બ્રિટિશ જીવનમાં સમાન મૂલ્યો સાથે ભારતીયો અને યહુદીઓનું નોંધપાત્ર અનુદાન

લોર્ડ જિતેશ ગઢિયા અને ઝાકી કૂપર Friday 30th November 2018 05:57 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટ મુદ્દે રાજકીય ધ્રૂવીકરણ અને વિભાજન ચાલે છે ત્યારે ભારતીયો અને યહુદીઓ સમાન મૂલ્યો અને આદર્શો થકી વિશિષ્ટ કનેક્શન ધરાવે છે. ઈન્ટર-ફેઈથ સપ્તાહ દરમિયાન ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીના અગ્રણીઓ વેસ્ટર્ન માર્બલ આર્ચ સીનેગોગ ખાતે એકત્ર થયા હતા. અન્ય ધાર્મિક, રાજકીય, બિઝનેસ અને કલ્ચરલ અગ્રણીઓની સાથે મુખ્ય રબાઈએ બ્રિટનની બે સૌથી સફળ લઘુમતી કોમ્યુનિટીઓ વચ્ચે મૈત્રીસંબંધોને મજબૂત બનાવ્યા હતા. ઈન્ટર-ફેઈથ સપ્તાહના પ્રથમ તબક્કામાં યુકેમાં ૫૦૦થી વધુ કાર્યક્રમો યોજાયા હતા.

બ્રિટનની વસ્તીમાં ૧.૫ મિલિયન ભારતીય અને ૩૦૦,૦૦૦ યહુદીઓનો ફાળો છે. બંને સમાજ ચિંતાનો સામનો કરી રહ્યો છે કારણકે એક તરફ, એન્ટિ-સેમેટિઝમ વધી રહ્યું છે ત્યારે ભારતીયોને લક્ષમાં રાખી હેટ ક્રાઈમ્સ (બે સપ્તાહ અગાઉ જ નોર્થ લંડનમાં બે ભારતીય મંદિરોમાં ચોરી થઈ હતી) વધી રહ્યા છે. બંને કોમ્યુનિટીઓ પૂર્વગ્રહોનો સામનો કરી રહી છે છતાં, તેઓ તેનાથી ગેરમાર્ગે દોરવાયા નથી. ભારતીયો અને યહુદીઓએ બ્રિટિશત્વ અપનાવી લીધું છે. તેઓ સૌથી દેશભક્ત નાગરિકોમાંના એક છે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ૧.૫ મિલિયન ભારતીય અને ૫૦,૦૦૦ યહુદીઓએ સેવા આપી હતી.

આપણે આ બંને સમુદાયો પાસેથી એક એ શીખવાનું છે કે સખત મહેનત અને મક્કમ નિર્ધારથી તમે ‘બ્રિટિશ ડ્રીમ’ને પરિપૂર્ણ કરી શકો છો. આ બંને સમુદાયો ઓછાં સંસાધનો સાથે આ દેશમાં આવ્યા હતા અને પોતાની મક્કમ દૃઢતા અને મહેનત દ્વારા અહીં સારું જીવન બનાવ્યું એટલું જ નહિ, જીવનના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. બ્રિટિશ પરંપરાના મુખ્ય પ્રવાહમાં એકીકૃત થઈ બંને સમાજે શ્રેષ્ઠ શિક્ષણનો લાભ ઉઠાવ્યો છે તેમજ ઘણા ભારતીયો અને યહુદીઓ પ્રોફેશનલ્સ બન્યા છે. એમના સંતાનો વકીલ, ડોક્ટર અને એકાઉન્ટડન્ટ બને તેવી તેમના પેરન્ટ્સની ઈચ્છાઓ પૂર્ણ કરી છે.

બંને કોમ્યુનિટીઓ ઉદ્યોગસાહસિક રહી છે. જ્યારે નોકરીઓ ઓછી હતી ત્યારે યહુદી અને ભારતીયોએ બુદ્ધિના ઉપયોગથી પોતાના બિઝનેસીસ સ્થાપ્યા હતા. યહુદી બિઝનેસ અગ્રણીઓમાં માર્ક્સ એન્ડ સ્પેન્સરના સહસ્થાપક દિવંગત માઈકલ માર્ક્સ, ટેસ્કો સુપરમાર્કેટ્સના સ્થાપક દિવંગત સર જેક કોહેન છે તો ભારતીયોમાં નૂન પ્રોડક્ટ્સના સ્થાપક દિવંગત લોર્ડ નૂન MBE અને એડવર્ડિયન હોટેલ્સ લંડનના ચેરમેન એને સીઈઓ જસમિન્દરસિંહ OBE ના ઉદાહરણો છે.

બંને સમુદાયે બ્રિટિશ સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ઘણા યહુદી નાટ્યલેખકો અને કોમેડિયનોએ અમીટ છાપ સર્જી છે તો ભારતીય ભોજન અને નૃત્ય ભારે લોકપ્રિય બન્યાં છે અને કરી તો દેશની ફેવરિટ ડીશ છે. બંને કોમ્યુનિટીના કેન્દ્રમાં પરિવાર અને સામાજિક જીવન રહેલાં છે. તેઓ પોતાના પરિવારો અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ સાથે વ્યક્તિગત જવાબદારીઓનું સંતુલન સાધે છે. યહુદીવિરોધ અને વંશીય તિરસ્કારના વર્તમાન અંધકારના માહોલમાંથી પ્રકાશના ઉત્સવો ‘દીવાળી’ અને યહુદીઓના ‘હાનુક્કાહ’ તેજસ્વી ભવિષ્ય તરફ દોરી જશે તેવી આપણે આશા રાખીએ.

(લોર્ડ ગઢિયા બ્રિટિશ ઉમરાવ છે અને ઝાકી કૂપર ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશનના ટ્રસ્ટી છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter