે અમે સાવચેતીપૂર્ણ અભિગમ અપનાવવા માગીએ છીએ.
યુનિયનોના વિરોધને ડોક્ટરોનો સાથ
સરકારે વર્ગખંડમાં બાળકોની સંખ્યા મર્યાદિત રાખી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલન સાથે શાળાઓ ખોલવા જણાવ્યું છે ત્યારે દેશના સૌથી મોટા ડોક્ટર્સ યુનિયને શિક્ષકોના યુનિયનને ટેકો જાહેર કરતા જણાવ્યું છે કે આગામી મહિને શાળાઓ ખોલવી બાળકોની સલામતી માટે યોગ્ય નહિ હોવાની તેમની દલીલો સાચી છે. શૈક્ષણિક યુનિયનોએ સભ્યોને ઈંગ્લેન્ડમાં શાળાઓ ખોલવાની યોજનાથી અળગા રહેવા જણાવ્યું છે. શિક્ષકોને અસલામતી લાગતી હોય તો હેલ્થ અને સેફ્ટી નિયમો હેઠળ તેમને આવું રક્ષણ મળેલું છે. સરકારના સાયન્ટિફિક એડવાઈઝરોએ યુનિયન અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી પરંતુ, NASUWTના જનરલ સેક્રેટરી પેટ્રિક રોશે કહ્યું હતું કે બેઠકમાં ઉત્તરો કરતાં વધુ પ્રશ્નો ઉભાં થયાં હતાં. બ્રિટિશ મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે ઈન્ફેક્શન્સના દર ઘણા ઊંચા છે. કેસીસની સંખ્યા અત્યંત નીચે ન જાય ત્યાં સુધી શાળાઓ ફરી ખોલવાનું વિચારવું જ ન જોઈએ.
પેરન્ટ્સ પણ ભારે અવઢવમાં
કોરોના વાઈરસના ચેપનો ભય હોય ત્યારે પોતાના બાળકોને ફરી શાળાએ મોકલવા કે નહિ તે બાબતે પેરન્ટ્સ પણ મૂંઝવણમાં છે. શાળાઓ ૨૦ માર્ચથી બંધ છે ત્યારે બાળકોને લાંબો સમય સ્કૂલથી દૂર રાખવાનું પણ નુકસાનકારી ગણાશે અને તેમના શિક્ષણની પ્રગતિમાં અવરોધ પણ ઉભો થશે તેમ ઘણા પેરન્ટ્સ માને છે. આમ છતાં, તાજેતરના એક પોલમાં બહુમતી પેરન્ટ્સે તેઓ બાળકોને શાળામાં નહિ મોકલે તેવો મત દર્શાવ્યો હતો. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે એકેડેમિક યરથી શાળાઓ ફરી ખુલે ત્યારે જેઓ બાળકોને શાળાએ નહિ મોકલે તેમને કોઈ પ્રકારનો દંડ કરાશે નહિ. સત્તાવાર સલાહ એવી પણ છે કે જે બાળકો કોરોના વાઈરસ સામે અસલામત ગણાતા હોય તેમણે પણ શાળામાં આવવું નહિ. આ વર્ષે GCSE, AS અને A-લેવલ પરીક્ષાઓ લેવાની નથી. બાળકોના અગાઉના મૂલ્યાંકનો પરથી તેમને લેવલ્સ આપવામાં આવશે. બાળકો વહેલામાં વહેલા આગામી શૈક્ષણિક વર્ષ અથવા ૨૦૨૧ના ઉનાળામાં આ પરીક્ષાઓમાં બેસી શકશે.