લંડનઃ જો બ્રિટનને કોઈ પણ ડીલ વિના જ ઈયુમાંથી બહાર નીકળવું પડે તેવા સંજોગોમાં પ્રજાને તકલીફ ન પડે તે માટે ફૂડ, દવાઓ અને ફ્યૂલના સપ્લાયની જવાબદારી આર્મીને સોંપવા માટેનું આયોજન કરાયું છે. આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે હેલિકોપ્ટર્સ અને ટ્રક્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સાથે સુપરમાર્કેટ્સ દ્વારા પણ સપ્લાયર્સને અત્યારથી ખોરાકપાણી, દવાઓ અને ફ્યૂલનો જથ્થો સંગ્રહ કરવાની ચેતવણી આપવામાં આવી છે. વડા પ્રધાન થેરેસા મેએ પણ ફૂડનો સંગ્રહ કરાતો હોવાનું નકાર્યું નથી. લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનો બ્રેક્ઝિટના તરફદારો દ્વારા કરાતા દાવા સંદર્ભે બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ફૂડ સપ્લાય પૂરતાં પ્રમાણમાં મળી રહેશે.
વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે અમે યુરોપિયન યુનિયન સાથે સારી સોદાબાજીનો હજુ પ્રયાસ કરીએ છીએ. અમે જે તૈયારી કરી રહ્યા છીએ તેના વિશે ખોટી ચિંતા સેવવાની જરૂર નથી. આપણે જાણતા નથી કે પરિણામ શું આવશે તેથી કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ‘નો ડીલ’ બ્રેક્ઝિટનો સામનો કરવા સરકાર ફૂડનો સંગ્રહ કરવા વિચારે છે કે કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં બ્રેક્ઝિટ સેક્રેટરી રાબે જણાવ્યું હતું કે સરકાર આવો સંગ્રહ કરતી જ રહે છે. પૂરતો ફૂડ સપ્લાય મળી રહે જરુરી છે.
ઈયુમાંથી બહાર નીકળવા સમયે તેની સાથે ડીલ અથવા ડીલ નહિની રકઝક ચાલી રહી છે ત્યારે મિનિસ્ટર્સ ખોરાક અને દવાઓનો પૂરવઠો પહોંચતો કરવા આર્મીની મદદ લેવાનું વિચારી રહ્યા છે. સાઉથ ઈસ્ટની બહાર અંતરિયાળ સ્થળોએ ફૂડ અને દવાઓ પહોંચાડવા હેલિકોપ્ટર્સ અને આર્મી ટ્રક્સનો ઉપયોગ કરવાની યોજના પણ ઘડાઈ છે.
મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના સૂત્રે પણ સ્વીકાર્યું હતું કે સિવિલિયન ઓથોરિટીઝને સપોર્ટ કરવાની અમારી બ્લૂપ્રિન્ટ છે. જોકે, પૂરવઠામાં મદદની સત્તાવાર વિનંતી મળી નથી. આગામી માર્ચમાં અચાનક હાર્ડ બ્રેક્ઝિટના સંજોગોમાં આવશ્યક ચીજવસ્તુઓની તંગીના જોખમને મિનિસ્ટર્સ હળવાશથી લઈ રહ્યા છે. જોકે, એવો પણ ભય છે કે કોઈ બ્રેક્ઝિટ ડીલ ન થાય તો ફૂડ અને દવાઓ સહિતના પૂરવઠાની આયાત અટકી શકે છે.


