બ્રિટિશ રાજકારણમાં વર્ણભેદી પૂર્વગ્રહ વિરુદ્ધ સંઘર્ષ

રુપાંજના દત્તા Wednesday 22nd May 2019 02:06 EDT
 
Nusrat Ghani, Seema Malhotra, Tulip Siddiq, Bilal Mahmood
 

લંડનઃ રોજબરોજના બ્રિટિશ જીવનમાં અને ખાસ કરીને તો જૂન ૨૦૧૬ના ઈયુ રેફરન્ડમ પછી એશિયનો, અશ્વેતો અને વંશીય લઘુમતીઓ પ્રત્યે વર્ણભેદી પૂર્વગ્રહ વધી રહ્યો છે, જે પ્રવર્તમાન અસમાનતાઓની સતત યાદ અપાવે છે. ગત વર્ષે ગાર્ડિયન દ્વારા વંશીય લઘુમતીઓના ૧૦૦૦ લોકોના કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે શ્વેત સમકક્ષો કરતાં તેમણે દરરોજ રેસિઝમ સહિતના નકારાત્મક અનુભવોનો સામનો કરવો પડે તેની શક્યતા વધુ રહે છે. રાજકીય પક્ષો પણ પૂર્વગ્રહો અને રેસિઝમના વિવાદોમાં સપડાયેલાં જણાય છે. લોકો રાજકીય ચિત્રમાં લાબાં સમયથી રાહ જોવાતા તફાવત માટે ‘ચેન્જ યુકે’ તરફ નજર રાખી રહ્યા છે, જ્યારે અન્યો નાઈજેલ ફરાજની જૂની UKIP પાર્ટીની સામે નવી બ્રેક્ઝિટ પાર્ટી પર નજર રાખી રહ્યા છે. આ માત્ર પક્ષમાં કે તમામ પક્ષોના પૂર્વગ્રહોની વાત નથી. એશિયન સાંસદો અને સ્થાનિક રાજકારણીઓ પણ ‘નિંદાત્મક અને અસહિષ્ણુ’ લોકો દ્વારા સતત તેનો સામનો કરી રહ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટમાં અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ અને આસિસ્ટન્ટ ગવર્મેન્ટ વ્હીપ તેમજ તાજેતરમાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના નવા પેટ્રન બનાવાયેલા નુસરત ઘનીને પણ પ્રજાના વૃદ્ધ સભ્ય દ્વારા એનોક પોવેલની ‘રિવર્સ ઓફ બ્લડ’ સ્પીચ મોકલાઈ હતી, જે સ્પષ્ટપણે ઈમિગ્રન્ટવિરોધી લાગણીઓનું પ્રદર્શન હતું. જાહેર પ્રવચનો અપમાનજનક અને વિભાજક બની રહ્યા છે ત્યારે નુસરત માને છે કે આ ગમે ત્યાંથી, ગમે તેના દ્વારા થતું હોય પણ તેની સામે લડવાની જવાબદારી આપણા સહુની છે. નુસરત ઘનીએ ‘ગુજરાત સમાચાર’ અને ’એશિયન વોઈસ’ને વિશેષ મુલાકાતમાં કહ્યું હતું કે, ‘લોકશાહીનો વિકાસ ચર્ચા પર થાય છે પરંતુ, તાજેતરના સમયમાં આપણા રાજકારણમાં પ્રવેશેલાં નિંદા અને ધાકધમકીનું જાહેર અથવા રાજકીય જીવનમાં કોઈ સ્થાન નથી.’

ઈસ્લામોફોબિયાના વિવાદોમાં સપડાયેલી કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રતિનિધિ નુસરતને સંસ્થાગત રેસિઝમનો સામનો કરવો પડ્યો નથી છતાં, ‘સ્ત્રીદ્વેષ’ મોટો પડકાર રહ્યો છે. તેમણે કહ્યું હતું કે,‘મારી જાતિ, વર્ણ કે ધર્મ કદી મોટાં મુદ્દા ન હતા પરંતુ, રાજકારણીઓ સાથે વાર્તાલાપ મર્યાદિત હોય અને નકારાત્મક મનાતો હોય તેવા બેકગ્રાઉન્ડ અને વર્કિંગ ક્લાસમાંથી આવવાનો મુદ્દો છે. મોટા ભાગના લોકોની માફક હું તદ્દન અજાણી કારકીર્દિમાં પ્રવેશી હતી અને મારે ખુદ માર્ગ કંડારવાનો હતો.’

આ દેશમાં ભારતીય, પાકિસ્તાની અને બાંગલાદેશી સહિત ૩.૧૭ મિલિયનથી વધુ એશિયનો રહે છે પરંતુ, આપણું પ્રતિનિધિત્વ કરતા માત્ર ૨૬ એશિયન સાંસદ છે. વ્યાવસાયિક પસંદગી વિશે રુઢિચુસ્ત વલણ ધરાવતી એશિયન કોમ્યુનિટીના પેરન્ટ્સ તેમના બાળકો માટે વધુ નાણાકીય વળતર અને સામાજિક સ્થિરતા સાથે વ્હાઈટ કોલર કારકીર્દિ પસંદ કરે છે અને રાજકારણ ક્ષેત્ર માટે તેમનો વિરોધ હોય છે. જોકે, હવે એશિયનો આ બીબાંઢાળ વલણથી દૂર જઈ રાજકીય ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે. યુકેમાં ૬૬ મિલિયનની વસ્તીનું પ્રતિનિધિત્વ કરવા માત્ર ૬૫૦ સાંસદો છે.’ નુસરત ઘનીએ મહિલાઓ અને લઘુમતી કોમ્યુનિટીએ રાજકારણમાં પ્રવેશવું જોઈએ તેવી હાકલ પણ કરી હતી.

નુસરત કરતાં પણ લાંબા સમયથી રાજકારણના ક્ષેત્રમાં રહેલાં ફેલ્ધામ અને હેસ્ટનના લેબર સાંસદ સીમા મલ્હોત્રાએ તાજેતરમાં પાર્લામેન્ટમાં શીખ ઈતિહાસ અને જાગૃતિ મહિનાની ઉજવણી કરી હતી. સીમા મલ્હોત્રાએ ‘ગુજરાત સમાચાર’ અને ’એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘યુકેના રાજકારણમાં BAME પ્રતિનિધિત્વ વધારવા પુરતું કાર્ય થતું નથી. આપણી વસ્તીના હિસાબે રાજકારણમાં એશિયન લોકોનું પ્રતિનિધિત્વ વધારવાની આવશ્યકતા મને લાગે છે. પરંપરાગત પૂર્વગ્રહો અને અવરોધો તો આવશે. લેબર પાર્ટીની જીતી શકાય તેવી બેઠકો પર BAME પ્રતિનિધિત્વ વધારવાની યોજના છે પરંતુ, હજુ વધુ કરવાની જરુર છે.’

વંશીય લઘુમતીના ઉમેદવારો સમક્ષ ‘સલામત અને જીતાય તેવી’ બેઠકો મર્યાદિત હોય છે. વંશીય લઘુમતી મતદારો વધુ હોય તેવા વિસ્તારોમાં જ આ ઉમેદવારો મૂકાય છે. કિલ્બર્ન અને હેમ્પસ્ટડના લેબર સાંસદ તુલિપ સિદ્દિકે ૨૦૧૮માં ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું કે તેમના પોતાના પક્ષના માળખામાં જ વરિષ્ઠ નેતાઓમાં પૂર્વગ્રહો પેદા થાય છે. સિદ્દિક જે વિસ્તારમાં જન્મ્યાં અને ઉછર્યાં તે વિસ્તારમાં તેમને ઉમેદવારી કરવા દેવાઈ નહિ કારણકે તે વિસ્તાર ‘ઓછો વંશીય’ હતો.

૨૦૧૫ અને ૨૦૧૭માં ચિંગફર્ડ અને વૂડફર્ડ ગ્રીનના લેબર ઉમેદવાર બિલાલ મહમૂદે ઈઆન ડન્કન સ્મિથની સરસાઈ ૨૩,૦૦૦થી ઘટાડી ૨૪૦૦ સુધી લાવી દીધી હતી. આમ છતાં. લેબર પાર્ટીએ આ બેઠક માટે ઓલ વિમેન શોર્ટલિસ્ટ નિયમ લાગુ કર્યો હોવાથી તેમને ઉમેદવારી કરવા દેવાઈ ન હતી.

વિવાદિત અને નાહિંમત કરતા પરિબળો હોવાં છતાં રાજકારણમાં રહેલા એશિયનો તેમના મૂલ્યને પુરવાર કરવા સખ્ત મહેનત કરવા પ્રેરાયેલા છે. વીલડેનના સાંસદ નુસરત ઘની માને છે કે ‘પૂર્વગ્રહો અપાર હોવાં છતાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને લંડનના મેયર સાદિક ખાનની સફળતાના પગલે બ્રિટનમાં એક વખત વંશીય લઘુમતી વડા પ્રધાન જરુર બનશે. મારા વંશમાં વડા પ્રધાન તો ઠીક, કોઈ સાંસદ પણ બનશે તેમ મેં કદી વિચાર્યું ન હતું. પરંતુ, નેલ્સન મંડેલાએ કહ્યું હતું તેમ જ્યાં સુધી કશું કરવામાં ન આવે ત્યાં સુધી દરેક બાબત અશક્ય જ જણાય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter