લંડનઃ બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે બળાત્કાર અને યૌનશોષણની ગેન્ગના નવ આરોપીને ૨૭ ફેબ્રુઆરીએ કુલ ૧૩૦ કરતા વધુ વર્ષની કેદની સજા ફરમાવી છે. કોર્ટે બે તરુણી ૧૪ વર્ષની હતી ત્યારે તેમને આલ્કોહોલ અને ડ્રગ્સ સહિતના પ્રલોભનો આપી ફોસલાવવામાં આવી હોવાની રજૂઆતો સાંભળી હતી. આ છોકરીઓ સ્થાનિક ઓથોરિટીના કેર હોમમાં હતી અને વારંવાર ત્યાંથી નાસી જતી હતી. એક પીડિતાએ સ્પષ્ટ કહ્યું હતું કે આરોપીઓ માટે તો તે રમવાનાં રમકડા સિવાય કશું ન હતી.
કોર્ટે બશારત ખાલિકને ૨૦ વર્ષ, સઈદ અખ્તરને ૨૦ વર્ષ, નાવીદ અખ્તરને ૧૭ વર્ષ, પરવેઝ અહમદને ૧૭ વર્ષ, ઝીશાન અલીને ૧૮ મહિના, ફહિમ ઈકબાલને સાત વર્ષ, ઈઝાર હુસૈનને ૧૬ વર્ષ, મોહમ્મદ ઉસ્માનને ૧૭ વર્ષ તેમજ કેઈરન હેરિસને ૧૭ વર્ષની કેદની સજા ફરમાવી હતી. જોકે, જ્યુરીએ બહુમતી સાથે દસમા આરોપી યાસર માજિદને દોષમુક્ત જાહેર કર્યો હતો.
બ્રેડફોર્ડ સેક્સ એબ્યુઝ ગેન્ગની એક પીડિતા ૧૪ વર્ષની તરુણી હતી ત્યારે તેને ડ્રિન્ક પીવડાવ્યાં પછી બળાત્કાર કરાયો હતો. તેણે કોર્ટમાં જુબાની આપી હતી. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટના જજ ડરહામ હોલે આરોપીઓને સજા સંભળાવતા કહ્યું હતું કે આ છોકરીઓની ફોસલામણી અને હિંસા પછી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જજે કહ્યું હતું કે ઈંગ્લેન્ડ અને વેલ્સની કોઈ કોર્ટ અસલામત છોકરીઓને ફોસલાવવારા જૂથો કે વ્યક્તિઓ સામે કેસથી બાકાત રહી નથી.
ટ્રાયલ પ્રોસીક્યુટર કામા મેલી QCએ જણાવ્યું હતું કે આ તરુણીઓ છળકપટનો શિકાર બની શકે તેવી અસલામત હતી અને આરોપીઓએ પોતાની કામવાસના સંતોષવા તેમનું જાતીય શોષણ કર્યું હતું. આ બે તરુણી બ્રેડફોર્ડના સ્થાનિક ઓથોરિટીના કેર હોમમાં હતી અને અવારનવાર નાસી જતી હતી. જોકે, કેર હોમનો સ્ટાફ છોકરીઓને રાત્રે બહાર જતાં અટકાવી શકે તેમ ન હતો.
એક પીડિતાના સ્ટેટમેન્ટને કોર્ટમાં વાંચી સંભળાવાયું હતું, જેમાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘આ અધમ ગેન્ગ માટે હું રમવાના રમકડાં સિવાય કશું ન હતી.’ તેણે એમ પણ કહ્યું હતું કે તે ચિંતાતુર રહેતી હતી, દુકાનોમાં જતાં ડરતી હતી અને મિત્રો સાથે સાંજે બહાર કે રેસ્ટોરાંમાં પણ ભાગ્યે જ જઈ શકતી હતી. તેણે વર્ષો સુધી કાઉન્સેલિંગનો સહારો લેવો પડ્યો હતો. બશારતની ધરપકડ કરાયા પછી ત્રણ મહિના સુધી ઘરની બહાર નીકળી શકી ન હતી અને નોકરી પણ છોડી દેવી પડી હતી. તેને બશારત અને તેના મિત્રોનો ભારે ભય લાગતો હતો. અન્ય પીડિતાએ નિવેદનમાં તેની ડર, હતાશા, ખરાબ સ્વપ્ના અને આપઘાતના અનેક પ્રયાસ, ડ્રાગ્સ અને આલ્કોહોલથી તેના આરોગ્યને ખરાબ અસર સહિતની સમસ્યાની રજૂઆત કરી હતી.


