ભવનના એક્ઝિ. ડાયરેક્ટર ડો. એમ. એન. નંદાકુમારને માનદ MBE એવોર્ડ

Wednesday 19th April 2023 06:04 EDT
 
 

લંડનઃ ભારતીય વિદ્યા ભવન યુકે સેન્ટરના જાણીતા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ. એન. નંદાકુમારને ભારતીય કળાઓ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં લાંબા સમયથી કાર્ય કરવાની કદર કરી કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા માનદ ‘મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર -MBE’ ઉપાધિથી વિભુષિત કરાયા છે. યુકેમાં ભારતીય ક્લાસિકલ આર્ટ્સની ઉપલબ્ધતા, શિક્ષણ અને પરફોર્મન્સ ક્ષેત્રે સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે તે ડો. એમ. એન. નંદાકુમાર અથવા નંદાજી તરીકે લોકપ્રિયતા ધરાવતા ભવન યુકેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંસ્કૃત ભાષા, સાહિત્ય અને ફિલોસોફીના વિદ્વાન છે અને ડાયસ્પોરા કોમ્યુનિટીઓમાં વેદ અને ભારતીય શાસ્ત્રોના તેમના પ્રચૂર જ્ઞાન બદલ ભારે સન્માનીય છે.

ભવન્સ દ્વારા જણાવાયું છે કે,‘ ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ. એન. નંદાકુમારને શિક્ષણ, પરફોર્મન્સ તેમજ યુકેમાં ભારતીય ક્લાસિકલ આર્ટ્સની ઉપલબ્ધતાની સેવાઓ બદલ માનદ MBE એનાયત કરાવા બદલ અમે રોમાંચ અનુભવીએ છીએ. સમગ્ર ભવનની ટીમ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને તમામ સમર્થકો તેમને આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. અમારા ચેરમેન શ્રી સુભાનુ સક્સેનાએ યોગ્યપણે કહ્યું છે કે, ‘અમારા નંદાજી તેમના ડહાપણ, જ્ઞાન, નમ્રતા અને ભવનને દીર્ઘ આજીવન સેવા માટે જાણીતા છે. આ સન્માન પ્રાપ્ત કરવા માટે નંદાજી કરતાં વધુ અન્ય કોઈ લાયક હોઈ શકે તેમ અમે માનતા નથી.’

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના મટ્ટુર ગામથી આવેલા ડો. નંદાકુમાર લગભગ 40 વર્ષથી ભવન અને તેની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આ વર્ષે લંડનના હાર્દમાં ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર તેની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે તેઓ વિશેષ સ્મરણીય કાર્યક્રમોની શ્રુંખલા પર દેખરેખ રાખી રહ્યા છે. ધ ભવન યુકેની સ્થાપના લંડનમાં 1972માં થઈ હતી અને 1978માં વેસ્ટ કિંગ્સ્ટન ખાતેના વર્તમાન પ્રીમાઈસીસમાં તેનું સ્થળાંતર થયું હતું. કેન્દ્રની મુખ્ય પ્રવૃત્તિઓ ભારતીય શાસ્ત્રીય કળાઓ, યોગ, ભાષાઓ અને સંસ્કૃતિનાં પ્રચાર-પ્રસાર અને શિક્ષણની છે. યુકેમાં એક જ છત હેઠળ વ્યાપક વૈવિધ્ય સાથે પરંપરાગત ભારતીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પૂરી પાડતી એક માત્ર સંસ્થા હોવાનું ગૌરવ તે ધરાવે છે. યુકેમાં ધ ભવન વિવિધ 23થી વધુ વિષયોમાં ક્લાસીસ યોજવામાં અનોખી સંસ્થા છે જે તમામ પ્રકારની કળાઓમાં પારસ્પરિક આદાનપ્રદાનની સુવિધા આપે છે. દર સપ્તાહે આશરે 800 વિદ્યાર્થી ભવન્સમાં પ્રવેશ મેળવે છે.

