લંડનઃ ભાડૂતોના સ્વાંગમાં આવેલા ચોરો થોડા દિવસ માટે ૫૪ વર્ષીય બિઝનેસવુમન અંજલિ ભૂર્તનની ૨ મિલિયન પાઉન્ડની પ્રોપર્ટી ભાડે રાખીને તેમાંથી બેડ, મિરર અને વાઈન ચીલર કેબિનેટ સહિતનું લગભગ તમામ ફર્નિચર અને મોંઘી ચીજવસ્તુઓ ઉઠાવી ગયા હતા.
આ મહિલાએ નોર્થ લંડનના એજવેરમાં આવેલા અગાઉના કેર હોમને ધનવાન મુલાકાતીઓ માટે છ બેડરૂમની લક્ઝુરીયસ પ્રોપર્ટીમાં ફેરવવા માટે પોતાની જીવનભરની બચત ખર્ચી નાખી હતી. તેને તૈયાર કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.
આ પ્રોપર્ટીનું કામ ગયા જુલાઈમાં પૂરું થયું હતું અને ૭ સપ્ટેમ્બરે એક ઓનલાઈન બુકિંગ એજન્સી દ્વારા તેમને જણાવાયું હતું કે તેમની પાસે એક ગેસ્ટ છે જે પ્રોપર્ટીમાં દસ દિવસ રહેવા માગે છે અને રોજના ૨,૫૦૦ પાઉન્ડ ચૂકવવા તૈયાર છે. પાંચ દિવસ બાદ ભૂર્તનના મિત્રે તે મકાન પાસેના રસ્તા પર ઈલેક્ટ્રિક ગેટ્સથી સુરક્ષિત વાહનોનો કાફલો જોયો. તેમણે તેમાં આ મકાનનું ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ભરવામાં આવતી જોઈ હતી.