બ્રિટિશ પરિવારનું દેવું સરેરાશ £૧૫,૪૦૦!

Thursday 17th January 2019 04:07 EST
 
 

લંડનઃ બ્રિટિશ પરિવારના શિરે દેવું નવાં શિખરે પહોંચ્યું છે. યુકેના પરિવારોના શિરે હવે ક્રેડિટ કાર્ડ કંપનીઓ, બેન્કો અને અન્ય ધીરાણકારોનું સરેરાશ ૧૫,૩૮૫ પાઉન્ડનું દેવું છે, જેમાં ક્રિસમસના ગાળામાં કરાયેલાં દેવાંનો સમાવેશ કરાયો નથી. ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC)ના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર દ્વારા વર્ષો સુધી કરકસર અને સ્થગિત કરાયેલાં વેતનોનાં પરિણામે પરિવારોને કરજ લેવાની ફરજ પડી હોવાથી વર્ષ ૨૦૧૮માં તેમના દેવાંમાં જંગી વધારો જોવા મળ્યો હતો.

TUCએ દેશની નાણાકીય સ્થિતિ વિશે જણાવ્યું છે કે ૨૦૧૮ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં બ્રિટિશ પરિવારોનું સંયુક્ત દેવું વધીને ૪૨૮ બિલિયન પાઉન્ડે પહોંચ્યું હતું. બ્રિટિશ પરિવારનું દેવું તેની અગાઉના ૧૨ મહિનાના ગાળા કરતાં ૮૮૬ પાઉન્ડ વધ્યું હતું. આ આંકડામાં મોર્ગેજીસના બાકી લેણાનો સમાવેશ થતો નથી પરંતુ, સ્ટુડન્ટ્સ લોનનો સમાવેશ થાય છે.

પારિવારિક આવકના હિસ્સામાં અસુરક્ષિત કરજનો હિસ્સો હવે ૩૦.૪ ટકા થયો છે, જે ૨૦૦૮ની નાણાકીય કટોકટીના ૨૮૬ બિલિયન પાઉન્ડના શિખર કરતાં ઘણું વધુ છે. તે સમયે સ્ટુડન્ટ્સ લોનમાં ટ્યુશન ફી વાર્ષિક ૩,૦૦૦ પાઉન્ડ હતી, જે આજે વધીને ૯,૨૫૦ પાઉન્ડ જેટલી છે.

અસુરક્ષિત કરજ માટે મુખ્ય કારણોમાં જાહેર ખર્ચાઓમાં કાપ અને વર્ષો સુધી વેતનોની સ્થગિતતાને ગણાવી રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય કટોકટી અગાઉની સરખામણીએ બ્રિટિશ વર્કિંગ પરિવારોની હાલત સરેરાશ વધુ ખરાબ છે. TUCના જનરલ સેક્રેટરી ફ્રાન્સેસ ઓ’ગ્રાડીએ જણાવ્યું હતું કે,‘ સરકાર દ્વારા વર્ષો સુધી કરકસર અને સ્થગિત વેતનોએ લાખો પરિવારને હાલત ખરાબ કરી છે. મજબૂત અર્થતંત્રમાં લોકો તેમનું વેતન ખર્ચતાં હોવાં જોઈએ, ક્રેડિટ કાર્ડ્સ અને લોન્સના નાણા નહિ. તેમણે ૨૫ વર્ષથી વધુ વયજૂથ માટે પ્રતિ કલાક લઘુતમ વેતન ૧૦ પાઉન્ડ સુધી વધારવા સલાહ આપી હતી.

TUCએ આંકડા મેળવવા બેન્ક ઓવરડ્રાફ્ટ્સ તરીકે અપાયેલી કુલ રકમો, પર્સનલ લોન્સ, સ્ટોર કાર્ડ્સ, પેડે લોન્સ અને ક્રેડિટ કાર્ડ્સના બાકી દેવાંની સરખામણી કરી હતી. સ્ટુડન્ટ લોન્સ ઉમેરાવાથી કુલ આંકડો વધી ગયો છે. ગ્રેજ્યુએટ્સ ૫૦,૦૦૦ પાઉન્ડના દેવાં સાથે ડીગ્રી કોર્સમાંથી બહાર આવે છે પરંતુ, ઓછામાં ઓછી વાર્ષિક કમાણી ૨૧,૦૦૦ પાઉન્ડ ના થાય ત્યાં સુધી તેમણે સ્ટુડન્ટ લોનની પરત ચૂકવણી શરૂ કરવાની રહેતી નથી.

ડેટા અનુસાર ૧૯૯૮માં બ્રિટિશ પરિવારોના શિરે સરેરાશ અસુરક્ષિત દેવું ૫,૪૫૬ પાઉન્ડ પાઉન્ડ હતું. એક દાયકા પછી, નાણાકીય કટોકટીના આરંભે આંકડો બમણો થઈ ૧૧,૧૪૬ પાઉન્ડ થયો હતો. પરિવારો ૨૦૦૮ પછી ભાવ ઝડપથી વધતા ગયા ત્યારથી પરિવારો સ્થગિત અથવા ઘટતી આવકો સાથે સંઘર્ષ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter