લંડનઃ બ્રેક્ઝિટ પછી યુકેમાં ઓવરસીઝ સ્ટુડન્ટની સંખ્યા વધારવાના પગલાં તરીકે વર્તમાન નીતિમાં બદલાવ આવશે. નવા સરકારી પેકેજ અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામ શોધવા માટે વિઝાની મુદતમાં એક વર્ષ સુધી વધારો કરી અપાશે. અત્યારે વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી યુકેમાં ચાર મહિના સુધી જ રોકાવાની પરવાનગી છે જ્યારે, PhD ધરાવતા ઉમેદવારો વધુ એક વર્ષ માટે પરવાનગી માગી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન (DfE) દ્વારા જણાવાયું છે કે,‘યુકેમાં અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઈ મર્યાદા નથી. યુકે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષે અને આવકારે તે માટે પોસ્ટ-સ્ટડી લીવ સમયમર્યાદા અંડરગ્રેજ્યુએટ અને માસ્ટર્સ વિદ્યાર્થીઓ માટે છ મહિના અને ડોક્ટરલ સ્ટુડન્ટ્સ માટે એક વર્ષ સુધી લંબાવવામાં આવશે. અરજદારો માટે વિઝા પ્રોસેસમાં સુધારા તેમજ વિદ્યાર્થીઓનાં રોજગારમાં સહાયની પણ વિચારણા કરાશે.’
વિઝા મુદતમાં વધારાની સાથોસાથ DfE અને ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ઈન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રેટેજી પણ જાહેર કરાશે, જેમાં આગામી દાયકામાં યુકે હાયર એજ્યુકેશન ક્ષેત્રે વિદેશી વિદ્યાર્થીઓમાં ૩૦ ટકાનો વધારો હશે. આના પરિણામે, બ્રિટિશ યુનિવર્સિટીઓમાં બિન-યુકે વિદ્યાર્થીઓની સંખ્યા ૪૬૦,૦૦૦થી વધીને ૨૦૩૦ સુધીમાં ૬૦૦,૦૦૦ની શક્યતા છે. હાલ લગભગ ૧૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ ઈયુમાંથી આવે છે. બ્રેક્ઝિટ પછી ઈયુ વિદ્યાર્થીઓએ ઊંચી ટ્યૂશન ફી ભરવા ઉપરાંત, સ્ટુડન્ટ લોનની સુવિધા પણ ગુમાવવી પડશે.


