લંડનઃ આમ તો મોટા ભાગના લોકો ઉંમરને માત્ર આંકડો કે સંખ્યા જ માને છે છતાં એક પોલમાં બ્રિટિશરો પોતાને ક્યારે વૃદ્ધ થયાનું અનુભવે છે તે આંકડો ૬૧ વર્ષનો આવ્યો છે. બોવેલ કેન્સર અવેરનેસ મન્થ (એપ્રિલ) માટે હેલ્થ ટેસ્ટિંગ ફર્મ LetsGetChecked દ્વારા ૨,૦૦૦ બ્રિટિશરોનો મત જાણવામાં આવ્યો હતો. મતદાનમાં લોકોએ પોતાના આરોગ્ય અને નાણાકીય સલામતીની ચિંતા મુખ્ય ગણાવી હતી.
આ પોલનું મુખ્ય તારણ એ રહ્યું કે ૬૧ વર્ષે હવે બહું થયુંના વિચાર આવી જાય છે. આપણામાંથી ૭૫ ટકા લોકો ઉંમર વધી જવા વિશે અને ૫૦ ટકા લોકો તેનાથી તણાવ થતો હોવાની ચિંતા દર્શાવે છે. જોકે, આ ચિંતા વાળ ધોળાં થવાં, કરચલીઓ પડવી કે ટાલ પડી જવા વિશે હોતી નથી. પોતાની સંભાળ ન લઈ શકવી, સ્વતંત્રતા અને નાણાકીય સલામતી ગુમાવવાની પણ ચિંતા છે. વયના વર્ષ વધતાં જાય તેમ વજન વધે અને આપણો દેખાવ ઓછો આકર્ષક રહે તેની ચિંતા તો થાય છે પરંતુ, સૌથી વધુ ચિંતા આરોગ્ય અને નાણા સંદર્ભે રહે છે.
આમ છતાં, માત્ર ૩૯ ટકા લોકોએ વૃદ્ધાવસ્થા માટે તૈયારી કરી હતી અને તેમાંથી અડધાએ જણાવ્યું હતું કે તેમણે નિવૃત્તિ માટે કોઈ બચત કરી નથી. આવી તૈયારી કરનારામાં સરેરાશ મતદારનું કહેવું હતું કે તેઓ માસિક આવકના ૧૩ ટકા બચતમાં મૂકે છે.
પાંચમાંથી એક વ્યક્તિએ તેઓ વૃદ્ધ થવાની લાગણી અનુભવતા ન હોવાનું જણાવ્યું અને ૪૪ ટકા લોકો તેમણે આરોગ્યની તપાસ ક્યારથી શરુ કરાવવી જોઈએ તે વિશે જાણતા હતા. સરેરાશ લોકો માનતા હતા કે બ્રેસ્ટ કેન્સર માટે પરીક્ષણ ૩૪ વર્ષથી શરુ કરાવું જોઈએ, જે NHS દ્વારા મહિલાઓ માટે નિશ્ચિત કરાયેલી ૫૦ વર્ષની વય કરતાં ૧૬ વર્ષ વહેલું છે. આ જ રીતે, સરેરાશ વયસ્કોનું માનવું હતું કે આંતરડાના કેન્સર માટે ૩૯ વર્ષની વયથી પરીક્ષણ શરુ કરાવું જોઈએ. આ માટે NHS દ્વારા ભલામણ કરાયેલી વય ૫૫ વર્ષ છે.