ભવન્સ દ્વારા ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી

ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ બંધારણના મહત્ત્વ, નાગરિકોની ફરજ અને અધિકારો વિશે જણાવ્યું

Wednesday 15th February 2023 04:29 EST
 
 

લંડનઃ ધ ભવન, લંડન દ્વારા ગુરુવાર 9 ફેબ્રુઆરી, 2023ના રોજ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ અતિથિવિશેષ-ચીફ ગેસ્ટ તરીકે ખાસ હાજરી આપી હતી.

એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એન.એમ. નંદકુમારા દ્વારા પરંપરાગત સંસ્કૃત પ્રાર્થના સાથે સમારંભનો આરંભ કરાયો હતો અને ચેરમેન શ્રી સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે વર્તમાન વિશ્વમાં નેતૃત્વના મહત્ત્વ અને ગુણવત્તા વિશે વાત કરવા સાથે એકતા સ્થાપતા નેતૃત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય શાસ્ત્રીય કળાઓ આ મૂલ્યોનું સર્જન અને સંવર્ધન કરે છે અને કોમ્યુનિટીઓને સાથે લાવવામાં કેવી રીતે મદદ કરે છે તેની પણ વાત કરી હતી. શ્રી સક્સેનાએ હાઈ કમિશનર સાથે પાર્ટનરશિપને હાઈલાઈટ કરવા સાથે તેમને ભવનના પેટ્રન બનવા વિનંતી કરી હતી અને હાઈ કમિશનરે શિષ્ટાચારપૂર્વક તેનો સ્વીકાર કર્યો હતો. સુભાનુજીએ હેમરસ્મિથના કાઉન્સિલર્સનો પણ આભાર માન્યો હતો.

લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર અને ભવનના પેટ્રન લોર્ડ ધોળકીઆ OBE PCએ ભવનનો ઈતિહાસ જણાવવા સાથે યુકેમાં આપણી સંસ્કૃતિની ઓળખ આપનારી પ્રથમ સંસ્થાઓમાં એક બની રહી તેના વિશે જણાવ્યું હતું. તેમણે આ દેશ અને ભારત માટે બિનનિવાસી ભારતીયો (NRIs)ના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રિપબ્લિક બન્યા પછી ભારતે વિકાસની હરણફાળો ભરી છે અને હવે વૈશ્વિક યોગદાન કરી રહ્યું છે. અન્ય તમામ વક્તાઓની માફક તેમણે પણ ભારત પ્રતિ પોતાનો અન્ન્ય પ્રેમ વ્યક્ત કર્યો હતો.

સાંસદ શ્રી વિરેન્દ્ર શર્મા પોતાના સંબોધનમાં ભારતીય બંધારણ પર પ્રકાશ પાડ્યો હતો અને સૌપ્રથમ બંધારણ લખાયા પછીના દાયકાઓમાં દેશ દ્વારા તેનું સન્માન કરાયું છે તે જણાવવા સાથે બંધારણની કેટલીક લાઈન્સ પણ કહી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિ અને ઉપદેશોની સુંદરતા તેમજ આજે પણ મજબૂત રહેલી આપણી પ્રાચીન પરંપરાઓના અર્ક વિશે પ્રકાશ પાથર્યો હતો.

હેમરસ્મિથ એન્ડ ફૂલહામના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ડેરીલ બ્રાઉને હેમરસ્મિથ એન્ડ ફૂલહામ બરોની ધ ભવન સાથે સાતત્યપૂર્ણ મિત્રતાનો આનંદ દર્શાવી યુકેમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારના અતુલનીય કાર્યની ધ ભવનની પ્રવૃત્તિઓમાં સપોર્ટ આપતા રહેવાનું વચન આપ્યું હતું.

કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર અને હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ તેમના વક્તવ્યમાં રિપબ્લિક ડે અને બંધારણના મહત્ત્વની વાત કરવા સાથે નાગરિકોની ફરજો અને અધિકારો વિશે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતે આઝાદી મેળવી અને પ્રજાસત્તાક બન્યું તે ગાળામાં સરેરાશ આયુષ્યમર્યાદા 32 વર્ષ હતી, સાક્ષરતા દર 23 ટકા હતો અને વિવિધ રોગો સામાન્ય હતા. ભારત અતિ વિશાળ દેશ છે અને તેમાં જીવન જાળવવું કઠણ હોવાની માન્યતા પ્રવર્તતી હતી. પ્રજાસત્તાક દિનનું વિશેષ મહત્ત્વ છે કારણકે આ દિવસે આપણે પોતાને વહીવટ કરવાનો અધિકાર સુપરત કર્યો હતો અને તે પછી આપણે ઘણી મહાન હરણફાળો ભરી છે. આ દિવસે સ્થાપિત કર્યું છે કે ભારતમાં સાચી સત્તા તેના નાગરિકો ધરાવે છે. ભારતે ટેકનોલોજી, મેડિસિન, આર્ટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. તેમણે યુકેમાં મેગ્ના કાર્ટા વિશે પણ સંક્ષિપ્તમાં જણાવ્યું હતું.

હાઈ કમિશનરે સારા નાગરિકના મુખ્ય ગુણ – સચ્ચાઈ,ન્યાય, આદર અને સમાજમાં સક્રિય ભાગીદારીની વાત કરી હતી. ભારતીય પરંપરામાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના અંતર્સ્થાપિત છે અને તેમાં માત્ર લોકોની નહિ પરંતુ, પર્યાવરણની સુરક્ષાના આપણા પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ભારતમાં આપણે જીવનના વિવિધ પાસાઓ અને વિશ્વ વચ્ચે સુંદર સમતુલા સાધીએ છીએ. યુકેમાં 32 મિલિયન ભારતીયો યુકેના ગર્વશાળી નાગરિકો છે જેઓ તેમના વારસા અને તેમના મૂળિયાં વિશે પણ ગૌરવ ધરાવે છે.

હાઈ કમિશનર દોરાઈસ્વામીએ ઋગ્વેદનો એક શ્લોક ‘એકમ સત વિપ્રા બહુધા વદન્તિ’ને ટાંક્યો હતો જેનો અર્થ એ થાય છે કે એક અનંત સત્ય પાસે સમજ-જ્ઞાનના વિવિધ માર્ગો થકી પહોંચી શકાય છે. માનવતા પ્રેમ અને સમજણના ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે અને આપણે વિશ્વને બહેતર સ્થળ કેવી રીતે બનાવી શકીએ તેના વિશે સતત વિચારતા રહેવું જોઈએ. તેમણે યુકેમાં ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ બની રહેવા બદલ ધ ભવનને અભિનંદન પાઠવ્યા હતા.

ધ ભવનના ઉપાધ્યક્ષ ડો. સુરેખા મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે વર્ષો દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ અને વિશ્વમાં સૌથી મોટા ડિજિટલ માર્કેટ બનવા, સૌથી વધુ કોવિડ વેક્સિનની ડિલિવરી તેમજ સમાજના વિવિધ વિભાગોને પ્રતિનિધિત્વ અને વૈવિધ્યતાને સતત અપાયેલા મહત્ત્વ સહિત ભારતની અતુલનીય સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. ભવન વિશે તેમણે ભારતની બહાર આવી વિશાળ સંસ્થા હોવા બાબતે ગર્વ પ્રદર્શિત કર્યો હતો.

હિન્દુજા ગ્રૂપના શ્રી ગોપીચંદ હિન્દુજા, બ્રિગેડિયર વિક્રમજિત સિંહ ગિલ ( હાઈ કમિશન ઓફ ઈન્ડિયામાં ડિફેન્સ અને મિલિટરી એડવાઈઝર) અને ચેલ્લારામ ફાઉન્ડેશનના મુરલી રામદોસ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિનો અમને આનંદ થયો હતો. સંબોધનો પછી ભવનના સંગીત અને નૃત્યના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સીસ રજૂ કરાયા હતા. આપણા રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter