લંડનઃ યુવાન બ્રિટિશ પાકિસ્તાની મહિલાઓ પોતાના પરિવારને ખુશ રાખવા કઝીન્સ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે પરંતુ, આ લગ્નના પરિણામે વિકલાંગ બાળકના જન્મનું જોખમ પણ વહોરે છે. બ્રિટનમાં કઝિન્સ સાથે લગ્ન વિવાદાસ્પદ હોઈ શકે પરંતુ, ગેરકાયદે નથી. ૪૦૦ કરતા વધુ વર્ષથી તે ચાલે છે. બ્રિટિશ પાકિસ્તાની કોમ્યુનિટીમાં તો આ રિવાજ સામાન્ય છે અને અંદાજે ૫૫ ટકા તેને અનુસરે છે. બ્રિટનની પ્રથમ એશિયન બેરોનેસ શ્રીલા ફ્લેધરે બ્રિટિશ પાકિસ્તાની કોમ્યુનિટીમાં કઝિન્સ લગ્ન અગાઉ તેમના ડીએનએ પરીક્ષણ કરાવે તેની તરફેણ કરી છે.
બીબીસી-૩ ડોક્યુમેન્ટરી ‘શુડ આઈ મેરી માય કઝીન’માં ૧૮ વર્ષીય બ્રિટિશ પાકિસ્તાની યુવતી હિબા મારુફની વાત કહેવાઈ છે. હિબા પરિવારની પરંપરાને વળગી રહેવું કે કેમ તેની મૂંઝવણમાં છે. મૂળ પાકિસ્તાનના મીરપૂરની હિબા પોતાના પરિવાર અને કઝીન્સ સાથે લગ્ન કરી રહેલી બે બહેનો સાથે પણ વાત કરે છે. આખરે તે ૨૦૦૭માં જન્મેલા ૧૩,૫૦૦ બાળકોના લાંબા ગાળાનો અભ્યાસ કરતા ‘બોર્ન ઈન બ્રેડફર્ડ’ સંશોધનનો અભ્યાસ કરે છે. કઝિન સાથે લગ્નથી થનારા બાળકને સંભવિત જિનેટિક સમસ્યાઓછી ચિંતિત બની તે પોતાના સગાં સાથે લગ્ન નહિ કરવાનો નિર્ણય લે છે.
કેટલીક મુસ્લિમ છોકરીઓ પોતાના પરિવારને ખુશ રાખવા ખાતર જ આ વ્યવસ્થામાં જોડાય છે. ૧૮ વર્ષની હિબા સામે પણ પરિવારની પરંપરાને વળગી રહેવું કે પોતાની પસંદગીના પુરુષ સાથે સંબંધે બંધાવુની મૂંઝવણ આવી હતી. હિબાએ પરિવારના સભ્યો અને આવી મૂંઝવણમાંથી પસાર થયેલી અન્ય બ્રિટિશ પાકિસ્તાની મહિલાઓ સાથે વાતો કરી હતી. હિબાને આંતરપ્રજનનની આરોગ્ય સમસ્યાઓની ચિંતા છે. તાજેતરના રિપોર્ટ અનુસાર બ્રિટિશ પાકિસ્તાનીઓ દેશમાં કુલ જન્મના ત્રણ ટકા માટે જવાબદાર છે છતાં, જિનેટિક બીમારી સાથે જન્મેલા બ્રિટિશ બાળકોમાં તેમનો હિસ્સો ૩૦ ટકાનો છે, જ્યારે બ્રેડફર્ડમાં આ પ્રમાણ ૭૦ ટકાનું છે. જોકે, પાકિસ્તાની કોમ્યુનિટીની દલીલ એવી પણ છે કે પિતરાઈઓમાં લગ્ન ન થતાં હોય તેવાં સમુદાયોમાં પણ જિનેટિક બીમારીઓ જોવાં મળે છે.


