લંડનઃ માનવીને પાછલી જીંદગીમાં સાથની વધુ જરુર રહે છે. યુકે સહિતના દેશોના સમાજમાં એકલતા હવે વાસ્તવિકતા બની ગઈ છે. કોઈ પણ વય અને પશ્ચાદભૂની વ્યક્તિને એકલતા સતાવી શકે છે. મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે મેળાપ વિના દિવસ, સપ્તાહ કે મહિનો પણ વીતી જાય એવા ઘણા લોકો કોમ્યુનિટીમાં જોવા મળે છે. બ્રિટિશ સરકારે આવા નાગરિકોની એકલતા દૂર કરવા ડોક્ટરો (GP) અને પોસ્ટમેન તથા ચેરિટી સંસ્થાઓની મદદ લેવા નિર્ધાર કર્યો છે. એકાકી લોકો સંબંધિત ‘Loneliness Strategy’ ઘડવામાં બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. સરકારે જાન્યુઆરીમાં જ એકાકીપણાની સમસ્યાનો સામનો કરવા માટે અલગ મંત્રાલયની રચના કરી હતી.
સરકાર એકાકી લોકોની સહાય માટે નવા કોમ્યુનિટી કાફે, આર્ટ સ્પેસીસ અથવા ગાર્ડન્સ જેવાં સ્થળો બનાવવા માટે ૧.૮ મિલિયન પાઉન્ડનું ફંડ પણ આપશે. આ ફંડ કોમ્યુનિટીઓના લાભ માટે લોકોને એકબીજા સાથે સાંકળવા ચેરિટીઝ અને કોમ્યુનિટી જૂથોના કાર્યક્રમોને જૂન મહિનામાં જાહેર કરાયેલા ૨૦ મિલિયન પાઉન્ડ ઉપરાંતનું રહેશે. સરકારે વૃદ્ધોને એકાકીપણાથી બચાવવા માટે ૨૦૨૩ સુધીની યોજના તૈયાર કરી છે, જે મુજબ સામાજિક સંબંધોના મૂલ્ય અને ઘરમાં કેવી રીતે વડીલોનું ધ્યાન રાખવું તેના વિશે બાળકોને પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલમાં જ ભણાવવામાં આવશે.
ત્રણ ચતુર્થાંશ જનરલ પ્રેક્ટિશનર્સે સર્વેમાં જણાવ્યું છે કે તેઓ એકલતાથી પીડાતા દૈનિક એકથી પાંચ લોકોને તપાસે છે. એકલતા હૃદયરોગ, સ્ટ્રોક્સ અને અલ્ઝાઈમર જેવી નુકસાનકારક આરોગ્ય અસરો સાથે સંકળાયેલી છે. આશરે ૨૦૦,૦૦૦ વૃદ્ધોએ મહિના કરતાં વધુ સમયથી મિત્ર અથવા સગાં સાથે વાતચીત કરી નથી. યુકેના ૨૦ ટકા જેટલા પુખ્તો મોટા ભાગે એકલતા અનુભવે છે, જેના પુરાવા તેમની સ્થૂળતા અને ધૂમ્રપાનની આદતમાં મળી શકે છે. ‘social prescribing’ તરીકે ઓળખાતી પદ્ધતિ હેઠળ ડોક્ટર્સ તેમના પેશન્ટ્સને દવાઓ લખી આપવાના બદલે કોમ્યુનિટી વર્કર્સ પાસે મોકલી આપશે, જેનાથી લોકોનું આરોગ્ય સુધરે અને સમાજ સાથે ભળી ગુણવત્તાસભર જીવન જીવી શકે. એકલતાથી પીડાતી વ્યક્તિને કુકરી ક્લાસિસ, ડાન્સ કલાસ, વોકિંગ ક્લબ અને આર્ટ્સ ગ્રૂપ સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાનું પણ કહેવાશે. આના પરિણામે NHS પરનો ભાર પણ ઘટશે.
સરકાર પોતાની યોજનામાં લિવરપૂલ, ન્યૂ માલ્ડેન અને વ્હીટબીમાં રોયલ મેઈલને પણ ભાગીદાર બનાવશે. પોસ્ટમેન તેમની પોસ્ટલ ડિલિવરીની સાથોસાથ એકાકી લોકોની પણ ભાળ લેશે. તેમની સાથે વાતચીત કરશે અને જરુર લાગશે ત્યાં તેમના પરિવારો અને કોમ્યુનિટીઝની મદદ લઈ સમાજ સાથે સાંકળવામાં મદદ કરશે. પોસ્ટમેન તેમની સાથે થોડો સમય વિતાવશે. ત્યાર પછી તેમની સમસ્યાના આધારે સોશિયલ ગ્રૂપ તૈયાર કરાશે, જે સપ્તાહમાં બે-ત્રણ વાર એક સ્થળે મળશે અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ થશે.
મેસોનિક ચેરિટેબલ ફાઉન્ડેશન અને એજ યુકે દ્વારા જરુરિયાતમંદ અને એકાકી વૃદ્ધોની સહાય માટે એક મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ સાથે ત્રણ વર્ષનો ‘Later Life Goals’ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. સેઈન્સબરીઝ, ટ્રાન્સપોર્ટ ફોર લંડન, કો-ઓપ, બ્રિટિશ રેડ ક્રોસ, નેશનલ ગ્રીડ અને સિવિલ સર્વિસ સહિત હાઈ પ્રોફાઈલ બિઝનેસીસના નેટવર્ક દ્વારા પણ તેમના કર્માચારીઓના આરોગ્ય અને સામાજિક કલ્યાણની મદદમાં વધુ કામગીરી કરવાની જાહેરાત કરી છે.


