બ્રિટિશ ગેસના ગ્રાહકોએ બીજો ભાવવધારો ચૂકવવાનો થશે

Saturday 18th August 2018 03:15 EDT
 
 

લંડનઃ એનર્જી ફર્મ બ્રિટિશ ગેસ દ્વારા પહેલી ઓક્ટોબરથી સ્ટાન્ડર્ડ વેરીએબલ ટેરિફમાં ૩.૮ ટકાનો વધારો કરી રહી છે, જેના પરિણામે તેના ૩.૫ મિલિયન જેટલા વર્તમાન ગ્રાહકોને સરેરાશ ૪૪ પાઉન્ડ વધારે ચૂકવવા પડશે, જે વાર્ષિક ૧૨૦૫ પાઉન્ડ સુધી પહોંચી જશે. કંપનીએ મે મહિનામાં જ ટેરિફ વાર્ષિક ૬૦ પાઉન્ડ જેટલો વધાર્યો હતો. સ્માર્ટ મીટર મૂકવાના ખર્ચને પહોંચી વળવા એનર્જી કંપનીની માલિક સેન્ટ્રિકાએ ભાવવધારો કર્યો છે.

બ્રિટિશ ગેસ દ્વારા જણાવાયું છે કે એપ્રિલ મહિનાથી તેની જથ્થાબંધ એનર્જી ખરીદીનાં ખર્ચમાં ૨૦ ટકાનો ભારે વધારો થયો હોવાથી તેને આ ભાવવધારો કરવાની ફરજ પડી છે. તેના ૩.૫ મિલિયન ગ્રાહકોને આ વધારાની અસર થશે પરંતુ, સ્ટાન્ડર્ડ વેરીએબલ ટેરિફના વિકલ્પો પસંદ કરવા ગ્રાહકોનો સંપર્ક સાધવામાં આવશે.

બ્રિટિશ ગેસની માલિક સેન્ટ્રિકા યુકેના મકાનોમાં વિવાદાસ્પદ સ્માર્ટ મીટર નાખવા પાછળ વાર્ષિક ૩૦૦ મિલિયન પાઉન્ડ ખર્ચી રહી છે અને અત્યાર સુધી ૬ મિલિયનથી વધુ ઘરને આવરી લેવાયા છે. મોટા સપ્લાયર્સ દ્વારા આ ખર્ચ ગ્રાહકોના માથે નખાઈ રહ્યો છે. સ્માર્ટ મીટરના કારણે ઘરમાલિકો તેમના એનર્જી વપરાશ પર નજર રાખી શકે છે, જેનાથી ખર્ચ ઘટાડવામાં મદદ મળે. જોકે, મીટર્સની આગવી સમસ્યાઓ હોવાથી આ હેતુ બરાબર સિદ્ધ થયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter