લંડનઃ ભારતીય વારસાના કારણે શ્વેત બાળકને દત્તક નહિ લઈ શકાય તેમ જણાવાયા પછી બ્રિટનમાં જન્મેલા શીખ દંપતી સંદીપ અને રીના માન્ડેરે બર્કશાયર કાઉન્સિલ સામે ભેદભાવનો સીમાચિહ્ન મુકદ્દમો દાખલ કર્યો છે. માન્ડેર દંપતીએ ૨૦૧૫માં બાળકને દત્તક લેવાની અરજી કરી હતી. દંપતીએ કાઉન્સિલ સત્તાવાળાઓને તેમના પેરન્ટ્સનો જન્મ ભારતમાં થયો હોવાનું જણાવ્યું હતું. સત્તાવાળાએ જણાવ્યું છે કે તેમની પાસે આ દંપતી માટે ભારતીય બાળક નથી.
માન્ડેર દંપતીએ ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનના સમર્થન સાથે તેમની સાથે ખરાબ વ્યવહાર બદલ ઓક્સફર્ડ કાઉન્ટી કોર્ટમાં રોયલ બરો ઓફ વિન્ડસર એન્ડ મેઈડનહીડ કાઉન્સિલ અને એડોપ્શન સર્વિસ ‘એડોપ્ટ બર્કશાયર’ વિરુદ્ધ કાનૂની દાવો માંડ્યો છે. દંપતીએ કોર્ટને જણાવ્યું છે કે આ વંશીય આધારે કરાયેલા ભેદભાવનો સીધો કિસ્સો છે. તેમના માતાપિતા ભારતમાં જન્મ્યાં હોવાથી માન્ય એડોપ્ટર્સ રજિસ્ટરમાં સામેલ નહિ કરવાનો એજન્સીના નિર્ણય સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે. આ ટ્રાયલ ચાલી રહી છે.
સંદીપ અને રીના પોતાના બાળકને જન્મ આપી શકે તેમ નથી અને તેઓ કોઈ પણ જાતિના બાળકને દત્તક લેવાં તૈયાર છે. સ્થાનિક એડોપ્શન એજન્સી દ્વારા ૨૦૧૫માં આયોજિત સેમિનારમાં તેમણે ભાગ લીધો હતો. વંશીય કે જાતીયતાને ધ્યાનમાં લીધાં વિના દત્તક લેનારા સંભવિત પેરન્ટ તરીકે તેમને પ્રોત્સાહન આપી અરજી કરવા કહેવાયું હતું. આ પછી તેમના વંશીય મૂળની ઓળખ મગાતા માન્ડેર દંપતીએ તેમનો જન્મ બ્રિટનમાં થયાની તેમજ તેમના માતાપિતાનો જન્મ ભારતમાં થયો હોવાની માહિતી આપી હતી.
બ્રિટિશ દંપતીને એડોપ્શન સર્વિસે જણાવ્યું હતું કે બર્કશાયર અને આસપાસના વિસ્તારોમાં માત્ર શ્વેત બાળકો જ દત્તક લેવા માટે પ્રાપ્ય હતા પરંતુ, તેમના ભારતીય વારસાના કારણે તેઓ શ્વેત બાળકને દત્તક લઈ શકે નહિ. એજન્સીએ દત્તક લેવા માટે માન્ય લોકોના રજિસ્ટરમાં સામેલ થવાની તેમની અરજી ફગાવી દેવાશે તેમ જણાવી સલાહ આપી હતી કે તેમણે ભારતમાંથી બાળકને દત્તક લેવાં નસીબ અજમાવવું જોઈએ.


