લંડનઃ યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. ભીખુભાઈ પટેલ (બીએ ઓનર્સ આર્કિટેક્ચર ૧૯૭૩) અને તેમના પત્ની શશીબેને આપેલી £ ૧મિલિયન પાઉન્ડની ભેટથી ભાવિ પેઢીના વિદ્યાર્થીઓને ખૂબ લાભ થશે. આ અત્યંત ઉદાર ભેટ યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના નવા ટેમ્પલ ક્વાર્ટર એન્ટરપ્રાઈઝ કેમ્પસ (TQEC) તરીકે રચનામાં ખૂબ આવશ્યક બની રહેશે.
નવું કેમ્પસ બ્રિસ્ટોલમાં શિક્ષણ આપવા અને મેળવવાની બાબતમાં ક્રાંતિકારી બની રહેશે. વિશ્વ કક્ષાના સાયન્સ અને એન્જિનિયરિંગ રિસર્ચ અને ડેવલપમેન્ટ અને બિઝનેસનું શિક્ષણ એક જ સ્થળે મળી રહેશે. ડિજિટલ ઈનોવેશન પર વધુ ધ્યાન અપાશે અને વિકાસ પામી રહેલા ડિજિટલ અર્થતંત્રને મદદરૂપ થવા સ્કીલને વધારવાની જોગવાઈ કરાશે. શિક્ષણ પડકાર આધારિત હશે અને વિદ્યાર્થીઓ ભાવિ પડકારોનો સામનો કરવા માટે અભ્યાસની સાથે મહત્ત્વના ઉદ્યોગ ભાગીદારો સાથે કામ કરશે.
વાઈસ ચાન્સેલર અને પ્રેસિડેન્ટ પ્રો.હ્યુ બ્રેડીએ જણાવ્યું હતું, ‘ ભીખુભાઈ પટેલ અને તેમના પરિવારે ખૂબ વિશ્વાસ દર્શાવ્યો છે અને આપણી યુનિવર્સિટી અને આપણા શહેરના ઉજ્જવળ ભવિષ્યની માટેની અમારી દ્રઢ મહત્ત્વાકાંક્ષાઓને સમર્થન આપ્યું છે તેનાથી હું ખૂબ ખૂશ છું. આપણા શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીનું નવીનીકરણ કરીને તેને વિશ્વની ટોચની સિવિક યુનિવર્સિટીઓ પૈકીની એક બનાવવા માટે અમારા ઈતિહાસમાં અમારા જીવનની આ એકમાત્ર તક સાંપડી છે. અમારું નવું કેમ્પસ ઇનોવેશન, ઓપોર્ચ્યુનિટી તથા કોઓપરેશન માટે પથદર્શક બની રહેશે.
આ કેમ્પસ આંતરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક સમાજને અનુરૂપ હશે. તે સ્થાનિક લોકો, સામાજિક સંસ્થાઓ, બિઝનેસીસ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને એકબીજા સાથે સાંકળશે અને પ્રેરણા પૂરી પાડશે. તેનાથી રોજગારીની તકો ઉભી થશે અને બ્રિસ્ટોલ સંસ્કૃતિની પ્રશંસા થશે.’
તેમણે ઉમેર્યું હતું, ‘ વિશાળ ઉદારતા દાખવવા બદલ હું ભીખુભાઈ અને તેમના પત્ની શશીબેનનો આભારી છું અને તેમની સાથે તથા અન્ય મહત્ત્વના સહયોગીઓ સાથે કામ કરવા તેમજ નવા કેમ્પસને સાકાર કરવા માટે ઉત્સાહિત છું.
ભીખુભાઈ ૧૯૭૩માં બ્રિસ્ટોલમાંથી આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવીને ગ્રેજ્યુએટ થયા હતા. બ્રિસ્ટોલ છોડ્યા પછી તેમણે પોતાના પત્ની સાથે કેટલાંક નાના બિઝનેસ કર્યા તેની પહેલા આર્કિટેક્ટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં તેઓ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં તેમના ભાઈ વિજયભાઈ સાથે કામ કરવા જોડાયા હતા. ૨૦૦૧માં તેમને અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા સંયુકત્ત રીતે ‘યુકે એન્ટરપ્રુનર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત ટોચની ઘણી સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતું. તેમની કંપનીને યુરોપની ઝડપથી વિકસતી ટોચની ૫૦૦ કંપનીઓમાં સ્થાન મળ્યું હતું.
ભીખુભાઈએ જણાવ્યું હતું,‘ મારા માટે ભણતર ખૂબ મહત્ત્વનું છે. હું કેન્યાથી યુકે ખાલી હાથે જ આવ્યો હતો અને શ્રેષ્ઠ શિક્ષણનો લાભાર્થી બન્યો હતો. મને બ્રિસ્ટોલ યુનિવર્સિટી અને શહેર સાથે ખુબ લગાવ (સ્નેહ) થઈ ગયો હતો. મેં બિઝનેસ સાથે મારા અંગત જીવનમાં જે કાંઈ મેળવ્યું છે તે મારી પાસે ડિગ્રી ન હોત તો મેળવી શક્યો ન હોત. મેં હંમેશા યુનિવર્સિટીના નીતિનિયમોનું પાલન કર્યું છે અને તેને કારણે સંશોધન તથા શિક્ષણમાં મળેલી સફળતાનું મને ગૌરવ છે. હું નાનો હતો ત્યારે યુવાનવયે જ મારા પિતા ગુજરી ગયા અને મારા પૂજ્ય માતુશ્રી શાન્તાબાએ શિક્ષિકા તરીકે વ્યવસાય શરૂ કરી પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી ઉપાડી હતી. નાની વયથી જ હું માતા પાસેથી જ આત્મનિર્ભર બનવાનું તેમજ અન્યોને તથા જરૂરતમંદોને મદદ કરવાનું શીખ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું, ‘ મેં ભારત અને કેન્યામાં ઘણી ચેરિટીને સહાય કરી છે. પરંતુ જયાંથી મેં વિદ્યા પ્રાપ્ત કરી છે એ બ્રિસ્ટોલને હું કશુંક પાછું આપવા માગતો હતો. નવું કેમ્પસ યુનિવર્સિટી અને શહેરને વિશ્વના નક્શા પર મૂકશે અને શહેર તથા સમાજને એકંદરે ખૂબ લાભ થશે.’
ભીખુભાઈએ ઉમેર્યું હતું,‘ બ્રિસ્ટોલનું નવું કેમ્પસ વિશ્વભરની પ્રતિભાઓ માટે આકર્ષણરૂપ બનશે. ત્યાં શિક્ષણનું વાતાવરણ ખૂબ પ્રોત્સાહક હશે કારણ કે તેમાં ક્લાસરૂમની સાથે બિઝનેસ અને ઈન્ડસ્ટ્રી સંકળાયેલા હશે.’
તેમણે ઉમેર્યું હતું,‘ ઉદ્યોગસાહસિકતા મારા લોહીમાં છે અને ઘણી આધુનિક સંસ્થાઓ તેની સુવિધા પૂરી પાડતી નથી. TQEC તેનો ખૂબ રોમાંચક રીતે જવાબ બનશે. નવા કેમ્પસમાં બ્રિસ્ટોલના વિવિધ સમુદાયો પણ આવી શકશે અને તેઓ યુનિવર્સિટી લાઈફના ભાગરૂપ બનશે.’
નવા કેમ્પસની રચનામાં મદદરૂપ થવાની સાથે પટેલ દંપતી આર્થિક જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને પણ સહાય કરે છે. સ્કોલરશિપ્સ દ્વારા ભીખુ એન્ડ શશીકલા પટેલ સ્ટુડન્ટ સપોર્ટ ફંડ આંતરારષ્ટ્રીય અને યુકે બન્નેના જરૂરતમંદ વિદ્યાર્થીઓ બ્રિસ્ટોલમાં હોય ત્યારે તેમને સહાય આપે છે.
ભીખુભાઈએ ઉમેર્યું હતું કે જીવનમાં શિક્ષણે મને જે આપ્યું છે તેને લીધે હું ખૂબ આભારી છું. ભાવિ પેઢીને ભવિષ્યના એન્ટરપ્રિન્યોર અને ઈનોવેટર્સ બનાવવામાં મદદરૂપ થઈને અન્ય લોકો પણ આ જ રીતે લાભ મેળવે તેવું હું ઈચ્છું છું.
ડેવલપમેન્ટ એન્ડ એલુમ્ની રિલેશન્સના ડિરેક્ટર સ્ટીવ ઓ’કોનોરે જણાવ્યું હતું,‘ઉચ્ચ શિક્ષણમાં ભીખુભાઈ અને શશીબેનનો વિશ્વાસ અને યુનિવર્સિટીને અદભૂત સમર્થન TQEC ને સાકાર કરવામાં મદદરૂપ બની રહેશે.
વિદેશવાસી ભારતીયો, ગુજરાતી સખાવતીઓમાં અગ્રેસર કહી શકાય એવા આ પટેલબંધુઓ ભીખુભાઇ તથા વિજયભાઇ પટેલે એમની જન્મભૂમિ આફ્રિકા-કેન્યા તથા માદરેવતન ગુજરાતમાં નોંધપાત્ર સખાવતો કરી છે. સૌરાષ્ટ્રના વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલને મજબૂત ટેકો આપી ત્યાં આંખની હોસ્પિટલ, કોલેજ-સ્કૂલ માટે તેમજ ગુજરાતભારમાં પોલીયો કેમ્પ, આઇકેમ્પ, ગામેગામ પાણીના ટરબાઇન પંમ્પની વ્યવસ્થા કરાવી છે આ ઉપરાંત વિદ્યાનગરના ચારૂતર વિદ્યામંડળને "વેમેડ ફાર્મસી કોલેજ" તથા ચારૂતર આરોગ્ય મંડળને કરોડોના ખર્ચે "વેમેડ ક્રિટીકલ કેર" અદ્યતન હોસ્પિટલની ભેટ આપી છે જેનું લોકાર્પણ આગામી તા.૨૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વિધિવત કરાશે. ૯૦ વર્ષની જીવનસંધ્યાએ પહોંચેલાં એમનાં માતુશ્રી શાન્તાબા પણ એમના પેન્શનમાંથી કેટલીક રકમ પશુ-પક્ષી અને જનકલ્યાણ કાર્યોમાં વાપરે છે.


