લંડનઃ વિશ્વમાં કોરોના વાઈરસ મહામારીના કારણે અન્ય ૧૦ દેશોના નાગરિકો કરતાં બ્રિટિશરો સૌથી વધુ ચિંતામાં છે. કોરોના વાઈરસની સૌથી ખરાબ અસર અગાઉ જોવા મળી હતી તે સ્પેન અને ઈટાલીમાં પણ બ્રિટન જેટલી ચિંતા જોવા મળી નથી. ચિંતાતુરતાના ઈન્ડેક્સમાં મેક્સિકો અને સાઉથ કોરિયા સૌથી નીચે છે, જે અલગ અલગ દેશોના નાગરિકોમાં અલગ માનસિક પરિબળો સૂચવે છે.
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોએ માર્ચ અને એપ્રિલના મધ્યમાં કોરોના વાઈરસ બાબતે ૧૦ દેશના આશરે ૭,૦૦૦ લોકોના વિચારો અને ભયનો સર્વે કર્યો હતો. યુરોપમાં કોરોના મહામારીની સૌથી ખરાબ અસર સૌપહેલા સ્પેન અને ઈટાલીએ અનુભવી હતી. આમ છતાં, તે દેશોના નાગરિકોની સરખામણીએ બ્રિટિશરોમાં ચિંતાનું પ્રમાણ વધુ જણાયું હતું.
કોરોના વાઈરસની ચિંતાના મામલે યાદીમાં બ્રિટન પ્રથમ રહ્યું હતું જ્યારે, સ્પેન બીજા અને યુએસએ ત્રીજા ક્રમે રહ્યું છે. જર્મની ચોથા ક્રમે તેમજ સત્તાવાર લોકડાઉન લદાયું નથી તે સ્વીડન પાંચમા ક્રમે છે. આ પછી, ઓસ્ટ્રેલિયા અને જાપાન આવે છે. યુરોપમાં કોરોના મહામારીનું સૌપ્રથમ એપિસેન્ટર બનેલું ઈટાલી આશ્ચર્યજનક રીતે આઠમા ક્રમે છે. બીજી તરફ, મેક્સિકો અને સાઉથ કોરિયા સૌથી ઓછી ચિંતા સાથે છેલ્લા સંયુક્ત ક્રમે છે.
સાઉથ કોરિયામાં સફળ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પોલિસીના પગલે લોકોમાં ચિંતાનું પ્રમાણ ઓછું રહ્યું હોવાનું મનાય છે. જોકે, મોટા ભાગના દેશોના નાગરિકોમાં ચિંતાના પ્રમાણમાં ખાસ અંતર નથી. કોરોના વાઈરસની ઔષધ સારવાર ન હોવાથી મહામારી પર બ્રેક મારવા લોકોની આદતો બદલાય તેના પર ભાર મૂકાયો હતો જે, સામાજિક અંતર જાળવવા તેમજ વારંવાર સાબુથી હાથ ધોવાં અને ફેસમાસ્ક પહેરવાના પગલાંથી જોવા મળ્યું છે.
જર્નલ ઓફ રિસ્ક રિસર્ચમાં પ્રસિદ્ધ આ અભ્યાસના તારણો અનુસાર સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં વાઈરસ બાબતે ઓછી ચિંતા હતી. જોકે, વાસ્તવિકતા એ રહી છે કે કોવિડ-૧૯ સ્ત્રીઓ કરતાં વયસ્ક પુરુષો માટે વધુ ઘાતક બની રહ્યો છે. કેટલાક દેશોમાં મિત્રો કે પરિવાર પાસેથી વાઈરસ અંગે માહિતી મેળવાઈ હતી ત્યાં જોખમની ચિંતાનું પ્રમાણ વધુ હતું. સરકારો અંગત જીવનની આઝાદીમાં વધુ દખલ કરે છે તેવા મતથી યુએસ અને જર્મનીમાં લોકડાઉનવિરોધી દેખાવો પણ જોવા મળ્યા હતા. બીજી તરફ, જાતના જોખમે પણ સમાજના લાભ માટે આપણે કશું કરવું જોઈએ તેવું વૈશ્વિક વલણ પણ જોવાં મળ્યું હતું. આ વલણના ભાગરુપે યુકેના નાગરિકોએ કોરોના વોરિયર્સને બિરદાવવા તાળીઓ પાડી હતી. ઈસ્ટ એશિયન દેશોમાં પણ આવા સામાજિક વલણનું મહત્ત્વ જોવાયું હતું.
૧૦ દેશોમાં કોરોના વાઈરસથી જોખમની ચિંતા
(કુલ ૭માંથી અપાયેલા પોઈન્ટ)
(૧) યુકે- ૫.૪૫
(૨) સ્પેન ૫.૧૯
(૩) યુ.એસ. ૪.૯૫
(૪) જર્મની ૪.૯૩
(૫) સ્વીડન ૪.૯૧
(૬) ઓસ્ટ્રેલિયા ૪.૮૫
(૭) જાપાન ૪.૮૩
(૮) ઈટાલી ૪.૮૧
(૯) સાઉથ કોરિયા ૪.૭૮
(૯) મેક્સિકો ૪.૭૮