લંડનઃ યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭ના ભાગરુપે ૨૦ અને ૨૧ મેએ બ્રિટિશ લાઈબ્રેરી ખાતે ઝી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં સાઉથ એશિયાના અનોખા બહુભાષીય સાહિત્યિક વારસાને પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુકે અને ભારત વચ્ચે ૭૦ વર્ષના સંબંધોની ઉજવણીરુપે યુકેના ઓડિયન્સને ‘વિશ્વના સાહિત્ય નકશામાં સૌથી મહાન સાહિત્યિક શો તરીકે ઓળખાતા કાર્યક્રમને માણવાની તક મળશે.
‘ધ આઈડિયા ઓફ ઈન્ડિયા’ થીમ ધરાવતા આ કાર્યક્રમમાં વિશ્વના ૭૦થી વધુ અગ્રણી લેખકો અને ચિંતકો પોતાના વિચારો રજૂ કરશે. બ્રિટિશ લાઈબ્રેરી સાથે સૌપ્રથમ વખત નોંધપાત્ર સાંસ્કૃતિક સહકારના આ કાર્યક્રમમાં ભારત અને યુકે સાથે તેના સંબંધોના વ્યાપક સંબંધોના સંદર્ભમાં સાઉથ એશિયાના સાહિત્યિક વારસા, પરફોર્મિંગ આર્ટ્સ, સંગીત, નૃત્ય, સિનેમા અને ઈલ્યુઝન, પુસ્તકો અને વિચારો, સંવાદ અને ચર્ચા, બોલીવૂડ અને રાજકારણના વિષયોને આવરી લેવાશે.
ભારતના પિન્ક સિટી તરીકે પ્રખ્યાત જયપૂર શહેરમાં મૂળ ધરાવતા આ ફેસ્ટિવલનો ચોથો વાર્ષિક કાર્યક્રમ લંડનમાં યોજાઈ રહ્યો છે.