લંડનઃ યુકે ૨૯ માર્ચ, ૨૦૧૯માં ઈયુ છોડી દેશે તેની સાથે વર્તમાન બરગંડી રંગના પાસપોર્ટને પણ રદ કરાશે અને બ્રિટનની ‘રાષ્ટ્રીય ઓળખ’ ગણાતો પરંપરાગત બ્લુ રંગનો પાસપોર્ટ ઓક્ટોબર ૨૦૧૯થી ફરી અમલમાં આવશે. ૩૦ વર્ષ અગાઉ ૧૯૮૮માં દાખલ કરાયેલો ઈયુ સમર્થિત પાસપોર્ટ બ્રેક્ઝિટ પછી જોવા નહિ મળે. ઈમિગ્રેશન મિનિસ્ટર બ્રાન્ડોન લુઈએ જણાવ્યું હતું કે આ ફેરફાર આપણું સાર્વભૌમત્વ પુનઃ પ્રસ્થાપિત કરશે. તેની નકલ અને બનાવટ થતી અટકાવવા નવા સુરક્ષા પગલાં પણ સામેલ કરાશે.
હોમ ઓફિસે જાહેરાત કરી છે કે, ૨૯ માર્ચ, ૨૦૧૯ સુધી તમામ બ્રિટિશરો પાસે ટ્રેડિશનલ બ્લૂ પાસપોર્ટ હશે. આ પ્રક્રિયા તબક્કાવાર અમલી બનાવાશે, જેથી બરગંડી રંગના જૂના ઈયુ પાસપોર્ટની મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી તે બદલાવવાની જરૂર પડશે નહિ. બ્રેક્ઝિટ પછીના પાંચ મહિનામાં વર્તમાન પાસપોર્ટ કોન્ટ્રાક્ટનો અંત આવે તે પછી પણ બરગંડી કલરના નવા પાસપોર્ટ જારી કરાશે પરંતુ, તેમાં ઈયુ સંબંધિત કોઇ ચિહ્નો નહિ હોય.
બ્રિટિશ પાસપોર્ટની ડિઝાઇનમાં પારંપરિક રીતે ક્વિનનો ‘Dieu et Mon Droit’ મુગટ સુવર્ણ રંગથી દોરવામાં આવશે, હવેથી તેનામાં ઇયુ માર્કિંગ્સ જોવા નહિ મળે. ડોક્યુમેન્ટ્સના અંદરના પાનાઓમાં યુકેની દેશભક્તિ સંબંધિત દૃશ્યો જોવા મળશે.
આ પાસપોર્ટની કિંમત ૭૨.૫૦ બ્રિટિશ પાઉન્ડ જ રહેશે. તેમાં છેતરપિંડી કે બનાવટી પાસપોર્ટ તૈયાર ના કરી શકાય તેવા સિક્યોરિટી ફિચર્સ તરીકે બાયોમેટ્રિક માઇક્રોચિપ ઉમેરાશે. વર્તમાન પાસપોર્ટમાં પેપર બેઝ્ડ પિક્ચર પેજ છે. તેના બદલે પાના પ્લાસ્ટિક પોલીકાર્બોનેટેડ સામગ્રીમાં આવશે, જેની બનાવટ કરવાનું લગભગ અશક્ય છે.
જૂનો બ્લૂ પાસપોર્ટ ૧૯૨૦થી અમલમાં હતો, પરંતુ બ્રસેલ્સે ૧૯૮૧માં તમામ સભ્ય દેશો પાસે ચાર વર્ષમાં યુરોપિયન પાસપોર્ટ ફરજિયાત હોવાની માગણી કરી હતી. આ પછી વર્ષ ૨૦૦૦માં યુકેએ પાસપોર્ટમાંથી ક્વિનના મુગટને કાઢી નાખવા સામે ભારે વિરોધ કર્યો હતો. તેમાં નિષ્ફળતા મળવાથી તેમાં મુગટના બદલે ૧૨ સ્ટારવાળો ઇયુ લોગો કવરપેજ પર મૂકાયો હતો. બ્રસેલ્સે ૨૦૦૭માં ડોક્યુમેન્ટ્સમાંથી ‘Her Britannic Majesty’ શબ્દગુચ્છ કાઢી નાખ્યો હતો.


