બ્રિટિશ વર્કરને સાપ્તાહિક સહાય અપાશે

Wednesday 25th March 2020 01:01 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં આગળ વધતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જાહેર કર્યું છે કે દરેક બ્રિટિશ વર્કરને સાપ્તાહિક સહાય તરીકે સરકાર દ્વારા યુનિવર્સલ બેઝિક સેલરી અપાઈ શકે છે. તેમણે ખાનગી ભાડૂતોને મકાનમાલિકો દ્વારા ઘર ખાલી કરવાતા અટકાવાશે તેમ પણ કહ્યું છે. બીજી તરફ, ટ્રેઝરી દ્વારા વર્તમાન યુનિવર્સલ ક્રેડિટ સિસ્ટમમાં સુધારા સહિત અન્ય વિકલ્પોની શક્યતાઓ તપાસાઈ રહી છે. યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પણ પ્રત્યેક પુખ્ત અમેરિકી નાગરિકને માસિક ૧૦૦૦ ડોલરની સહાય આપવા વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે ચાન્સેલર રિશિ સુનાકે ૧૭ માર્ચ મંગળવારે કોરોના વાઈરસની આર્થિક અસરોને હળવી બનાવવા માટે ૩૫૦ બિલિયન પાઉન્ડનું ફાઈનાન્સિયલ પેકેજ જાહેર કર્યું હતું.

અગાઉ, વડા પ્રધાન જ્હોન્સને જાહેર કર્યું હતું કે દરેક બ્રિટિશ નાગરિક, વર્કર્સને સરકાર દ્વારા યુનિવર્સલ બેઝિક સેલરી (UBI) ચુકવાઈ શકે છે. બ્રિટિશ વર્કરને UBIના સ્વરુપે સાપ્તાહિક રોકડ રકમ ચૂકવવા વિચારણા ચાલે છે. કોવિડ-૧૯ની આર્થિક અસર સામે બ્રિટિશ વર્કર્સને રક્ષણ આપવાના પ્રયાસમાં યુકે સરકાર દ્વારા વિચારાતા પગલામાં કામચલાઉ રીતે UBIનો સમાવેશ થાય છે. જોકે, નાણા વિભાગ દ્વારા વર્તમાન યુનિવર્સલ ક્રેડિટ સિસ્ટમમાં ફેરફાર સહિત અન્ય વિકલ્પો પણ તપાસ હેઠળ છે.

ચાન્સેલર સુનાકે કોરોના વાઈરસના કારણે નુકસાન વેઠનારા બિઝનેસીસ પર દબાણ હળવું બનાવવા ૧૭ માર્ચે ૩૫૦ બિલિયન પાઉન્ડનું ફાઈનાન્સિયલ પેકેજ જાહેર કર્યું હતું.

સરકારના અભૂતપૂર્વ બેલઆઉટ પેકેજમાં સંઘર્ષરત પેઢીઓને ૩૩૦ બિલિયન પાઉન્ડની લોન્સની ગેરન્ટી તેમજ ૨૦ બિલિયન પાઉન્ડના બિઝનેસ રેટ્સ હોલીડે અને નાની કંપનીઓને રોકડ ચૂકવણીનો સમાવેશ થાય છે. બેન્કોએ પણ મહામારીના કારણે નાણાકીય મુશ્કેલીઓ સર્જાઈ હોય તેમને ત્રણ મહિનાની મોર્ગેજ હોલીડે ઓફર કરવા સંમતિ દર્શાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter