લંડનઃ સારવાર માટે રાહ જોવાના સમયનો વધારો અને સ્ટાફની અછતના પરિણામે NHSની કામગીરી કથળી ગઈ છે અને બ્રિટિશ આરોગ્ય સંસ્થા પ્રત્યે પ્રજાના સંતોષનું લેવલ ૫૩ ટકાએ પહોંચ્યું છે, જે એક દાયકાથી વધુ સમયગાળામાં સૌથી નીચું છે. ધ બ્રિટિશ સોશિયલ એટિટ્યૂડ્સના વર્ષ ૨૦૧૮ માટેના સર્વેમાં એમ જણાયું છે કે અડધાથી થોડી વધુ એટલે કે ૫૩ ટકા બ્રિટિશ પ્રજા જ ગયા વર્ષે NHSની કામગીરીથી સંતુષ્ઠ છે, જે ગત ૧૨ મહિનામાં ત્રણ ટકાનો ઘટાડો દર્શાવે છે.
ધ બ્રિટિશ સોશિયલ એટિટ્યૂડ્સના સર્વેમાં સમગ્ર યુકેમાં ઈંગ્લેન્ડ વેલ્સ અને સ્કોટલેન્ડના કુલ લગભગ ૩,૦૦૦ વ્યક્તિનો મત જાણવામાં આવ્યો હતો. રિપોર્ટનું સંપાદન કિંગ્સ ફંડ અને ન્યુફિલ્ડ ટ્રસ્ટ થિન્ક ટેન્ક્સ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટા ભાગના લોકો સારવાર શરૂ કરાયા પછીના ધોરણથી સંતુષ્ઠ હતા. સંભાળની ગુણવત્તાથી ૭૧ ટકા ખુશ હતા જ્યારે, ૭૦ ટકા આઉટ પેશન્ટ સર્વિસ અને ૬૩ ટકાને ઈનપેશન્ટ સર્વિસથી સંતોષ હતો. પરંતુ જીપી સુધી પહોંચવા કે હોસ્પિટલમાં એપોઈન્ટમેન્ટ મળવાની બાબતોને તેમણે સૌથી ચિંતાજનક ગણાવી હતી. પોતાના જીપીની એપોઈન્ટમેન્ટ કે કન્સલ્ટેશનમાં ઉતાવળનો મુદ્દો ચિંતાની બાબતમાં સૌથી ઊંચે (૫૩ ટકા) અને ૩૫ વર્ષમાં સૌથી ખરાબ હતો. આ પછી, ઓછો વર્કફોર્સ (૫૨ ટકા), ભંડોળની તંગી (૪૯ ટકા) અને નાણાનો બગાડ (૩૩ ટકા) ની બાબતો આવી હતી.
સરકારે NHSને દર વર્ષે વધારાના ૨૦ બિલિયન પાઉન્ડ ફાળવવા કરેલી જાહેરાત છતાં, અડધા લોકોએ અપૂરતાં ભંડોળની ફરિયાદ કરી હતી. ભંડોળની જાહેરાત પછીના એક મહિને જુલાઈ-ઓક્ટોબરના ગાળામાં આ સર્વે કરાયો હતો. લોકોના સંતોષનું સ્તર ૨૦૦૭ પછી સૌથી ઓછું છે. વર્ષ ૨૦૧૬માં આ સ્તર ૬૩ ટકા હતું અને માત્ર બે વર્ષમાં તેમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઈંગ્લેન્ડમાં NHSના સ્ટાફની અછતની હાલત ખરાબ થતી ગઈ છે. રેગ્યુલેટર NHS Improvement દ્વારા એપ્રિલથી જૂનના આંકડા મુજબ ૧૧.૮ ટકા નર્સની ગજ્યા ભરાઈ ન હતી એટલે કે લગભગ ૪૨,૦૦૦ની અછત હતી. આમાંથી ૩૩,૦૦૦ જગ્યા એજન્સીઓ દ્વારા કામચલાઉ ભરવામાં આવી હતી, જેનાથી NHSના ખર્ચામાં ભારે વધારો થયો હતો. આરોગ્ય ક્ષેત્રની અગ્રણી થિન્ક ટેન્ક્સના રિપોર્ટમાં જો માગ વધતી રહેશે તો NHSને ૨૦૩૦ સુધીમાં વધારાના ૨૫૦,૦૦૦ના સ્ટાફની જરૂર પડવાનો અંદાજ દર્શાવાયો છે. જો વિદેશથી કુશળ વર્કર્સને આકર્ષી ન શકાય તો આ અછત વધીને ૨૫૦,૦૦૦ના આંકડે પહોંચી શકે છે


