બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસો.ની 25મી વર્ષગાંઠની ઉજવણી

સી.બી પટેલ અને જસ્ટિન કોહેન BIJA કોમ્યુનિટી એવોર્ડ્સથી સન્માનિત

Tuesday 24th January 2023 11:48 EST
 
 

લંડનઃ બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશન (BIJA) દ્વારા ગુરુવાર 19મી જાન્યુઆરીએ ફ્લીટ સ્ટ્રીટમાં રોઝેનબ્લાટ મેમરી ક્રિસ્ટલ ઓફિસ ખાતે સ્પેશિયલ રિસેપ્શન સાથે તેમની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે આ નિમિત્તે શુભકામના પાઠવી હતી જેમનો પત્ર કાર્યક્રમના આરંભે વાંચી સંભળાવાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી પટેલ તેમજ જ્યુઈશ ન્યૂઝના ન્યૂઝ એડિટર જસ્ટિન કોહેનને BIJA કોમ્યુનિટી એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશનની 25મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે પાઠવેલા પત્રમાં પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે જણાવ્યું હતું કે,‘ ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓને નિકટ લાવવાના BIJAના કાર્યની હું સરાહના કરું છું. વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે મૈત્રીબંધનના નિર્માણનું કાર્ય કરે તેવી તમારા જેવી સંસ્થાઓની આપણે જરૂર છે.હું જાણું છું કે ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે ઘણી સમાનતાઓ છે. પરિવાર અને શિક્ષણના મહત્ત્વ જેવાં મૂલ્યો સરખાં છે તેમજ ઉત્સવોની ઉજવણીઓમાં પણ સામ્ય છે જેની નોંધ નં.10 ખાતે મેં તાજેતરમાં યોજેલા ચાન્નુકાહ રિસેપ્શનમાં પણ લીધી હતી.સામાજિક અને જાહેર જીવનમાં નોંધપાત્ર યોગદાન બદલ કોમ્યુનિટી એવોર્ડ્સ મેળવનારા સી.બી. પટેલ અને જસ્ટિન કોહેનને અભિનંદન પાઠવવાની તક હું ઝડપી લઉં છું.’ સુનાકના પત્રને BIJAના કો-ચેર ડો. પીટર ચઢાએ વાંચી સંભળાવ્યો હતો.

આ ઈવેન્ટમાં કોમ્યુનિટીઓમાં અને તેમની વચ્ચે વિશિષ્ટ બંધનોના નિર્માણના કાર્યની કદરરૂપે સી.બી.પટેલ (ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ) અને જસ્ટિન કોહેન (જ્યુઈશ ન્યૂઝના ન્યૂઝ એડિટર)ને BIJA કોમ્યુનિટી એવોર્ડ્સ એનાયત કરાયા હતા. અનિલ રાજાણી (રોઝેનબ્લાટના પાર્ટનર અને BIJA ના ટ્રસ્ટી)એ સ્વાગત સંબોધન કર્યું હતું. સોફી રોસ (BIJA કમિટી), રીના રેન્જર (BIJA કમિટી) અને લોર્ડ ડેવિડ પેન્નિક (BIJA એડવાઈઝરી બોર્ડ) તેમજ સંસ્થાના સહ-અધ્યક્ષો ઝાકી કૂપર અને ડો. પીટર ચઢાએ પણ સંબોધનો કર્યા હતા.

BIJA કોમ્યુનિટી એવોર્ડથી સન્માનિત સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘BIJA કોમ્યુનિટી એવોર્ડ મેળવીને મને ગૌરવ થયું છે. મેં હંમેશાં ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે વિશિષ્ટ બંધનને નિહાળ્યું છે. હું 1990ના દાયકામાં BIJAની સ્થાપનામાં સંકળાયેલો હતો. હું માનું છું કે ભારતીયો અને યહુદીઓ વચ્ચેના સંબંધ પરસ્પર લાભકારી છે એટલું જ નહિ, સમગ્ર દેશ માટે પણ આશીર્વાદરૂપ છે. આ સંબંધ સતત વિકસતો રહે. મને એ કહેતા જરા પણ ખચકાટ થતો નથી કે શ્રેષ્ઠતાનું પ્રદર્શન તો હજું આવવાનું બાકી છે. મારી 86 વર્ષની વયે હું જ્યારે ભૂતકાળ તરફ નજર કરૂં છું ત્યારે મને આનંદ અને સંતોષની લાગણી થાય છે.’

BIJA કોમ્યુનિટી એવોર્ડ પ્રાપ્ત કરતા જસ્ટિન કોહેને જણાવ્યું હતું કે,‘બે દાયકાથી વધુ સમયથી જે કાર્ય કરવાનું મને ગમતું રહ્યું છે તેના માટે એવોર્ડ મળે તે મારા માટે અનપેક્ષિત અને વિશિષ્ટ બાબત છે. ભારતમાં જન્મેલા ગર્વીલા બ્રિટિશ જ્યુ, મારા પિતાને ગુમાવ્યા બાદ થોડાં જ સમયમાં એવોર્ડ મળ્યો છે તેનો વધુ હરખ છે.’

આ ઈવેન્ટમાં જોસ ગ્લાન્સી (સન્ડે ટાઈમ્સ અને JC) અને માનવીન રાણા (ધ ટાઈમ્સ પોડકાસ્ટના કો-હોસ્ટ, સ્ટોરીઝ ઓફ અવર ટાઈમ્સ) સાથેના ઈન્ટરવ્યૂઝ પણ રસપ્રદ રહ્યા હતા. સહાધ્યક્ષ ઝાકી કૂપરે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી હતી. તેઓએ પોતાની કારકિર્દીઓ તેમજ બંને કોમ્યુનિટીઓ વચ્ચે સમાનતા વિશે વાતો કરી હતી. માનવીન રાણાએ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે તેમના કિડનેપિંગ અને લંડનમાં ત્રાસવાદી પ્લોટ નિષ્ફળ બનાવાયા વિશે જણાવ્યું હતું. બીજી તરફ, જ્હોન ગ્લાન્સીએ બિલ ક્લિન્ટન અને પામેલા એન્ડરસન જેવી પ્રસિદ્ધ વ્યક્તિઓના ઈન્ટરવ્યૂ લેવા વિશે જણાવ્યું હતું.

સહ-અધ્યક્ષો ઝાકી કૂપર અને ડો. પીટર ચઢાએ ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે મિત્રતાની ઉજવણીમાં રચનાત્મક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણી બે કોમ્યુનિટીના મીડિયા સંસ્થાઓમાં વર્ષોના અસરકારક યોગદાન સાથે કાર્યરત સિતારાઓ સીબી અને જસ્ટિનનું સન્માન પણ મહત્ત્વની બાબત રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter