બ્રિટિશરોએ ‘અલ-ફ્રેસ્કો’ ખાણીપીણીની મોજ માણી

Tuesday 14th July 2020 12:08 EDT
 
 

લંડનઃ બ્રિટિશરોએ ગત સપ્તાહના ‘સુપર સેટરડે’થી પબ્સ, કાફે અને રેસ્ટોરાં શરુ થયાં પછી ૧૧ જુલાઈ શનિવારે સાઉથ-વેસ્ટ લંડનના બેટરસી અને સેન્ટ્રલ લંડનના સોહો સહિતના વિસ્તારોમાં શોપિંગ કરવા ઉપરાંત, શેરીઓમાં બેસી ખાણીપીણીની મોજ માણી હતી. બીજી તરફ, સમુદ્રીતટો પર લોકોએ ડેક ચેર્સમાં બેસી ગરમ વાતાવરણમાં સૂર્યસ્નાનનો લાભ લીધો હતો. દરમિયાન, લોકો ફરી ઓફિસે કામ કરવા જતા થાય તે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ પરના નિયંત્રણો હળવા કરવા વિચારી રહી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને શુક્રવારે ‘જો થઈ શકે તો કામે જવા લાગો’ની હાકલ કરી હતી.

હજારો બ્રિટિશરો પરિવાર અને મિત્રો સાથે ૧૧ જુલાઈના શનિવારે પણ ફરવા નીકળી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સાથે લંડનની શેરીઓમાં ટેબલ અને ખુરશીઓ નાખીને ખાણીપીણી માટે બેસવા કરાયેલી વ્યવસ્થાનો લાભ લીધો હતો. લોકોએ બહાર જ ‘અલ-ફ્રેસ્કો’ ડિનર માણ્યું હતું. મોટા ભાગના રોડ બ્લોક કરીને પબ્સ અને કાફેઝ દ્વારા શેરીઓમાં ટેબલ્સ મૂકાયા હતા. બીજી તરફ, ૭૪ ફેરનહિટ (૨૩ C) ગરમીમાં સૂર્યસ્નાનની મોજ માણવા લોકો બોર્નમાઉથ અને બ્રાઈટનના સમુદ્રતટે પહોંચી ગયા હતા. લીડ્ઝમાં યુવાનોના જૂથોએ વહેલી સવારથી જ એકઠાં થઈને ડ્રિન્ક્સ સાથે કબાબ, પિઝા, ફિશ અને ચિપ્સની મોજ લીધી હતી. કોર્નવોલના પોલ્ઝીથ ખાતે પણ કેરેવાનમાં ઉમટી પડેલા લોકોએ કેમ્પસાઈટ્સ ગોઠવી હતી.

આમ છતાં, સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી નહિ કરવાની ઘણી ઘટનાઓ વચ્ચે ઓક્સફર્ડશાયરની એક પબ ધ રોયલ સ્ટાન્ડર્ડ દ્વારા સ્ટાફ અને કસ્ટમર્સ જોખમમાં ન મૂકાય તે માટે ૨૫ વર્ષથી ઓછી વયના યુવાનોને ડ્રિન્ક્સ પીરસવાનું બંધ કરી દેવાયું હતું. મોટા ભાગના લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો.

યુકેના વર્તમાન કોરોના લોકડાઉન નિયંત્રણો હેઠળ જનતાને ટ્રેઈન્સ, બસ કે ટ્રામ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ ટાળવા જણાવાયું છે તેમાં સરકાર સુધારો કરવા માગે છે જેથી, લોકો ઓફિસીસ અને કામે જતા થાય. ટ્રાન્સપોર્ટ વિભાગે પ્રવાસીઓ સલામત પ્રવાસ કેવી રીતે કરી શકે તેની ચર્ચા ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ સાથે આરંભી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter