લંડનઃ બ્રિટનમાં કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે બ્રિટિશરોએ કુલ ૧૫૦ બિલિયન પાઉન્ડની બચત કરી હતી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના આંકડા મુજબ પરિવારોએ ૨૦૨૦ના વર્ષમાં તેમની બેન્ક ડિપોઝીટ્સ ૧.૪૮ ટ્રિલિયનથી વધારી ૧.૬૩ ટ્રિલિયન પાઉન્ડની કરી હતી, જે ૧૫૧.૭ બિલિયન પાઉન્ડનો વધારો દર્શાવે છે. ૧૯૯૭ પછી આ સૌથી વધુ બચત છે. આ પારિવારિક બચતો મહામારી પછીની મંદીમાં કામે લાગશે તેવી આશા સેવાય છે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ઈકોનોમિસ્ટ એન્ડી હાલ્ડેન આ બચતોને મહામારીની મંદીમાંથી બહાર આવવાનો માર્ગ ગણાવી રહ્યા છે. આ વર્ષના ઉત્તરાર્ધમાં અર્થતંત્ર કુલવાની શરુઆત થશે ત્યારે ગ્રાહકો પોતાની બચતોને વાપરવા આતુર રહેશે અને પરિણામે, નુકસાનગ્રસ્ત થીએટર્સ, રેસ્ટોરાંઝ અને બારને છલકાવી દેશે. મહામારીના ગાળામાં ખર્ચામાં કાપ મૂકનારા ઘણા પરિવારોએ વધારાની રોકડનો ઉપયોગ તેમના દેવનાંની ચૂકવણીમાં કર્યો હતો. તેમણે ૨૦૨૦ના વર્ષમાં કુલ ૧૬.૬ બિલિયન પાઉન્ડના દેવાંની ચૂકવણી કરી હતી જે પણ એક વિક્રમ છે. આમાંથી ૧૪ બિલિયન પાઉન્ડ ક્રેડિટ કાર્ડ દેવું હતું.
જોકે, લોકડાઉનમાં બચતોની તેજીનો લાભ તમામ પરિવારોને મળ્યો નથી કારણકે આંકડાઓ ઘરમાંથી કામ કરી શકતા વધુ આવક સાથેના પરિવારો અને ઓછી આવક તથા નોકરીઓ ગુમાવવી પડી હોય તેવા કર્મચારીઓ વચ્ચેનો તીવ્ર તફાવત સ્પષ્ટ કરતા નથી. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના જોસી ડેન્ટના જણાવ્યા અનુસાર જેમણે આવકનો સ્રોત ગુમાવ્યો ન હતો તેમના માટે જ બચત અને દેવાંની ચૂકવણી શક્ય હતી. સંખ્યાબંધ લોકોએ પોતાની દૈનિક ખર્ચાની જરુરિયાતો પૂરી કરવા માટે ઉધાર લેવાની ફરજ પડતી હતી.


