લંડનઃ ધ ભવન્સ દ્વારા શનિવાર 25 નવેમ્બરે સેન્ટ્રલ લંડનની હોટેલમાં દિવાળીની ઉજવણી કરાઈ હતી જેમાં, સેલેબ્રિટીઝ, સમર્થકો, પેટ્રન્સ, કળાકારો અને પ્રશંસકો સહિત ડાયસ્પોરાના સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ઉજવણીના ચીફ ગેસ્ટ હતા જ્યારે સન્માનીય મહેમાનપદે સિતારવાદક અને સંગીતકાર અનુષ્કા શંકર હતાં. રઘુ નંદકુમારા અને મીરા માણેક આ સાંજના ઉદ્ઘોષક હતા. ચાવીરૂપ ઉપસ્થિતોમાં લોર્ડ અને લેડી ધોળકિયા, લોર્ડ અને લેડી પોપટ તેમજ લોર્ડ અને લેડી રેન્જરનો પણ સમાવેશ થયો હતો.
ધ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા નિવાસી ગુરુ પંડિત રાજકુમાર મિશ્રાએ કમ્પોઝ અને કન્ડક્ટ કરાયેલા જોશીલા સંગીત પરફોર્મન્સ સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBE એ પ્રાર્થના કર્યા પછી ભવનના ચેરમેન સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે સ્ટાફ, શિક્ષકોની સેવા તેમજ વિદ્યાર્થીઓની નિષ્ઠા માટે આભાર વ્યક્ત કરવા સાથે વારસાને આગળ લઈ જવાના ઉત્તરદાયિત્વ વિશે જણાવ્યું હતું. આ પછી, નિવાસી ગુરુઓ અભિનવ મિશ્રા અને અમુન ભાચુ દ્વારા શિક્ષિત વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દેનારું કથક નૃત્ય પરફોર્મન્સ આપ્યું હતું.
મારા પિતાને ભવન માટે પ્રેમ અને પ્રશંસાની લાગણી
સન્માનીય મહેમાન અનુષ્કા શંકરે ભવન સાથે તેમના અનુભવ અને સંબંધ વિશે તેમજ તેમની લગ્નવિધિઓનું સંચાલન તથા પંડિત રવિ શંકરના નિધન પછી અંતિમ સંસ્કાર કરાવનારા ડો. નંદકુમારા પ્રત્યે સન્માન અને સ્નેહ વિશે વાત કરી હતી. તેમણે ઓડિયન્સને સંબોધન કરતાં ભવન ખાતે તેમની બાળપણની સ્મૃતિઓ વિશે કહ્યું હતું. 42 વર્ષીય અનુષ્કા શંકરે બાળક તરીકે પ્રથમ મુલાકાતમાં ‘એડવેન્ચર્સ ઓફ મોગલી’ નિહાળ્યાનું યાદ કરવા સાથે તેમના પિતા ભારત રત્ન પંડિત રવિ શંકર સાથે ભવનમાં વીતાવેલા સમયની અન્ય ઘટનાઓ પણ યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે ધ ભવન ભારતીય કળાઓ માટે ઘરસમાન બની રહ્યું છે અને કોઈને પણ સંશોધન, શીખવા અને અનુભવ પ્રાપ્ત કરવો હોય તેમણે ધ ભવન આવવું જ રહ્યું. તેઓ 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં માત્ર 15 વર્ષનાં હતાં ત્યારે દિવંગત બીટલ જ્યોર્જ હેરિસન દ્વારા નિર્મિત પ્રસિદ્ધ ‘ચાન્ટ્સ ઓફ ઈન્ડિયા’ આલ્બમ માટે પિતાને સાથ આપવા ભવનના કળાકારો સાથે જુગલબંધી બાંધી હતી.
સબ્યસાચી ગાઉનમાં સજજ અનુષ્કાએ ઈવેન્ટમાં બોલતાં જણાવ્યું હતું કે,‘ ભવનનું મારું સૌથી પ્રાથમિક સ્મરણ મારી માતાનાં નૃત્યગુરુઓ દ્વારા સ્ટેજ પર મોગલીના સાહસોને નિહાળવાનું છે. મારી માતા મને શોમાં સાથે લઈ જતાં હતાં. હું માનું છું કે તે સમયે મારી ઉંમર બે કે ત્રણ વર્ષની આસપાસ હતી. અહીં લંડનમાં રહેવું, પબ્લિક સમક્ષ જવું અને સ્ટેજ પર ‘એડવેન્ચર્સ ઓફ મોગલી’ને નિહાળવું, અને ત્યારે સાપ અને વાઘ અને હાથીઓ પણ હતા. જોકે, તેમાં શક્તિશાળી સંગીત હતું અને તે મારાં અંદર સમાઈ જતું હતું. હું જાણે આ સુંદર કથાથી કોઈ અલગ જ દુનિયામાં પહોંચી જતી હતી.’
તેમણે વધુમાં કહ્યું હતું કે,‘વર્ષો વીતતાં ગયાં ત્યારે હું ભવન ખાતે દંતકથારૂપ મહાન કળાકારોને નિહાળવા માટે આવતી રહેતી હતી. મને યાદ છે કે બાળકો માટે તે કેટલું આવકારદાયી સ્થળ હતું. જ્યારે અમને બેચેની કે અધીરતા લાગતી ત્યારે અમે જઈને હોલવેઝમાં દોડવાં લાગતાં અમારા થાકેલાં પગને આરામ આપવાની અમને છૂટ મળતી પછી અમે પાછાં પણ આવી જતાં. અમે ત્યાં બાળકો તરીકે પણ રહી શકતાં હતાં!
જ્યારે જ્યોર્જ હેરિસન અને મારા પિતા પસંદગીના ભારતીય સંગીતકારો અને ગાયકો સાથે કામ કરવા ઈચ્છતા ત્યારે તેઓ ચોક્કસપણે ભવનને યાદ કરતા - જ્યાં યુકેમાં શિક્ષકો અને કળાકારો મળતા હતા....
હવે હું ફરી લંડનમાં મારા વસવાટની વાત કરું. આ એ જ સ્થળ છે જ્યાં કોઈ મને પૂછે કે હું મારા બાળકને વાંસળી શીખવવા ઈચ્છું છું, કથક શીખવા માટે હું કોઈને ક્યાં મોકલીશ અને હું હંમેશાં ભવનને યાદ કરીશ. હું જેનો વિચાર કરી શકું તેવું આ મારું પ્રથમ ક્રમનું સ્થળ છે. આ અકલ્પનીય રીતે આપણું વિશિષ્ટ સ્થળ છે. અને હું બાળક બનીને અહીં આવતી રહું છું અને એક પુખ્ત વ્યક્તિ તરીકે તેની હું ચોક્કસ પ્રશંસા કરીશ. બાળકો માટે તો તેમના મૂળિયાં, કળા, સંસ્કૃતિ, ગુઢકથાઓ તેમજ ભવન ઓફર કરે છે તેવી તમામ બાબતો પ્રત્યે આવો ખુલાસો મળવો તે ખરેખર સુંદર અને અર્થપૂર્ણ રહે છે.... અને ચોક્કસપણે મારા પિતાની વાત કરીએ તો તેમને ભવન માટે ખૂબ પ્રેમ અને પ્રશંસાની લાગણીઓ હતી. તેઓ ભવન જેના માટે ઉભું છે તે બધા માટે સમર્થન કરતા અને આમ, સંબંધો ચાલતા રહ્યા અને વધુ ગાઢ બનતા રહ્યા....’
‘ભવન - યુકેને ભારત સાથે સાંકળતો સેતુ છે’
ચીફ ગેસ્ટ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી તેમના પત્ની સંગીતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધનમાં પંડિત રવિ શંકર, ગુરુ અને શિષ્ય વચ્ચે અનોખા સંબંધને આદરાંજલિ અર્પી હતી અને આખરમાં ‘જ્યાં કોઈ દ્વિભાજન કે દ્વૈતવાદ નથી’ તેવી ભારતીય સંસ્કૃતિનો જયજયકાર બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ ગત 51 વર્ષમાં ભવનની કામગીરીએ ભારત અને તેની સંસ્કૃતિને સહુ માટે સુલભ બનાવ્યાં છે. યુવાનોની સમગ્ર નવી પેઢીમાં વિશેષ સમજ અને ભારતીય કળા અને સંસ્કૃતિને સમજવાં એટલે શું તેની ઉજવણી કરાવા સાથે તેને વ્યાપક ઓડિયન્સ માટે સુલભ બનાવ્યા છે. હાઈ કમિશનરે જણાવ્યું હતું કે, ‘આ ઘણું બધું કહી જાય છે, ચોક્કસપણે આ દેશ માટે તો વાત કરીએ તો એ છે કે ભારત સાથેની કડી તેની સંસ્કૃતિ મારફત ઉજવાતી રહે છે અને આ બાબત ભવનને અનેક અદ્ભૂત સેતુઓમાં એક બનાવે છે જે યુકેને ભારત સાથે સાંકળે છે.’
આ પછી, નિવાસી ગુરુ શ્રી પ્રકાશ યદાગુડ્ડે દ્વારા શિક્ષિત ભવનના વિદ્યાર્થીઓએ સુંદર ભરતનાટ્યમ પરફોર્મન્સ રજૂ કર્યું હતું.
ધ ભવનના ઉપાધ્યક્ષ ડો. સુરેખા મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નિવાસી ગુરુ કેટરિના રુટે દ્વારા તાલીમબદ્ધ ભવનના વિદ્યાર્થીઓના સુંદર ઓડિસી નૃત્ય સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું. ભવન દ્વારા 1972થી યુકેને તેનું ઘર બનાવાયું ત્યારથી ભવન્સની વાર્ષિક પ્રવૃત્તિઓ અને ઈવેન્ટ્સને દર્શાવતી ટુંકી ફિલ્મના પ્રદર્શન સાથેતે સાંસ્કૃતિક વિભાગનું સમાપન કરાયું હતું.


