લંડનઃ ભવન્સ લંડન દ્વારા 24 અને 25 જાન્યુઆરી 2026ના રોજ વાર્ષિક ફાઉન્ડર‘સ ડે 2026ની ગર્વપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આશ્રયદાતાઓ, સમર્થકો અને પ્રતિષ્ઠિત મહેમાનો એકત્ર થયા હતા. ઉજવણીમાં સંસ્થાની વિરાસત અને યુનાઇટેડ કિંગડમમાં ભારતીય કલા તથા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની સતત પ્રતિબદ્ધતાનું સન્માન કરાયું હતું.
ભવન દ્વારા ભારતીય વિદ્યા ભવનના દૂરદર્શી સ્થાપક કુલપતિ ડો. કે. એમ. મુનશીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમના વ્યાપક આદર્શો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા આજે પણ સંસ્થાના મિશન અને વારસાને માર્ગદર્શન આપે છે. ભવન લંડનના સ્થાપક ડાયરેક્ટર મથૂર કૃષ્ણમૂર્તિ પ્રત્યે પણ અમૂલ્ય યોગદાન માટે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
શનિવાર, 24 જાન્યુઆરીએ નેહરુ સેન્ટરના ડાયરેક્ટર અને યુનાઇટેડ કિંગડમમાં ભારતીય હાઇ કમિશનના મિનિસ્ટર (કલ્ચર) નાઓરેમ સિંહ તેમજ રવિવાર, 25 જાન્યુઆરીએ યુનિવર્સિટી ઓફ લંડન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેર મિસ કવિતા રેડ્ડી મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહ્યાં હતાં. બંને પ્રતિષ્ઠિત અતિથિઓએ પ્રેરણાદાયી અને વિચારશીલ સંબોધનમાં ભવનને શાસ્ત્રીય કલાઓના શિક્ષણ અને સાંસ્કૃતિક સમૃદ્ધિના અગ્રણી કેન્દ્ર તરીકેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવા સાથે અધ્યાપકોની સમર્પિતતા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને પેઢીઓ સુધી કલાત્મક ઉત્કૃષ્ટતાને પોષવામાં સંસ્થાના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મુખ્ય અતિથિઓ દ્વારા યોગ્ય ડિપ્લોમા અને પોસ્ટ-ડિપ્લોમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવાનું હતું. બે દિવસના કાર્યક્રમમાં ભવનના તમામ મુખ્ય વિભાગો- ભરતનાટ્યમ, કથક, કુચિપુડી, ઓડિસ્સી, હિન્દુસ્તાની, કર્ણાટક અને બંગાળી વોકલ સંગીત, વાદ્ય સંગીતમાં વાંસળી, વીણા, વાયોલિન, તાલવાદ્યમાં મૃદંગમ અને તબલા, ભાષા વિભાગોમાંથી બંગાળી, સંસ્કૃત અને હિન્દીના પરફોર્મન્સિસ પ્રસ્તુત કરાયાં હતાં. દરેક પરફોર્મન્સિસ માં કઠોર તાલીમ, કલાત્મક પરિપક્વતા અને ભવનમાં વિકસાવાયેલા ઊંડા જ્ઞાનની ઝલક જોવા મળી હતી. વરિષ્ઠ વિદ્યાર્થીઓએ અદ્યતન રચનાઓ રજૂ કરી, જ્યારે નાના બાળકોએ મજબૂત પાયાનું કોશલ્ય દર્શાવ્યું હતું.
કાર્યક્રમના સમાપને ભવન UKના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEએ મુખ્ય અતિથિઓ તથા અવિરત પ્રતિબદ્ધતા થકી ભવનના મિશનને સફળ બનાવનારા કેન્ડિડા કોનોલી, શશી વેકરિયા અને વિનોદ ઠકરાર સહિત એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વોલન્ટીઅર્સ, પેરન્ટ્સ, સમર્થકો, સ્પોન્સર્સ, ફંડર્સ અને વ્યાપક સમુદાય પ્રતિ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ફાઉન્ડર‘સ ડે 2026 થકી ભારતીય કલાઓને જાળવવા, પ્રોત્સાહન આપવા અને ઉજવવાની ભવનની ચિરસ્થાયી પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરાઈ હતી, જે યુકેમાં જીવંત સાંસ્કૃતિક સમુદાયનું નિર્માણ કરવા સાથે આગામી પેઢીના કલાકારોને સશક્ત બનાવે છે.


