બ્રિટિશ પ્રવાસીએ ગીત નહિ ગાવાનું કહેતા માર્શલ આર્ટ નિષ્ણાતે હત્યા કરી

Wednesday 04th September 2019 02:38 EDT
 
 

લંડનઃ થાઈલેન્ડના ફુકેટમાં પત્ની અને બાળક સાથે હોલિડે માણવા ગયેલા ૩૪ વર્ષીય બ્રિટિશર અમૃતપાલ સિંઘ બજાજની માર્શલ આર્ટ નિષ્ણાત રોજર બુલમેને નજીવા કારણસર હત્યા કરી નાખી હતી. બજાજના પત્ની બંધના કૌર બજાજે જણાવ્યું હતું કે રિસોર્ટ ઓફ કેરોનમાં સેન્ટારા ગ્રાન્ડ હોટલમાં તેમના બન્નેના રૂમ વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. રોજરે તેની બાલ્કનીમાં વહેલી પરોઢે ૩.૩૦ના સુમારે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. બજાજે તેના અવાજથી પોતાનો પુત્ર જાગી જશે તેવી ફરિયાદ કરીને તેને ગીત ગાવાનું બંધ કરવા કહ્યું હતું. આથી રોષે ભરાયેલો બુલમેન તેમના રૂમોની બાલ્કની વચ્ચેનો દરવાજો તોડીને બજાજના રૂમમાં ધસી આવ્યો હતો અને ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી હતી.

૫૩ વર્ષીય રોજર બુલમેન ઓસ્લોનો રહેવાસી છે. તેના પર માનવહત્યા અને હિંસક કૃત્ય દ્વારા ટ્રેસપાસિંગનો આરોપ મૂકાયો હતો અને ૫,૩૦૦ પાઉન્ડના જામીન પર છોડાયો હતો. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે બજાજ બુલમેનના રૂમમાં ગયા હતા અને તેમની પાસે નાઈફ હતી અને બુલમેને તેમનું ગળું દબાવ્યું તે પહેલા બજાજે બુલમેનના ખભા પર નાઈફથી ઘા કર્યો હતો. જોકે, પાછળથી ઓફિસરોએ જણાવ્યું હતું કે બુલમેને જ બજાજ પર હુમલો કર્યો હોય તેવું લાગે છે.

બંધના બજાજે પત્રકારોને જણાવ્યું હતું,‘ આ બાબત મારા માટે એક દુઃસ્વપ્ન જેવી છે. હું જ્યારે પણ આંખો બંધ કરું છું ત્યારે મારી નજર સામે આ આખી ઘટના જીવંત થાય છે. મારે ભાંગી ન પડવું જોઈએ તેમ હું મારી જાતને કહેતી રહું છું. મારે મારા પુત્રને ખાતર હિંમત કેળવવાની જરૂર છે.’ તેમણે ઉમેર્યું હતું કે તેમનો ૨૦ મહિનાનો પુત્ર આ ઘટનાને લીધે ખૂબ ગભરાઈ ગયો છે. હવે જ્યારે તે દરવાજો ખૂલવાનો કે કોઈની મોટેથી બૂમ સાંભળે છે ત્યારે તે ખૂબ ડઘાઈ જાય છે અને તેને વળગી પડે છે.

અમૃત તરીકે ઓળખાતા અમૃતપાલસિંઘનો જન્મ મલેશિયામાં થયો હતો પરંતુ, નાનપણમાં તેમનો પરિવાર લંડન આવીને વસ્યા પછી તે બ્રિટિશ સિટીઝન બન્યા હતા. બંધનાએ જણાવ્યું હતું કે તે ૧૮ વર્ષના હતાં ત્યારે તેઓ સિંગાપૂરમાં મળ્યા હતા. તાજેતરમાં જ તેમણે લગ્નની નવમી વર્ષગાંઠ ઉજવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter