બ્રેક્ઝિટ મામલે બ્રિટનમાં ભારે ખેંચતાણઃ લોકોએ રાજકારણમાં રસ ગુમાવ્યો

Wednesday 24th April 2019 02:43 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટના મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવતું નથી અને રાજકારણીઓ વિભાજિત છે ત્યારે તાજેતરના આંચકાજનક પોલ અનુસાર બ્રિટનમાં આ મુદ્દે લોકોમાં પણ ભારે વિભાજન થયું છે અને ઘણાં લોકોએ તો રાજકારણમાં વિશ્વાસ જ ગુમાવી દીધો છે. અખબાર ડેઈલી મિરરના સર્વેશન પોલ અનુસાર ૮૨ ટકા લોકો માને છે કે આપણો દેશ વિભાજિત છે અને ૭૩ ટકા એમ કહે છે કે બ્રેક્ઝિટ માટેના રેફરન્ડમ પછી વિભાજન વધ્યું છે. દસમાંથી એક (આઠ ટકા) વ્યક્તિ કહે છે સપ્તાહમાં ઘણી વખત પાર્ટનર, પરિવાર, મિત્રો કે કામકાજના સ્થળે સહયોગીઓ સાથે બ્રેક્ઝિટ વિશે દલીલો થાય છે. ચારમાંથી એક વ્યક્તિને બ્રેક્ઝિટ અંગે વિરોધી મત આપનાર સામે ગુસ્સો રહે છે જ્યારે, ૫૫ ટકા લોકોએ કહ્યું છે કે રેફરન્ડમ પછી લોકો વધુ અસહિષ્ણુ બની ગયાં છે.

અન્ય મહત્ત્વની બાબત તો એ છે કે ૭૯ ટકા લોકોએ તેમને બ્રિટિશ રાજકારણમાં શ્રદ્ધા ન રહી હોવાનું જણાવ્યું છે. જોકે, એક વાત સારી એ હતી કે ૮૨ ટકા લોકો યુકે વધુ સંપીલુ રહે તેવી ઈચ્છા ધરાવે છે. યુકેના ભાવિ અંગે ૩૦ ટકા આશાવાદી, ૪૪ ટકા નિરાશાવાદી તેમજ યથાવત સ્થિતિ જણાવનારા એટલે કે સંમત કે અસંમત નહિ થનારાં લોકો ૨૩ ટકા હતાં.

લોકોને બ્રિટનને સૌથી વધુ વિભાજિત કરનારા મુદ્દાઓ વિશે પ્રશ્ન કરાયો ત્યારે બ્રેક્ઝિટને સૌથી વધુ ૭૫ ટકા મત મળ્યા હતા. આ પછીના મુદ્દા, ઈમિગ્રેશન (૪૧ ટકા), ડાબેરી-જમણેરી રાજકારણ (૩૬ ટકા), વેલ્થ (૩૩ ટકા), ધર્મ (૧૯ ટકા), નોર્થ અને સાઉથ વચ્ચે વિભાજન (૧૬ ટકા) રહ્યા હતા. યુકેમાં વધુ સંપ રહે તેમ ઈચ્છનારા ૮૨ ટકા હતા અને ૬૦ ટકાએ કહ્યું હતું કે વિરોધી મત ધરાવનારની સાથે મગજ ગુમાવ્યા વિના વાત કરી શકાય તેમ તેઓ ઈચ્છે છે.

ઈયુ રેફરન્ડમ પછી યુકે વધુ વિભાજત થયાનું માનનારા લોકોની સંખ્યા ૭૨ ટકા હતી જ્યારે ૧૭ ટકાએ સ્થિતિમાં કોઈ ફેરફાર ન હોવાનું અને પાંચ ટકાએ સંપ વધ્યો હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૬ના રેફરન્ડમ પછી વિરુદ્ધ મત ધરાવનાર સાથે રાજકારણની ચર્ચા મુશ્કેલ હોવાનું માનનારા ૪૭ ટકા હતા જ્યારે ૨૯ ટકાએ આવું કશું ન હોવાનું જણાવ્યું હતું. લંડન અને યુકેના બાકીના વિસ્તારો વચ્ચે વિભાજન હોવાનું ૨૫ ટકાએ માન્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter