લંડનઃ બ્રસેલ્સ સાથે આગામી સંબંધો કેવા રહેશે તેની જરા પણ ચિંતા કર્યા વિના દેશભરના નાગરિકોએ નાચગાન સાથે બ્રેક્ઝિટની ઉજવણી આરંભી હતી. લોકો માર્ગો અને શેરીઓમાં ઉતરી આવ્યા હતા. ચોતરફ યુનિજન જેક ધ્વજ લહેરાતા દેખાયા હતા અને શરાબની છોળો પણ ઉડી હતી. પાર્લામેન્ટ સ્ક્વેરમાં નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટી દ્વારા આયોજિત ઉજવણીમાં ‘ગોડ સેવ ધ ક્વીન’ અને ‘લેન્ડ ઓફ હોપ એન્ડ ગ્લોરી’ના વૃન્દગાને રમઝટ જમાવી હતી. આવી જ ઉજવણીનો માહોલ દેશભરમાં પાર્ટી આયોજનોમાં જોવા મળ્યો હતો. ધ માલ અને પાર્લામેન્ટ સ્ક્વેરની આસપાસ યુનિયન જેક ફ્લેગ્સની વાતાવરણ રંગીન થઈ ગયું હતું. ડાઉનિંગ સ્ટ્રીટમાં કાન્ટડાઉન ક્લોક અને લાઈટ શોનું આયોજન કરાયું હતું. યુરોપિયન મેઈનલેન્ડ સાથે યુકે દ્વીપકલ્પના સૌથી નજીકના પોઈન્ટ ડોવરની સફેદ ભેખડો પર ‘ધ યુકે હેઝ લેફ્ટ ધ ઈયુ’ વિદાયસંદેશ પ્રોજેક્ટ કરાયો હતો.
રીમેઈનર્સ દ્વારા પણ ઉત્સાહ વિના બ્રેક્ઝિટનો આનંદ લેવાયો હતો. તેઓએ ઈયુ બ્લોક સાથે લગભગ અડધી સદીના સંબંધોના અંતનો શોક વ્યક્ત કર્યો હતો. એડિનબરામાં સ્કોટિસ પાર્લામેન્ટની બહાર ‘વી ડોન્ટ વોન્ટ યોર બ્રેક્ઝિટ’ના નારાઓ સાથે લોકોએ મિણબત્તીઓ પ્રગટાવી ગમગીની દર્શાવી હતી.
બ્રેક્ઝિટ પાર્ટીના વડા નાઈજેલ ફરાજે પાર્લામેન્ટ સ્ક્વેરમાં રાત્રના નવ વાગ્યાથી ઉજવણી રેલીનું આયોજન કર્યું હતું. બ્રેક્ઝિટ પાર્ટીના યુરોપીય પાર્લામેન્ટના સાંસદ એન વિડેકોમ્બ અને વેધરસ્પૂન પબ્સના માલિક ટિમ માર્ટિન સહિતના વક્તાઓએ સંબોધન કર્યું હતું. પાર્લામેન્ટ સ્ક્વેર, ધ મોલ તેમજ બકિંગહામ પેલેસ સહિતના વિસ્તારો ભૂરા અને લાલ રંગના યુનિયન જેક ધ્વજોથી લહેરાઈ ઉઠ્યા હતા.
યુકે માટે નવા યુગના ઐતિહાસિક પ્રારંભ નિમિત્તે દેશભરની પબ્સ અને સોશિયલ ક્લબ્સમાં પણ કાર્યર્કમો યોજાયા હતા. ચોતરફ, આતશબાજી, મ્યુઝિક, ડાન્સ અને ભાષણોના કાર્યક્રમોથી બ્રિટિશરો ઝૂમી ઉઠ્યા હતા. વેસ્ટ યોર્કશાયરના મોર્લી ખાતે ‘ધ બિગ બ્રેક્ઝિટ બેશ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
યુકેના ધ્વજને ઉતારી લેવાયો
યુરોપીય પાર્લામેન્ટમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લીયેન દ્વારા આખરી વિદાય આપવામાં આવી હતી. રાત્રે ૧૧ વાગ્યે યુકેની ઈયુમાંથી સત્તાવાર વિદાય પછી યુરોપીય પાર્લામેન્ટની બહાર ઈયુના અન્ય સભ્ય દેશોના રાષ્ટ્રધ્વજો સાથે લહેરાતા યુકેના ધ્વજને ઉતારી લેવાયો હતો. આ ધ્વજને હાઉસ ઓફ યુરોપિયન હિસ્ટરી મ્યુઝિયમમાં સ્થાન અપાશે.
બીજી તરફ, બ્રેક્ઝિટ સાથે જિબ્રાલ્ટરમાં ઈયુના ધ્વજને ઉતારી લેવાયો હતો. સ્પેનની દક્ષિણે આવેલા બ્રિટિશ જિબ્રાલ્ટરે જૂન ૨૦૧૬ના રેફરન્ડમમાં માત્ર ચાર ટકાએ જ ઈયુને છોડવાની તરફેણ કરી હતી. બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીના ચીફ મિનિસ્ટર ફેબિયન પિકાર્ડોએ જણાવ્યું હતું કે,‘અમે ઈયુનો ફ્લેગ ઉતારી રહ્યા અમે દુઃખી અને ભારે હૃદયે આમ કરી રહ્યા છીએ.’
૫૦pના વિશેષ સિક્કાનું આગમન
ઈયુમાંથી યુકેની વિદાય બ્રેક્ઝિટ નિમિત્તે રોયલ મિનિટ દ્વારા તૈયાર કરાયેલા ૫૦ પેન્સના આશરે ત્રણ મિલિયન સિક્કાએ ચલણમાં સ્થાન મેળવ્યું છે. રોયલ મિન્ટ દ્વારા યાદગીરી સ્વરુપે ૫૦ પેન્સનો સોનાનો સિક્કો પણ જારી કરાયો છે જેની કિંમત ૯૪૫ પાઉન્ડ છે. આ સિક્કામાં ‘Peace, prosperity and friendship with all nations.’ લખવામાં આવ્યું છે. રોયલ મિન્ટ દ્વારા આ ખાસ ૧૫૦૦ સિક્કા વેચી દેવાયા છે. અગાઉ, બ્રેક્ઝિટની તારીખ ૩૧ ઓક્ટોબર નિશ્ચિત કરાઈ હતી તેને ધ્યાનમાં રાખી ચાન્સેલર સાજિદ જાવિદે ૫૦ પેન્સના એક મિલિયન જેટલા સિક્કાના ઉત્પાદનનો આદેશ આપી દીધો હતો. જોકે, બ્રેક્ઝિટ તારીખ બદલાઈને ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ થવાથી આટલા સિક્કાને પીગળાવી દેવાની ફરજ પડી હતી. બીજી તરફ, રીમેઈનર્સે ૫૦ પેન્સના નવા કોઈન્સ પર પરમેનન્ટ માર્કર પર વી લવ ઈયુના લખાણ સાથે આગવા સ્મરણ કોઈન્સ બનાવી દીધાં છે.


