ભવેન પાઠકને MBE એનાયતઃ બિઝનેસ અને હિન્દુઈઝમની સેવા

Wednesday 06th January 2021 07:03 EST
 
 

લંડનઃ બિઝનેસ અને બ્રિટિશ હિન્દુઈઝમની સેવા કરવા બદલ ૨૦૨૧ના ક્વીન્સ ન્યૂ યર્સ ઓનર્સ લિસ્ટમાં ભવેન પાઠકને MBE એનાયત કરવાની જાહેરાત કરાઈ છે. ભવેન પાઠક યુકે ચેરિટી યોગ ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી છે અને કેનોપિયસ ગ્રૂપમાં મર્જર્સ એન્ડ એક્વિઝીશન્સના વડા છે.

મહારાણી દ્વારા MBEની નવાજેશના સમાચાર સાંભળી ભવેન પાઠકે જણાવ્યું હતું કે,‘ આ સન્માન મળવાથી હું ઘણી વિનમ્રતા સાથે આનંદ અનુભવું છું. આ પળે મારી દિવંગત માતાને યાદ કરીશ કે જેમની સમર્પિત ‘સેવા’ના જીવંત ઉદાહરણે મને મારા કાર્યના સ્થળે અને કોમ્યુનિટીમાં પ્રેરણા પૂરી પાડી છે. યોગ ફાઉન્ડેશન અને તેની નોંધપાત્ર ટીમ પરંપરાગત ખ્યાલોને અર્થસભર શૈક્ષણિક, આરોગ્યસંભાળ અને ગરીબીનિવારણ રાહતકાર્યોમાં રુપાંતરિત કરવા સતત કાર્યશીલ રહે છે. અમે તો યુવાનો દ્વારા સંચાલિત બ્રિટિશ હિન્દુ પ્રોજેક્ટનું એક ઉદાહરણ છીએ જેનાથી ધાર્મિક પશ્ચાદભૂ કે જોડાણને ધ્યાનમાં લીધા વિના હજારો લોકોને લાભ મળે છે. આપણા સમાજમાં પોતાનો અવાજ ઉભો કરવા બ્રિટિસ હિન્દુઓએ ઘણા અવરોધો પાર કર્યા છે અને હજુ ઘણું અંતર કાપવાનું છે.’

ભવેન પાઠક સિંગલ પેરન્ટ પરિવાર અને ગરીબીમાં ઉછર્યા છે જેઓ આજે સિટીમાં સફળ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ છે. હિન્દુ શાસ્ત્રોનું ઉંડું જ્ઞાન ધરાવતા ભવેન પાઠક ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓ અસ્ખલિતપણે બોલી શકે છે. તેમણે યુકેમાં મંદિરોની સ્થાપનામાં મદદ કરી છે અને BBC Radio 2 ના ‘પોઝ ફોર થોટ’ સીરિઝના નિયમિત કન્ટ્રિબ્યુટર છે. ત્રણ સંતાનોના પિતા અને પૂજાબહેનના પતિ ભવેન બી.એસસી (ઓનર્સ), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને એક્ઝિક્યુટિવ MBA ની ડીગ્રીઓ ધરાવે છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના મહાઆચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, લંડનના નેહરુ સેન્ટરના ડાયરેક્ટર અને પ્રખ્યાત લેખક અમીશ ત્રિપાઠી, વેદાંતા રિસોર્સીસના ચેરમેન અનિલ અગ્રવાલ, યોગ ફાઉન્ડેશનના સીઈઓ ચેતન હાલાઈ તેમજ ફેઈથ ઈન લીડરશિપના ડાયરેક્ટર ક્રિસ રાવલ સહિતના મહાનુભાવોએ ભવેન પાઠકને શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter