લંડનઃ નવરાત્રિ અને અષ્ટમીના પ્રસંગે ભવન યુકે દ્વારા 30 સપ્ટેમ્બરે દુર્ગાષ્ટમીની પરંપરાગત ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મિ. અને મિસિસ આલોક ભારદ્વાજ અને તેમન પરિવાર દ્વારા પ્રાયોજિત હતો. તેઓ ઘણા વર્ષોથી ભવન સાથે સંકળાયેલા છે. ઊજવણી ઈવેન્ટનો આરંભ મંગલાચરણ સ્તુતિ સાથે કરાયો હતો. આ પછી, બંગાળી સંગીત, હિન્દુસ્તાની સંગીત, કર્ણાટકી સંગીત વિભાગ તેમજ કુચિપૂડી, ભરતનાટ્યમ અને કથક નૃત્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સમાં માતા દુર્ગાના મહિમાગાન અને દેવીમા સાથે સંકળાયેલી કથાઓના શાશ્વત પાઠોની રચનાઓની ભાવવાહી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
યુવા વિષ્ણુ અવધાનીએ માતાજીનાં માહાત્મ્ય વિશે સંબોધન કર્યું હતું. તેમણે નવરાત્રિના મહત્ત્વ અને તેમાંથી શીખવા મળતાં મૂલ્યો વિશે અને આ મૂલ્યો જીવનમાં કેવી રીતે આત્મસાત કરી શકાય તેના વિશે સમજાવ્યું હતું
ડો. એમ.એન. નંદકુમારાની આગેવાની હેઠળ પ્રાર્થનાઓ અને મંત્રોચ્ચાર-શ્લોકો સાથે પરંપરાગત પૂજા કરવામાં આવી હતી. તેમને મંત્રોચ્ચાર-શ્લોકગાનમાં ડો. રાધાબહેન ભટ્ટ, કમલાબહેન કોટચેરલાકોટા અને વિષ્ણુ અવધાનીએ સાથ આપ્યો હતો. આરતી સાથે પૂજાવિધિ સંપન્ન થઈ હતી તેમજ રાત્રિભોજન (ડિનર) તરીકે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.


