બ્રિટિશ ટેલિકોમના ૧૦ લાખ લેન્ડલાઈન ગ્રાહકોને ફાયદો

Monday 30th October 2017 05:34 EDT
 
 

લંડનઃ બ્રિટિશ ટેલિકોમ તેના માત્ર લેન્ડલાઈન ધરાવતા ગ્રાહકોને ચાર્જ કરાતી રકમમાં આગામી વર્ષના એપ્રિલથી ભારે ઘટાડો કરશે, જેનો લાભ ૧૦ લાખ ગ્રાહકોને મળશે. તેમને માસિક ૧૮.૯૯ પાઉન્ડનું ભાડું ભરવું પડે છે તેમાં સાત પાઉન્ડનો ઘટાડો થવા સાથે તેમને હવે માસિક ૧૧.૯૯ પાઉન્ડનું ભાડું ભરવાનું થશે. આમ તેમને વાર્ષિક ૮૪ પાઉન્ડનો ફાયદો થશે. ટેલિકોમ પ્રોવાઈડર્સ બ્રોડબેન્ડ અથવા ટીવી નહિ ધરાવતા મુખ્યત્વે વયોવૃદ્ધ ગ્રાહકો પર વધારાનો બોજ નાખતા હોવાની ટીકા રેગ્યુલેટર ઓફકોમ દ્વારા કરાતા બીટીએ આ જાહેરાત કરી હતી.

આવા ગ્રાહકોમાં આશરે બે તૃતીઆંશ લોકો તો ૬૫ વર્ષથી વધુ વયના છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં સેવા આપવાના ખર્ચમાં ૨૭ ટકા જેટલો ઘટાડો થવા છતાં મુખ્ય લેન્ડલાઈન પ્રોવાઈડર્સે તેમના લાઈન રેન્ટલ ચાર્જિસમાં ૨૩ ટકાથી ૪૭ ટકા વચ્ચે વધારો કર્યો હતો. યુકેના ૧.૫ મિલિયન લેન્ડલાઈન ગ્રાહકોનો અંદાજે ૬૬ ટકા હિસ્સો બ્રિટિશ ટેલિકોમ પાસે હોવાથી ઓફકોમે તેને નિશાન બનાવી હતી. જોકે, અન્ય પ્રોવાઈડર્સ પણ તેને અનુસરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ ભાવઘટાડો આગામી એપ્રિલથી ત્રણ વર્ષ માટે ૮૦૦,૦૦૦ બીટી કસ્ટમર્સને આપમેળે લાગુ પડશે, બીટીના ‘હોમ ફોન સેવર’ પેકેજના વધુ ૨૦૦,૦૦૦ ગ્રાહક પણ તેને લાયક ગણાશે પરંતુ, તેમણે આ માટે અરજી કરવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter