લંડનઃ એશિયન લોકોનાં ઈતિહાસનો સમાવેશ કરવા બ્લેક હિસ્ટ્રી મન્થ લંબાવાયો હોવાનું જણાવવા બદલ સોશિયલ મીડિયા પર બ્રિટિશ આર્મીની ખૂબ ટીકા થઈ રહી છે. આર્મી દ્વારા ટ્વિટ કરાયું હતું કે ઓક્ટોબરમાં થતી ઉજવણીમાં તે આ પ્રસંગના ભાગરૂપે ભારતીય લશ્કર સાથેની ભાગીદારી વિશે વાત કરવા માગે છે. પરંતુ, આર્મીને નિરીક્ષકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું કારણ કે તેઓ માને છે કે અન્ય વંશીય લઘુમતીઓના સમાવેશને લીધે અશ્વેત સૈનિકો અને મહિલાઓએ આપેલા યોગદાનનું મહત્ત્વ ઘટી જશે.
બ્લેક હિસ્ટ્રી મન્થના સ્થાપકો પૈકી એક અને ૧૯૮૦ના દાયકામાં આ વિચારને રજૂ કરનારાં લામ્બેથ કાઉન્સિલના પૂર્વ લીડર લિન્ડા બેલોસે એશિયન હિસ્ટ્રીને બિરદાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આપણે ‘બ્લેક’ શબ્દ વિશે ફેરવિચાર કરવો જોઈએ અને ૧૯૮૦ના દાયકા મુજબનો રાજકીય શબ્દ બનાવવો જોઈએ જેમાં, કેરેબિયન સહિત આફ્રિકન અને એશિયન લોકો વિશે વાત હતી.
બ્રિટિશ આર્મીએ આ ટ્વિટ રદ કરી નાખી છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્લેક હિસ્ટ્રી મન્થની ઉજવણી આ દેશને સલામત રાખવામાં મદદરૂપ BAME સૈનિકોએ બજાવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા થાય છે. બ્લેક હિસ્ટ્રી મન્થના આયોજનમાં મદદરૂપ સંસ્થાના પ્રવક્તા ઈયાન થોમસે જણાવ્યું હતું કે શીખ, હિંદુ અને મુસ્લિમ કોમ્યુનિટીના યોગદાનની અવગણના કરી શકાય નહિ.
એક યુઝરે મૂળથી જ બ્લેક હિસ્ટ્રી મન્થ એશિયન ઈતિહાસ માટે ન હોવાનું ટ્વિટ કરી આ પગલાં વિશે બળાપો વ્યક્ત કર્યો હતો અને તેમના સમાવેશ માટે અલગ #BownHistoryMonth હોવો જોઈએની ટીપ્પણી કરી હતી.


