બ્રિટિશરોને સતાવતો ભૂતનો ડરઃ મહામારી પછીનું રાષ્ટ્રીય વળગણ

Wednesday 13th April 2022 02:54 EDT
 
 

લંડનઃ કોવિડ મહામારી પછી બ્રિટિશરો માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમાં ભૂત એટલે ઘોસ્ટના ડરનું નવું અને વિચિત્ર વળગણ પણ ઉભું થયું છે. સાયન્ટિફિક રીતે ભૂતની ઓળખ કરનાર ઘોસ્ટ હન્ટર અને ડોક્ટર્સની ડિમાન્ડ પણ વધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લોકડાઉનના ગાળામાં લોકોએ અનેક ભૂતિયાં થ્રીલર્સ સતત જોયાં હોવાથી તેમના મનમાં ડર ઘૂસી ગયો છે અને માનસિક તણાવ પણ વધ્યો છે. કોવિડ મહામારી બાદ શરૂ થયેલી આ સમસ્યા હવે રાષ્ટ્રીય સ્તરે ફેલાઈ છે.

ઘણા બ્રિટિશરોએ પોતાના ઘરમાં સતત અસાધારણ ગતિવિધિ કે હિલચાલ થતી હોવાનું અનુભવ્યું છે તેમાંથી ભૂતનો ડર સતાવી રહ્યો છે. લોકો અડધી રાત્રે ગાઢ ઊંઘમાંથી જાગીને બેસી જાય છે, ઘરમાં કોઈ ભારે વસ્તુઓ પડવાના અવાજ સંભળાય તો પણ ઝબકીને જાગી જાય છે. આના પરિણામે, ઘણા લોકોએ તો આ પ્રકારની ઈમેજ અને અવાજોને રેકોર્ડ કરવા માટે સાઉન્ડ ડિટેક્સ ડિવાઇસ અને ઇન્ફ્રારેડ કેમેરા લગાવવાનું પણ શરૂ કર્યું છે. સમરસેટ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર્સના કેરોલીન મેક્કેન્ડ્રિક માને છે કે મહામારી દરમિયાન પેરાનોર્મલ અનુભવો વધી ગયા હતા.

યુનિવર્સિટી ઓફ લંડન, ગોલ્ડસ્મિથ્સના એનોમોલિસ્ટિક સાયકોલોજી રિસર્ચના પ્રોફેસર ક્રિસ્ટોફર ફ્રેન્ચને આવા રિપોર્ટમાં વધારાથી જરા પણ નવાઈ લાગતી નથી. સ્ટ્રેસથી ઊંઘમાં ખલેલ પહોંચે છે અને ઊંઘ ઓછી મળવાથી મગજ ભ્રમિત થઈ નહિ જોયેલી કે જાણેલી વસ્તુઓ નિહાળવાનું શરૂ કરી દે છે. સંશોધનનો એક વિષય સ્લીપ પેરાલિસિસ છે. ઊંઘમાંથી અચાનક જાગી જવા પછી વ્યક્તિ હાલીચાલી શકતી નથી અને તેનાથી મગજમાં ભય વ્યાપી જાય છે, હેલુસિનેશન્સ – માયાજાળ અનુભવાય છે અને કેટલાક લોકો ભૂત કે શેતાન જોયાનું વર્ણન કરે છે. જો તમે તણાવપૂર્ણ હાલતમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે આવા અનુભવો વધી જાય છે. તેઓ કહે છે કે અચોક્કસતા, તણાવ અને ખળભળાટના સમયમાં આ પ્રકારના અનુભવો વધી જવાના પુરાવાઓ છે.

આ વિષય પરના રિઆલિટી શો, ભૂતિયા કહાણીઓ, ફિલ્મો, ઘોસ્ટહંટરની કામગીરી સહિતના કાર્યક્રમોએ ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી. મહામારીના લોકડાઉન્સના ફૂરસદના સમયમાં લોકોએ પોડકાસ્ટ, સોશિયલ મીડિયા અને ટેલિવિઝનમાં થ્રિલર, હોરર સીરિયલો સહિતના કાર્યક્રમો નિહાળ્યા જેનાથી મનમાં ડરની ભાવના વધી ગઈ છે. ઓનલાઈન ગ્રૂપ્સનું મોડરેટિંગ કરતા પેરાનોર્મલ ઉત્સાહી ટિમ ગિબ્સન કહે છે કે તેઓ ગત એક વર્ષમાં અચાનક લાઇટ્સ બંધ થવી, વસ્તુઓની હેરાફેરી, અજબ-ગજબના અવાજો સંભળાવાના ૧,૦૦૦થી વધુ વીડિયો રેકોર્ડિંગ કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter