લંડનઃ કન્ઝર્વેટિવ સરકારે ૨૦૧૦માં જાહેર ખર્ચ ઘટાડવા માટેના પગલાંની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં બ્રિટનમાં ૭૭૩ લાઈબ્રેરી બંધ થઈ છે. ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ફાઈનાન્સ અને એકાઉન્ટન્સી (Cipfa) દ્વારા કરાયેલા નોર્ધર્ન આયર્લેન્ડ સિવાયની લાઈબ્રેરીઓના વાર્ષિક સર્વે મુજબ યુકેમાં હજુ ૩,૫૮૩ લાઈબ્રેરી કાર્યરત છે. આ સંખ્યા ગયા વર્ષ કરતાં ૩૫ જેટલી ઓછી છે. ખર્ચમાં ૨૯.૬ ટકા ઘટાડાની સામે છેલ્લાં દાયકામાં યુકેની લગભગ પાંચમા ભાગની લાઈબ્રેરી બંધ થઈ છે. ૨૦૦૯-૧૦માં સર્વિસીસનો રાષ્ટ્રીય ખર્ચ ૧ બિલિયન પાઉન્ડ હતો, જોકે, તે ગયા વર્ષે ઘટીને ૭૫૦ મિલિયન પાઉન્ડ થયો હતો. ૨૦૧૭-૧૮માં ખર્ચમાં ૦.૪ ટકાનો વધારો નોંધાયો હતો.
આ ગાળામાં પેઈડ લાઈબ્રેરીયનની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. ૨૦૦૯ – ૧૦માં ટોરી સરકારે ખર્ચકાપનું અભિયાન શરૂ કર્યું ત્યારે ૨૪,૦૦૦ કર્મચારી લાઈબ્રેરીમાં વેતન પર કામ કરતા હતા. ગયા વર્ષે ૧૫,૩૦૦ કર્મચારી હતા અને ૫૧,૦૦૦થી વધુ વોલન્ટિયર્સ હતા.
તે સાથે જ લાઈબ્રેરી વિઝિટ્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. ૨૦૦૯-૧૦માં ૩૧૫ મિલિયન લાઈબ્રેરી વિઝિટ્સની સામે ગયા વર્ષે ૨૨૬ મિલિયન વિઝિટ્સ નોંધાઈ હતી.
Cipfaના ચીફ એક્ઝિક્યુટિવ રોબ વ્હાઈટમેને જણાવ્યું હતું કે ગયા વર્ષે ખર્ચમાં નજીવો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે લોકલ કાઉન્સિલોને સોશિયલ કેર જેવી અગ્રીમતાની સેવાઓ તરફ ફંડ વાળવા માટે ફરજ પાડવામાં આવી હતી.
લાઈબ્રેરિયન બોડી સીલીપના ચીફ એક્ઝિક્યુટિવ નીક પુલે વડા પ્રધાન બોરિસ જહોન્સનના નિવેદનમાં કેટલીક ગેરસમજ હોવાનું કહીને ટીકા કરી હતી. તેઓ માને છે કે લોકલ લાઈબ્રેરી સર્વિસીસની જવાબદારી માત્ર લોકલ કાઉન્સિલની છે. ૧૯૬૪ પબ્લિક લાઈબ્રેરી એક્ટ મુજબઆ સર્વિસની દેખરેખ રાખવાની અને તેમાં સુધારા કરવાની જવાબદારી સેન્ટ્રલ ગવર્નમેન્ટની છે.


