બ્રેક્ઝિટ મુદ્દે બોરિસ અને ડેવિસના રાજીનામાંઃ થેરેસા સામે પડકાર

Wednesday 11th July 2018 02:07 EDT
 
 

લંડનઃ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે સામે બ્રેક્ઝિટ સ્વપ્નને ખતમ કરી નાખવાના આક્ષેપ સામે ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટને ફોરેન સેક્રેટરીનું પદ આપી તેમના સ્થાને મેટ હેનકોકને હેલ્થ અને સોશિયલ સેક્રેટરી બનાવ્યા હતા. ડેવિસના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ ડોમિનિક રાબને બ્રેક્ઝિટ સેક્રેટરીપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસની સાથે જ જુનિયર બ્રેક્ઝિટ મિનિસ્ટર્સ સ્ટીવ બેકર અને સુએલા બ્રેવરમેને પણ સરકારમાંથી રાજીનામાં આપી દીધાં હતા. થેરેસા મેને ટોરી પાર્ટીના નેતાપદેથી હટાવવા બેકબેન્ચર્સ દ્વારા અવિશ્વાસ દરખાસ્ત લાવવાની હિલચાલ શરુ કરી દેવાઈ હતી. જોકે, તાત્કાલિક આવી દરખાસ્ત નહિ લવાય તેવા અહેવાલોથી થેરેસા મેનો શ્વાસ હેઠો બેઠો છે તેમ કહી શકાય. વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પદ પર રહેશે જ અને જો નેતૃત્વની સ્પર્ધા લાવવામાં આવશે તો તેનો સામનો પણ કરશે.

તાજેતરમાં જ યુરોપિયન યુનિયનમાંથી યુકેના બહાર નીકળવા સંબંધે કેબિનેટમાં સંમતિ સધાઈ હતી. જેમાં બળવાખોર ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને પણ આખરી ઘડીએ વિરોધ પડતો મૂક્યો હતો. બ્રેક્ઝિટ બળવાના કારણે ઈયુ સાથેની વાટાઘાટો અરાજકતામાં મુકાઈ છે અને મિસિસ મે જોખમી પરિસ્થિતિમાં મૂકાઈ ગયાં છે. જેકોબ રીસ-મોગ સહિતના ટોરી સાંસદોએ ડેવિસના રાજીનામાને આવકાર્યું હતું. રીસ-મોગે કહ્યું હતું કે તેઓ મિસિસ મેની બ્રેક્ઝિટ દરખાસ્તોનો વિરોધ કરશે.

બ્રેક્ઝિટ સ્વપ્નનાં મૃત્યુનો આક્ષેપ

બોરિસ જ્હોન્સને રાજીનામું આપી થેરેસા મેનાં ઈયુ છોડવાનાં ચેકર્સ પ્લાન વિરુદ્ધ જંગ છેડ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે યુકે સંસ્થાનવાદી દરજ્જા તરફ આગળ વધી રહ્યું છે અને રુંધાઈ જવા સાથે બ્રેક્ઝિટ સ્વપ્નનું મૃત્યુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે મિસિસ મે વાટાઘાટકારોને શ્વેત ધજાઓ સાથે જંગમાં મોકલી રહ્યાં છે અને સંપૂર્ણ અંકુશ બ્રસેલ્સને સોંપી રહ્યાં છે.

બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિસનું રાજીનામાથી શરૂઆત

લંડનઃ ઈયુમાંથી યુકેની બહાર નીકળવાની થેરેસા મેની સોફ્ટ એક્ઝિટ યોજના અંગે કેબિનેટમાં તણાવ મધ્યે બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. આના પગલે ડેવિસનું રાજીનામું પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે માટે મોટો ફટકો છે અને તેમની વિરુદ્ધ બળવાના એંધાણ મળી રહ્યા છે. તેમણે વડા પ્રધાનને પત્રમાં જણાવ્યું હતું કે તેમની નીતિઓથી યુકે વાટાઘાટોની નબળી પરિસ્થિતિમાં મુકાઈ જશે. સોફ્ટ બ્રેક્ઝિટના કારણે બ્રિટન ઈયુના નિયમોથી જકડાયેલું રહેશે. સરકારની નીતિ અને વ્યૂહરચનાનો વર્તમાન પ્રવાહ દર્શાવે છે કે યુકે કસ્ટ્મ્સ યુનિયન અને સિંગલ માર્કેટ છોડે તેવી શક્યતા ઓછી છે. ડેવિસે વડા પ્રધાન સામે આક્રમણ કરતા જણાવ્યું હતું કે,‘આપણે ઘણી સહેલાઈથી ઘણુ બધુ આપી રહ્યા છીએ, અને આ રણનીતિ ભારે ખતરનાક છે.’

થેરેસાના નેતૃત્વ સામે પડકાર

અગાઉ, રવિવારે રાત્રે બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ તેમજ સોમવારે બોરિસ જ્હોન્સને પણ રાજીનામું આપવા સાથે થેરેસા મે સામે નેતાપદ અને રાજકીય જીવનનો ખતરો ઉભો થયો છે. બીજી તરફ, બેકબેન્ચર સાંસદ જેકોબ રીસ-મોગે પૂર્વ ફોરેન સેક્રેટરી જ્હોન્સન સારા વડા પ્રધાન બની શકશે તેમ કહી તેમને સમર્થન આપ્યું છે. રાજીનામાં અને અફવાઓનાં અરાજકતાપૂર્ણ દિવસ પછી ડાઉનિંગ સ્ટ્રીટને રાજકીય નેતૃત્વના સંભવિત પડકારનો સામનો કરવો પડશે તેમ જણાય છે. જોકે, પ્રાઈમ મિનિસ્ટરના સમર્થકોએ જ્હોન્સને બ્રેક્ઝિટ વિશે કોઈ ઉપાયો સૂચવ્યા ન હોવાનો દાવો કરી જણાવ્યું હતું કે મિસિસ મે રાષ્ટ્રીય હિતો માટે જંગમાં અડીખમ ઉભાં રહેશે. ડેવિડ ડેવિસે રાજીનામું આપ્યા પછી રાજીનામું આપવાની તેમજ રાજીનામા પર સહી કરતી તસવીરો જાહેર કરવાના જ્હોન્સનના નિર્ણયની પણ ટીકા થઈ રહી છે.

અવિશ્વાસની દરખાસ્ત લાવવા હિલચાલ

યુરોસેપ્ટિક ટોરી સાંસદના જણાવ્યા અનુસાર થેરેસા મે વિરુદ્ધ નો-કોન્ફિડન્સ ઠરાવ લાવવા અને ટોરી સાંસદોએ ટોરી ૧૯૨૨ કમિટી બેકબેન્ચ ગ્રૂપને પત્રો લખ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત લાવવા ૪૮ સાંસદના પત્રની જરૂર રહે છે. એક સાંસદે ૧૯૨૨ કમિટીને જણાવ્યું છે કે વડા પ્રધાને તમામ મહત્ત્વના પદ રીમેઈન છાવણીનાં નેતાઓને ફાળવ્યા છે. યુરોસેપ્ટિક સાંસદોના જણાવ્યા અનુસાર પ્રાઈમ મિનિસ્ટર પીછેહઠ કરી તેમનો ચેકર્સ પ્લાન પાછો નહિ ખેંચે તો વધુ મિનિસ્ટર રાજીનામાં આપે તેવી શક્યતા છે. બીજી તરફ, સાંસદ જેકોબ રીસ-મોગની અધ્યક્ષતા હેઠળના બ્રેક્ઝિટતરફી યુરોપિયન રિસર્ચ ગ્રૂપની બેઠકમાં મિસિસ મેના ચેકર્સ પ્લાનનો વિરોધ કરાયો હતો, જેમાં ૮૦થી વધુ સાંસદોએ હાજરી આપી હતી.

બ્રેક્ઝિટ મુદ્દે વધુ બે સાંસદના રાજીનામાં

વધુ બે સાંસદે સરકારમાંથી બ્રેક્ઝિટ મુદ્દે રાજીનામાં આપી દીધાં છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગના પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરી અને બોલ્ટન વેસ્ટના સાંસદ ક્રિસ ગ્રીન તેમજ બોરિસ જ્હોન્સનના પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરી અને બોર્નમાઉથ વેસ્ટના સાંસદ કોનોર બર્ન્સે બ્રેક્ઝિટ વાટાઘાટોની દિશાથી નારાજગી દર્શાવી રાજીનામાં આપ્યાં છે. પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરીનું પદ વિશેષ મહત્ત્વ ધરાવતું નથી છતાં, તેમના રાજીનામાં પક્ષમાં અસંતોષ અને થેરેસા મેની નેતાગીરી સામે પડકારની અટકળોને બળ આપે છે. અગાઉ, જુનિયર બ્રેક્ઝિટ મિનિસ્ટર્સ સ્ટીવ બેકર અને સુએલા બ્રેવરમેને પણ રાજીનામાં આપી દીધાં હતા. બેકરે જણા હતું કે એસ્ટાબ્લિશમેન્ટ બ્રેક્ઝિટને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તત્કાળ કેબિનેટ રીશફલિંગ કરાયું

વડા પ્રધાને ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનના રાજીનામાના પગલે તત્કાળ રીશફલિંગ હાથ ધર્યું હતુ અને હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટને ફોરેન સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સરકારની રચના થઈ ત્યારે સૌથી લાંબો સમય હેલ્થ સેક્રેટરી રહેલા હન્ટને બિઝનેસ સેક્રેટરીનું પદ આપવા થેરેસા મે તૈયાર થયાં હતાં, પરંતુ હન્ટે આ ઓફર ઠુકરાવી દીધી હતી. કલ્ચરલ સેક્રેટરી મેટ હેનકોકને હેલ્થ સેક્રેટરીનું પદ અપાયું છે, જ્યારે એટર્ની જનરલ જેરેમી રાઈટને નવા કલ્ચરલ સેક્રેટરી અને બ્રેક્ઝિટતરફી જ્યોફ્રી કોક્સને નવા સેટ-અપમાં એટર્ની જનરલ બનાવાયા છે. ડેવિડ ડેવિસના સ્થાને બ્રેક્ઝિટતરફી સાંસદ ડોમિનિક રાબને બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે બઢતી અપાઈ છે.

ટેકો હાંસલ કરવા થેરેસા મેનાં પ્રયાસો

વડા પ્રધાન થેરેસા મેએ ટોરી બેકબેન્ચર્સનો ટેકો હાંસલ કરવા પ્રયાસો આદર્યાં હતાં. કોમન્સ ચેમ્બરમાં પોતાનાં બ્રેક્ઝિટ પ્લાન્સનો બચાવ કરવા સાથે તેમણે ચેતવણી આપી હતી કે બળવાખોર સાંસદો કોર્બીનની નેતાગીરી હેઠળની સરકાર લાવવાનું જોખમ વહોરી રહ્યા છે. તેમણે૧૯૨૨ કમિટી સમક્ષ ચેકર્સ ડીલ વિશે વિવાદ થયાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કોઈ દગો નથી. આપણે મુક્ત અવરજવરને અટકાવીશું. આપણે યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના અધિકારક્ષેત્રનો અંત લાવીશું. આપણે દર વર્ષે યુરોપિયન યુનિયનને અઢળક નાણા મોકલવાનું પણ અટકાવીશું. થેરેસા મે ઈયુ નાગરિકોને યુકે જોબ માર્કેટના પ્રાથમિકતા ઓફર કરશે તે મુદ્દે ડાઉનિંગ સ્ટ્રીટે ભારપૂર્વક ઈનકાર કર્યો હતો. હાઉસ ઓફ કોમન્સમાં એના સૌબ્રી અને નિકી મોર્ગન સહિતના રીમેઈનતરફી ટોરી સાંસદોએ વડા પ્રધાનને ટેકો આપ્યો હતો. જોકે, યુરોસેપ્ટિક સાંસદો તરફથી તેમને સીધો પડકાર સહન કરવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter