બ્રિટિશ ભારતીય ભાનુ કપિલને ટી.એસ. ઈલિયટ પોએટ્રી પ્રાઈઝ

Wednesday 27th January 2021 01:02 EST
 
 

લંડનઃ બ્રિટિશ ભારતીય કવયિત્રી ભાનુ કપિલને તેમના કાવ્યસંગ્રહ ‘હાઉ ટુ વોશ એ હાર્ટ’ માટે બ્રિટનના સૌથીપ્રતિષ્ઠિત ટી.એસ. ઈલિયટ પોએટ્રી પ્રાઈઝના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. આ કાવ્યસંગ્રહમાં તેમણે ઈમિગ્રન્ટ મહેમાન અને તેના ઉદારતાવાદી મધ્યમવર્ગીય વ્હાઈટ હોસ્ટ વચ્ચેના સંબંધોની વાત કરી છે. ભાનુ કપિલે ૨૫,૦૦૦ પાઉન્ડનું પ્રાઈઝ જીતવામાં જે.ઓ. મોર્ગન અને નટાલી ડીઆઝ જેવાં કવિઓને પાછળ રાખી દીધાં છે. અગાઉ, ટેડ હ્યુજિસ, કેરોલ એન ડફી અને સીમસ હીને જેવા કવિઓ આ પ્રાઈઝના વિજેતા રહ્યાં છે.

પ્રાઈઝના નિર્ણાયકગણમાં અધ્યક્ષા કવયિત્રી લેવિનિઆ ગ્રીનલો, કવયિત્રી મોના આર્શી અને કવિ એન્ડ્રયુ મેકમિલનનો સમાવેશ થયો હતો. લેવિનિઆ ગ્રીનલોએ ‘હાઉ ટુ વોશ એ હાર્ટ’ને દિલધડક કહી જણાવ્યું હતું કે તેમાં અસામાન્ય અને બેચેન બનાવતી ગતિશીલતા છે પરંતુ, વાસ્તવમાં તે સ્ફૂર્તિદાયક અને પરીક્ષા લેનારું વાંચન છે. આપણે જાણતા હોઈએ કે આ કેરેક્ટર્સ પ્રતીકાત્મક છે છતાં, કોઈ ઉદારતાનું કાર્ય કરવામાં અને તે મેળવનારની શી લાગણી હોય તેના વિશે અતિ મુશ્કેલ અને સાર્વત્રિક તનાવો વિશેની વાત કહે છે.

ભાનુ કપિલનું કહેવું છે કે, ‘મને ‘હાઉ ટુ વોશ એ હાર્ટ’ની પ્રેરણા અખબારની એક તસવીરમાંથી મળી હતી જેમાં કેલિફોર્નિયાના એક દંપતી ‘જોખમી વિઝા સ્ટેટસ’ ધરાવતા મહેમાન માટે પોતાના ઘરનું બારણું ખોલે છે. આ યજમાન દંપતીના મુખ પરના તંગ- ખેંચાયેલા સ્નાયુઓએ મારું ધ્યાન ખેંચ્યું હતું. તદેમવના ચહેરા પર સ્મિતની સાથે જ તંગ સ્નાયુની હાજરી વિચિત્ર હતી.’

કપિલનો જન્મ ઈંગ્લેન્ડમાં ભારતીય માતાપિતાને ત્યાં થયો હતો. લંડનમાં ઉછેર થયો અને અત્યારે યુકે અને યુએસ એમ બંને સ્થળે રહે છે. તેમણે લોકડાઉનના ગાળામાં લખવા, શિક્ષણ આપવા તેમજ વૃદ્ધ માતાની સારસંભાળમાં વીતાવ્યો હતો. કપિલને કદી કાવ્ય માટે પ્રાઈઝ મળ્યું નથી. ગયા વર્ષે વિન્ધામ કેમ્પબેલ પ્રાઈઝના આઠ વિજેતામાં તેમનો સમાવેશ થયો હતો જેમાં લેખકોને મુક્તપણે લખવા ૧૬૫,૦૦૦ ડોલર (૧૪૧,૦૦૦ પાઉન્ડ)નું ઈનામ અપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter