બ્રિટિશ એશિયનોને આર્મીમાં જોડાવા અનુરોધ

સ્મિતા સરકાર Wednesday 12th April 2017 07:16 EDT
 
 

લંડનઃ એશિયન કોમ્યુનિટીના લોકો લશ્કરી દળોમાં જોડાઈને પોતાની કારકિર્દી ઘડવાને પસંદ કરતા ન હતા. જોકે, લશ્કરમાં જોડાવું એ તો એક અલગ જ સ્વપ્ન સમાન છે જે ઘણાં લોકોએ જોયું જ ન હોય. પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવ્યા પછી પણ તેઓ મલ્ટિનેશનલ કંપનીઓના વેતનધોરણથી આકર્ષાઈ જતા હતા. કેટલાકને લશ્કરમાં ઉચ્ચ હોદ્દાની જોબ ન મળે તો વિકાસનો અવકાશ મર્યાદિત રહેશે એવું લાગતું હતું. કેટલાંક પોતાનામાં જરૂરી ફીટનેસ, શિસ્ત અથવા શારીરિક માપદંડના અભાવે આર્મ્ડ ફોર્સીસમાં જોડાવાથી દૂર રહેતા હતા.

જોકે, છેલ્લાં બે દાયકામાં આ વલણમાં પરિવર્તન આવ્યું હોય તેમ લાગે છે. બ્રિટિશ એશિયનો હવે લશ્કરમાં જોડાતા ખચકાતા નથી અને ઘણાં ફ્રન્ટલાઈન કોમ્બેટ સર્વિસમાં જોડાયા છે અને મેડિસીન, એન્જિનિયરીંગ, HR અને લોજિસ્ટિક્સ સહિતના ક્ષેત્રોમાં વિશ્વભરમાં ફરજ બજાવી રહ્યા છે. લશ્કરી દળોમાં ફરજના ઘણાં વિકલ્પો છે અને દેશને તમારી જરૂર છે ત્યારે તમને દેશસેવા કરવાની મોટી તક બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસ આપે છે.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને આપેલી ખાસ મુલાકાતમાં લશ્કરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોમ્યુનિટીને પ્રેરણા મળે તે માટે તેમના અનુભવો અને મંતવ્યો જણાવ્યા હતા. કેપ્ટન માખંડ સિંઘે જણાવ્યું હતું,‘ લશ્કરી દળોમાં તમામ ધર્મોના નાગરિકોને પ્રમાણસર પ્રતિનિધિત્વ મળે તેવું અમે ઈચ્છીએ છીએ.’ તેઓ લગભગ ૩૦ વર્ષથી બ્રિટિશ આર્મીમાં છે અને તેમણે બોસ્નિયા, જર્મની અને બેલ્સિઝમાં ફરજ બજાવી છે. તેમણે કહ્યું હતું,‘એક એવી ખોટી વ્યાપક માન્યતા છે કે બધા સૈનિકો બેરેકમાં જ રહે છે. મને તો રહેવાની વ્યવસ્થા અપાઈ હતી અને પરિવારને કોઈ પણ રીતે ગેરલાભ થાય નહીં તે માટે મારા બાળકોને યુકેના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ અપાતું હતું.’

લશ્કરી દળો ટીમ વર્ક પર વિશેષ ધ્યાન આપે છે અને તમને સુખદ સંબંધનો અનુભવ કરવો હોય તો આનાથી વધુ સારી તક કોઈ મળશે નહીં. આર્મી તેના સભ્યોની શક્તિઓને જાતે ખીલવા દે છે અને તેમનામાં જે શ્રેષ્ઠતા હોય તેને બહાર લાવે છે.’ પંજાબી સંસ્કૃતિને પ્રોત્સાહન પૂરું પાડવામાં તેમના યોગદાનની કદર કરાઈ હતી અને તેમનું ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ કલ્ચરલ એવોર્ડથી સન્માન કરાયું હતું. તેમણે જણાવ્યું હતું,‘ આ કદરને લીધે મને ખૂબ જ સંતોષ થયો હતો. ઘણાં સૈનિકો તેમના ફાજલ સમયનો ઉપયોગ કોમ્યુનિટીની નિઃસ્વાર્થ સેવામાં ગાળે છે.

સાર્જન્ટ હરપ્રીત કૌર ઈન્ટેન્સિવ કેર નર્સ છે અને એક NHSમાં શીફ્ટ પ્રમાણે કામ કરે છે. તે અઠવાડિયામાં એક વખત ‘મિલિટરી ડે’ દ્વારા લશ્કરી કર્મચારીઓ અથવા ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર્સના માર્ગદર્શન મુજબ શારીરિક તાલીમ મેળવે છે. તેની કસરતોમાં ૬થી ૮ માઈલની દોડ અથવા પીઠ પર ૧૫ કિ.ગ્રા વજન ઉંચકીને ચાલવાનો સમાવેશ થાય છે.

કૌરે જણાવ્યું હતું,‘ લશ્કરમાં તમારું જીવન તમે કેવા પ્રકારની ફરજ બજાવો છો તેના પર આધારિત છે. એક નર્સ તરીકે મારા માટે લશ્કરમાં આ જીંદગી ખૂબ ઝડપી છે. આર્મ્ડ ફોર્સીસમાં અલગ અલગ પ્રકારની ૧૦૦થી વધુ જોબ્સ છે અને ફ્રન્ટલાઈન કામકાજમાં ગણ્યાગાંઠ્યા લોકો જ છે. મોટાભાગની જોબ કોમ્બેટ સર્વિસ સપોર્ટ પૂરી પાડે છે. હું પણ તેનો એક ભાગ છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter