લંડનઃ બ્રિટનમાં અડધોઅડધ લોકો પોતાનો કોઈ જ ધર્મ ન હોવાનું જણાવે છે. નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ (NatCen) દ્વારા સંશોધનના ૨૦૧૬ના ડેટા અનુસાર અધાર્મિક અથવા નોન-બીલિવર્સની સંખ્યા ૫૩ ટકા જેટલી ઊંચી છે. ૧૯૮૩માં રેકોર્ડનો આરંભ કરાયો ત્યારે આ સંખ્યા ૩૧ ટકાની હતી.
સંશોધનમાં જણાયું હતું કે ૧૫ ટકા લોકો ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ, ૯ ટકા કેથોલિક ચર્ચ, ૧૭ ટકા અન્ય ક્રિશ્ચિયન સંપ્રદાય તથા ૬ ટકા લોકો અન્ય ધર્મો સાથે સંકળાયેલા છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના અનુયાયીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. જોકે, અન્ય ધર્મનેતાઓ માટે પણ અધાર્મિકતાનું વધતું પ્રમાણ ચિંતાજનક છે.
સંશોધકોના જણાવ્યા મુજબ ધાર્મિક બંધનોમાં ઘટાડા માટે મુખ્યત્વે યુવા વર્ગ જવાબદાર છે, જેમાંના ૭૧ ટકા તો ૧૮-૨૪ વયજૂથના છે. વર્ષ ૨૦૧૫માં આ અધાર્મિક યુવા વયજૂથની ટકાવારી ૬૨ ટકા હતી. આમ તો, તમામ વયજૂથના લોકોએ પોતાને અધાર્મિક ગણાવ્યા છે પરંતુ, વયોવૃદ્ધ લોકો આવી માન્યતામાં લઘુમત ધરાવે છે. ૬૫થી ૭૪ વયજૂથના લોકોમાં ૧૦માંથી ચાર એટલે કે ૪૦ ટકા લોકો પોતાને અધાર્મિક ગણાવે છે. જોકે, ૭૫ અને તેથી વધુ વયના લોકોમાં નોન-બીલિવર્સ ગણાવનારાની સંખ્યા ૨૭ ટકા જ છે.