ડો.નંદાકુમાર ભારતની કળા, સંસ્કૃતિ, અને ફિલોસોફીના અગ્રદૂત તરીકેની ભૂમિકામાં યુકેમાં 100 સૌથી પ્રભાવશાળી એશિયનોમાં એક તરીકે જાણીતા છે. જોકે તેઓ કહે છે કે, ‘હું કન્નડિગા અને ગૌરવશાળી ભારતીય છું.’ કિંગ ચાર્લ્સે વિદેશી નાગરિકોને અપાતા માનદ બ્રિટિશ એવોર્ડ્સ માટે 70 વર્ષીય નંદાકુમારાના નામ પર મંજૂરીની મહોર મારી હતી. ફોરેન, કોમનવેલ્થ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા ગત સપ્તાહે જાહેર કરાયેલા વિદેશી નાગરિકો માટે માનદ બ્રિટિશ એવોર્ડ્સના પસંદગીપાત્ર ગ્રૂપમાં ડો.નંદાકુમારના સન્માનનો સમાવેશ થયો છે અને તેમાં ‘સ્કોટલેન્ડમાં એશિયન કોમ્યુનિટીને સખાવતી સેવાઓ’ બદલ માનદ MBE માટે મૃદુલા ચક્રબોર્તીનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં સંસ્કૃત ભાષા બોલાતી હોય તેવું સૌપ્રથમ ગામ મટ્ટુર કર્ણાટકના શિવમોગા જિલ્લામાં આવેલું છે. આ ગામના મટ્ટુર નંદકુમારએ 45 વર્ષ અગાઉ બેંગલુરુની હાઈ સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે કામગીરી શરૂ કરી ત્યારે તેમને પોતાના વિશે ઊંચી અપેક્ષાઓ ન હતી. તેઓ કહે છે કે, ‘હું માત્ર સારો શિક્ષક બનવા ઈચ્છતો હતો.’ જોકે, આ નમ્ર શિક્ષક માનદ ‘મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર -MBE’ ઉપાધિ પ્રાપ્ત કરવા બદલ સતત સમાચારોમાં ચમકી રહ્યા છે. ડો.નંદાકુમારએ કહ્યું હતું કે,‘ હું 1975માં નોકરીની શોધમાં બેંગલુરુ આવ્યો ત્યારે આટલા મોટા એવોર્ડ માટે મારી પસંદગી કરાશે તેવું સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. આ એવોર્ડ ભારતીય વિદ્યા ભવન (લંડન)ની કામગીરી અને ભારતીય સંસ્કૃતિ અને કળાઓની વૃદ્ધિમાં તેના યોગદાનની કદરરૂપે છે.’

ડો.નંદાકુમારની બેંગલુરુથી લંડન સુધીની યાત્રા પણ રસપ્રદ છે. માયસોર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતની માસ્ટર ડીગ્રી મેળવ્યા પછી તેઓ 1975માં મલ્લેશ્વરમમાં રાઘવેન્દ્ર હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. પરિવારની જવાબદારી હતી ત્યારે આઠ મહિના સુધી પગાર પણ મળ્યો ન હતો. આ સમયે તેમના કાકા મટ્ટુર કૃષ્ણામૂર્થિએ તેમને PhD કરવા અને ભવનના કામમાં તેમને મદદરૂપ થવા લંડન આવવાનું સૂચન કર્યું હતું અને તેઓ તૈયાર થઈ ગયા હતા. તેઓ યુનિવર્સિટી ઓફ લંડનમાં સ્કૂલ ઓફ ઓરિએન્ટ્લ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા હતા. ક્લાસીસ પછી તેઓ ભવનના વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવતા હતા. તેમણે 1995માં ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું અને ભવનનો પણ યુકેમાં ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી સંસ્થા તરીકે વિકાસ થયો હતો.

 

2023 માટે એશિયન નાગરિકોને માનદ્ બ્રિટિશ એવોર્ડ
માનદ OBE

• રવિન્દ્ર લિમયેઃ મેનેજિંગ ડાયરેક્ટર, વોક્હાર્ટ યુકે, આરોગ્ય અને ખાસ કરીને કોવિડ-19ના ગાળામાં સેવા

માનદ MBE

• મૃદુલા ચક્રબોર્તીઃ TUV NEL Ltd ના પ્રિન્સિપાલ એન્જિનીઅર, સ્કોટલેન્ડમાં એશિયન કોમ્યુનિટીની ચેરિટેબલ સેવા

• મટ્ટુર નંદકુમારઃ ધ ભવન, યુકેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, યુકેમાં શિક્ષણ, પરફોર્મન્સ તેમજ ભારતીય ક્લાસિકલ આર્ટ્સની ઉપલબ્ધતાની સેવાઓ

• અજય પિરામલઃ યુકે-ઈન્ડિયા સીઈઓ ફોરમના ઈન્ડિયા કો-ચેર, યુકે-ભારત વેપારી સંબંધોની સેવા

• કિશોર જયરામનઃ પ્રેસિડેન્ટ- રોલ્સ રોયસ ઈન્ડિયા અને સાઉથ એશિયા, આંતરરાષ્ટ્રીય વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રની સેવા

• ડો. વિનોદ જોશીઃ નિવૃત્ત ડેન્ટિસ્ટ અને યુકેમાં માઉથ કેન્સર ફાઉન્ડેશનના સ્થાપક, કેન્સર સામે લડવાની સેવા

• ગુરુસ્વામી કૃષ્ણમૂર્થીઃ પેનલોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વેન્ટિલેટર ચેલેન્જની સેવા

• ડેઈઝી નારાયણનઃ પૂર્વ ડાયરેક્ટર ઓફ અર્બેનિઝમ, સુસ્ટ્રાન્સ, ઈન્ક્લુઝિવ અર્બન પ્લાનિંગ ક્ષેત્રની સેવા

• પરેશ જેઠવાઃ કોમ્યુનિટી રિસ્પોન્સ કિચનના સહસ્થાપક, કોવિડ-19ના ગાળામાં લંડન બરો ઓફ હેન્ડોનની કોમ્યુનિટીની સેવા

• અહમદ શોએબ જાવાદઃ અફઘાનિસ્તાનમાં ઈંગ્લિશ ફોર સિક્યોરિટી એન્ડ ડિફેન્સના બ્રિટિશ કાઉન્સિલ પ્રોજેક્ટના પૂર્વ મેનેજર, ઈંગ્લિશ ભાષાની તાલીમની સેવા

• કાઝુમાસા કુવાહારાઃ ઈન્ટરનેશનલ ન્યુક્લીઅર સર્વિસીસ, જાપાન (INSJના સીનિયર એડવાઈઝર, જાપાનમાં યુકે ન્યુક્લીઅર ઈન્ડસ્ટ્રીની સેવા

• ડો. સારાહ મેઈશ લાયેનેટ્ટોઃ સિંગાપોરમાં બ્રિટિશ કાઉન્સિલમાં આર્ટ્સ અને ક્રીએટિવ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ ડાયરેક્ટર, સિંગાપોરમાં બ્રિટિશ આર્ટ્સ અને સમાવેશિતાની સેવા

માનદ BEM

• સ્મિતા અરાટ્ટુકુલામઃ બ્રિટિશ એમ્બેસી- ઓમાનમાં પૂર્વ વાઈસ કોન્સલ, ઓમાનમાં બ્રિટિશ નાગરિકોની સેવા

• રેશમી કલામઃ વોલન્ટીઅર, મેઈડસ્ટોન કોમ્યુનિટીની કોવિડ-19ના ગાળામાં આપેલી સેવા

• તારસેમ કૌરઃ કોમ્યુનિટી વોલન્ટીઅર, હેન્ડ્સવર્થ, બર્મિંગહામમાં કોમ્યુનિટીની કોવિડ-19ના ગાળામાં આપેલી સેવા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter