બ્રિટિશ શીખ એસોસિયેશને વૈશાખીનો તહેવાર ઉજવ્યો

- Monday 03rd April 2017 10:43 EDT
 
(ડાબેથી) ડો. સુખબીર કપૂર, અમરજિતસિંહ દાસાં, હાઈ કમિશનર વાય.કે. સિંહા, ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોન, ડો. રેમી રેન્જર CBE,પ્રેસિડેન્ટ અને મનજિતસિંહ ચધોક. સેક્રેટરી ફેલોન અને હાઈ કમિશનર સિંહાને શિલ્પકાર માર્ક બીબી દ્વારા હાથે તૈયાર કરાયેલી WW1 Sikh Memorial Fund Bust એનાયત કરવામાં આવી હતી.
 

લંડનઃ બ્રિટિશ શીખ એસોસિયેશને વૈશાખીનો તહેવાર ઉજવવા ૨૩ માર્ચે લેંકેસ્ટર હોટલ ખાતે વાર્ષિક ડિનરનું આયોજન કર્યું હતું. ૬૫૦થી વધુ આમંત્રિત મહેમાનોની હાજરી સાથેના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડિફેન્સ સેક્રેટરી સર માઈકલ ફેલોન તેમજ અતિથિવિશેષ તરીકે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિંહા ઉપસ્થિત રહ્યા હતા. ૧૦મા શીખ ગુરુ ગોવિંદ સિંહની આજ્ઞાથી ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી તે નિમિત્તે વૈશાખી પર્વ ઉજવાય છે. અહીં કોમ્બેટ સ્ટ્રેસ ચેરિટી માટે દાન પણ એકત્ર કરવામાં આવ્યું હતું.

બેન્ડ ઓફ બ્રિગેડ દ્વારા ભારત અને યુકેના રાષ્ટ્રગીત વગાડવા સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. ૨૨ માર્ચે વેસ્ટમિન્સ્ટર આતંકી હુમલામાં મોતને ભેટેલા પોલીસ હીરો કિથ પાલ્મર તેમજ અન્ય મૃતકોની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પછી, બ્રિટિશ આર્મી અને બે વિશ્વયુદ્ધોમાં શીખ પ્રજાની ભાગીદારી વિશે વીડિયોની રજૂઆત પણ કરાઈ હતી. બ્રિટિશ શીખ એસોસિયેશનના સેક્રેટરી જનરલ અને વર્લ્ડ શીખ યુનિવર્સિટી, લંડનના વાઈસ ચાન્સેલર ડો. સુખબીર કપૂર OBEએ સ્વાગત પ્રવચનમાં શીખોના શૌર્યને બિરદાવી ૧૬૯૯માં ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી તેની વાત કહી હતી.

બ્રિટિશ શીખ એસોસિયેશનના ચેરમેન ડો. રેમી રેન્જર CBEએ બે વિશ્વયુદ્ધોમાં શીખ પ્રજાના ફાળા અંગે આપણી શાળાઓનાં અભ્યાસક્રમમાં શીખવાય તેની જરૂર હોવાનું જણાવ્યું હતું. બે વિશ્વયુદ્ધોમાં શીખ ૮૪,૦૦૦થી વધુ શીખ સૈનિકો માર્યા ગયા હતા અને ૧૦૯,૦૦૦થી વધુ સૈનિક ઈજાગ્રસ્ત થયાની જાણકારી કોઈને ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ડો. રેન્જરે બ્રિટિશ આર્મીમાં શીખ રેજિમેન્ટમાં ભરતી માટે ૧૦ લાખ પાઉન્ડની બાહેંધરી જાહેર કરતા તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયા હતા.

હાઈ કમિશનર વાય.કે સિંહાએ તેમના પિતાએ ગુરખા રેજિમેન્ટમાં સેવા આપી હતી અને પાછળથી રેજિમેન્ટના પ્રેસિડેન્ટ બન્યા હોવાની યાદ કરી હતી. તેમણે ગુરુ ગોવિંદસિંહના જન્મસ્થાન પટણામાં તેમનો પણ જન્મ થવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ભારતીય આર્મીમાં શીખ સૈનિકોની વીરતા અને બલિદાનોને પણ તેમણે યાદ કર્યા હતા.

કાર્યક્રમમાં ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ન્યૂઝવીક્લીઝના પ્રકાશક/તંત્રી સીબી. પટેલ, સાંસદ વિરેન્દ્ર શર્માં, સાંસદ રિચાર્ડ હેરિંગ્ટન, ઉદ્યોગપતિ ગોપીચંદ હિન્દુજા, જોગીન્દર સંગર, પંજાબ સોસાયટી ઓફ ધ બ્રિટિશ આઈલ્સના પેટ્રન જી.એસ. ભલ્લા, લોર્ડ અને લેડી શેખ ઓફ કોર્નહિલ, અલ માયા ગ્રૂપના ડિરેક્ટર કમલ વછાની સહિતના મહાનુભાવો અને ઉચ્ચ આર્મી અધિકારીઓ ઉપસ્થિત હતા.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter