બ્રિટિશરોએ લેન્ડલાઈન કોલ્સ પાછળ ૧૦૩ બિલિયન મિનિટ્સ ખર્ચી નાખી!

Wednesday 09th January 2019 01:53 EST
 
 

લંડનઃ વર્તમાન યુગમાં લોકોની જિંદગી સાથે કોમ્પ્યુટર સ્ક્રીન્સ અને સ્માર્ટફોન્સ વણાઈ ગયા છે. બ્રિટિશરોએ ૨૦૧૨માં લેન્ડલાઈન્સ ટેલિફોન કોલ્સ પાછળ ૧૦૩ બિલિયન મિનિટ્સ ખર્ચી હતી પરંતુ, ૨૦૧૭માં આ સમય ઘટીને લગભગ અડધો એટલે કે ૫૪ બિલિયન મિનિટ્સ થઈ ગયો હતો. જોકે, આ જ છ વર્ષનાં સમયગાળામાં સ્માર્ટફોન્સ પર વાતચીતનો સમય ૧૩૨.૧ બિલિયન મિનિટ્સથી થોડો વધીને ૧૪૮.૬ બિલિયન મિનિટ્સ થઈ ગયો હતો. ટેલિકોમ રેગ્યુલેટર ઓફકોમના સત્તાવાર ડેટા અનુસાર મેસેજિંગ, એપ્સ અને ઈમેઈલ્સને આવરી લેતા માસિક મોબાઈલ ડેટાના સરેરાશ વપરાશમાં દસ ગણો વધારો થયો છે.

રસપ્રદ બાબત તો એ છે કે યુવાવર્ગને ફોન પર વાતચીત કરવી હવે કંટાળાજનક કે મુશ્કેલ લાગે છે અને તેના બદલે ટેક્સ મેસેજ કે ઈમેઈલને પ્રાથમિકતા આપે છે. નિષ્ણાતો કહે છે યુવાવર્ગ વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ તેમજ કંપનીઓ સાથેના વ્યવહારમાં વેબચેટ સર્વિસીસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ઓફિસના કર્મચારીઓ નજીક જ બેઠા હોય તેમ છતાં એકબીજા સાથે વાતચીત કરવાના બદલે ઈમેઈલ મોકલી આપે છે.

સંશોધનમાં એમ જણાયું હતું કે વયોવૃદ્ધ લોકો પોતાની વાત અન્યને સારી રીતે સમજાવી શકાય તે માટે પણ ટેલિફોન થકી વાતચીત કરવાનું પસંદ કરે છે. સ્માર્ટફોન્સ પર કોન્ટેક્ટ લિસ્ટ હોવાથી લોકોના ફોન નંબર્સ યાદ રાખવા પડતા નથી. આનો અર્થ એ પણ થાય છે કે લોકોને પોતાનો સ્માર્ટફોન નંબર યાદ રાખવામાં પણ મુશ્કેલી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter