લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના વાઈરસ મહામારી દરમિયાન બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના યોગદાનને જાહેરમાં લાવવાના બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અભિયાનના ભાગરુપે કોમ્યુનિટીના સભ્યોની કદર કરતો અંગત પત્ર પાઠવ્યો છે અને તેઓને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી હતી. કોવિડ-૧૯ સામેના યુદ્ધમાં અગ્રેસર રહી કામ કરતા આ વ્યક્તિઓને પરિવારો અને મિત્રો તેમજ તેમની કામગીરીથી લાભ મેળવનારાઓ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે.
બ્રિટિશ એશિયન હીરોઝ દ્વારા કરાયેલી હિંમતસભર અને નિઃસ્વાર્થ કામગીરી વિશે વડા પ્રધાને લખ્યું હતું કે, ‘તમે ફ્રન્ટલાઈન પર કાર્યરત ડોક્ટર હો અથવા રોજના દયાસભર કાર્યોથી અન્યોના જીવનમાં વાસ્તવિક તફાવત સર્જનારા વોલન્ટીઅર્સ હો, તમારા ઉમદા કાર્યોને બિરદાવવાના અદ્ભૂત ઈવેન્ટના તમામ નોમિનીઝને હું અભિનંદન પાઠવું છું.’ વડા પ્રધાને જણાવ્યું હતું કે,‘કોવિડ-૧૯ યુનાઈટેડ કિંગ્ડમ માટે કપરી કસોટીનો સમય બની રહ્યો છે. સાથે મળીને કામ કરવા, બલિદાન, કરુણા અને મક્કમ નિર્ધારથી આપણે તેના પર વિજય મેળવી રહ્યા છીએ. બ્રિટિશ એશિયન કોમ્યુનિટી આ યુદ્ધમાં ડોક્ટર્સ, નર્સીસ, વોલન્ટીઅર્સ અને ચાવીરુપ વર્કર્સ તરીકે આપણી કોમ્યુનિટીઓને સપોર્ટ આપવામાં મોખરે રહી છે. હું આ ખમીરવંતા કાર્યોની ઉજવણીમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સાથે જોડાઉં છું.’
વડા પ્રધાને અગાઉ પણ ‘ધ સ્કિપિંગ શીખ’ તરીકે જાણીતા બ્રિટિશ એશિયન હીરો રોજિન્દર સિંહના કાર્યોની સરાહના કરી હતી. લોકડાઉન દરમિયાન NHSને સપોર્ટ કરવા તેમજ સમગ્ર દેશના લોકોને તેમના દોરડાં ઉઠાવી કૂદવાનું પ્રોત્સાહન આપવા સાથે ‘સ્કિપ ચેલેન્જ’થી તેમના ઉત્સાહને જાળવી રાખવામાં મદદ કરવા બદલ અંગત આભાર પણ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર લોકડાઉનના ગાળામાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટ અન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ચોકસાઈ માટે કામગીરી બજાવતા બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના સભ્યોને જાહેરમાં બિરદાવી રહ્યું છે. જાહેર આરોગ્યની કટોકટી વચ્ચે લોકડાઉનના ગાળામાં કોમ્યુનિટીના હીરોઝ અને તેમની પ્રવૃત્તિને દરરોજ સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવાનું આ દૈનિક અભિયાન છે.
બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના આ પ્રેરણાદાયી લોકોએ કસરતના ક્લાસીસ, ફૂડ પેકેજીસ, માનસિક આરોગ્યમાં મદદ, ડીજે લેસન્સ અથવા ઝૂમ પર વાતચીત સહિતની પ્રવૃત્તિઓથી અન્યોના જીવન પર પોઝિટિવ અસર ઉપજાવવા સાથે લોકડાઉનના ગાળાને સહન કરવામાં હિંમત આપી હતી.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા માસિક ધોરણે બ્રિટિશ એશિયન હીરોઝના યોગદાનને પ્રકાશિત કરવાનું ચાલુ રખાશે. તમે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર મારફત બ્રિટિશ એશિયન ટ્રસ્ટને ફોલો કરી બ્રિટિશ એશિયન હીરોઝ વિશે જાણી શકો છો.