લંડનઃ સંત ભગવંત સાહેબદાદા લગભગ છેલ્લા ત્રણ માસથી ગ્રેટ બ્રિટનમાં બિરાજી રહ્યા છે. ભારત પરત ફરતા પહેલા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તેઓના દિવ્ય સાનિધ્યમાં દિપાવલીના મંગલ પર્વો ખૂબ ઉત્સાહ અને દિવ્યતાસભર વાતારણમાં 17 અને 18 ઓક્ટોબરે ઉજવાયા હતા.
17 ઓક્ટોબરે શ્રી લક્ષ્મી પૂજા તથા શ્રી શારદાપૂજનનો કાર્યક્રમ સાહેબદાદા અને ગ્રેટ બ્રિટન તથા ભારતના સંતો-ભક્તોના સાંનિધ્યે ખૂબ જ મહિમાથી ઉજવાયા. લગભગ સો જેટલા યુગલ યજમાનો દ્વારા આ પવિત્ર વિધિ પૂજ્ય હિંમતસ્વામીજી તથા સાધુ પૂજ્ય અશોકદાસજી દ્વારા સંપન્ન થઈ.
આ સભામાં પૂ. સતીશભાઈ, ડો. નંદાકુમારા (કાર્યકારી નિયામક - ભારતીય વિદ્યા ભવન), મનુભાઈ રામજી (કિંગ્સ કિચન), કાંતિભાઈ નાગડા, વજુભાઈ પાણખાણીયા, પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, કવિયત્રિ ભારતીબેન વોરા વગેરે અનેક મહાનુભાવો પધાર્યા હતા. વિશેષ આજની આ સભામાં ગુજરાતી ભાષા અને સાહિત્યમાં અનોખું પ્રદાન કરનાર અને 75 વર્ષથી માતૃભાષા ગુજરાતીની જ્યોત તેજસ્વી રાખી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના આજીવન સાધક, યુવાઓના પ્રેરણામૂર્તિ, વિનયસંપન્ન વિદ્વતાથી વૈશ્વિક કીર્તિવંત પરમ સન્માનનીય પ્રોફેસર ડો. જગદીશ દવેને ‘શાલીન માનવરત્ન’થી સન્માનથી અલંકૃત કરવામાં આવ્યા હતા.
આરંભમાં સતીશભાઈ ચટવાણીએ ડો. જગદીશભાઈને અભિનંદન પાઠવી ઉપસ્થિત ભક્તોને આવકર્યા હતા. ૐ ક્રિમેટોરિયમના બાંધકામની માહિતી આપી સર્વને આ મહાયજ્ઞમાં સેવામાં જોડાઈ સહભાગી થવા અપીલ કરી હતી. સી.બી. પટેલે પ્રો. ડો. જગદીશભાઈનો પરિચય આપી પોતાની તેમની સાથેની પચાસ વર્ષની મિત્રતાની વાત કરી જગદીશભાઈએ ભારત બહાર ગુજરાતી ભાષાને જીવંત રાખવા કરેલ પ્રદાનનો ઉલ્લેખ કર્યો. તેમના પુસ્તકો ઠંડો સૂરજ, ભાષા અને સંસ્કૃતિ, બ્રિટનમાં ગુજરાતીઓ તથા પૂર્વ આફ્રિકામાં ગુજરાતી જેવા પુસ્તકો પ્રકાશિત થયા છે તેનો ઉલ્લેખ કરી ગુજરાત સરકાર તથા અન્ય સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તેની વાતો કરી જગદીશભાઈને બિરદાવ્યા હતા. આ પ્રસંગે સંત ભગવંત સાહેબદાદા, સંતો અને મહાનુભાવોના હસ્તે જગદીશભાઇને શાલીન માનવરત્ન એવોર્ડ, શાલ, ખેસ, માળા, મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. જગદીશભાઈ દવેએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આજે અનુપમ મિશન મારું સન્માન કરી રહ્યા છે તેનો મને ખૂબ આનંદ છે હું અનુપમ મિશનનો ખૂબ આભારી છું. પોતાના સિત્તેર વર્ષના લાંબા જીવનની અનેક કાર્ય અને સિદ્ધિની વાત કરી. પ્રેરણાદાયી અને માર્ગદર્શન પ્રવચન કર્યું. અંતમાં સંત ભગવંત સાહેબદાદાએ આ અવસરે પોતાના આશીર્વાદ પાઠવતા કહ્યું કે, ભગવાનની કૃપાથી આપણને લક્ષ્મી પ્રાપ્ત થાય છે જે આપણે પાછી તેની સેવામાં વાપરવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું તે મુજબ દરેકે પોતાની આવકનો દશમો કે વીસમો ભાગ ભગવાનની સેવામાં આપવો જોઈએ. આજે આપણે જગદીશભાઈ જેવા ગુજરાતી ભાષાની અદ્ભુત સેવા કરનાર સાહિત્યકાર અને એક શાલીન માનવ રત્નનું સન્માન કરીને યુવા પેઢીને માતૃભાષા જીવંત રાખવાનો સંદેશો આપ્યો છે. જગદીશભાઈને આપણા સહુના વંદન છે. પ્રભુ તેમનું સ્વાસ્થય સારું રાખે તે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સહુ મહેમાનોએ મહાપ્રસાદ લીધો હતો.


