લંડનઃ માર્ચની ૨૦ તારીખથી The Homes (Fitness for Human Habitation) એક્ટ અમલમાં આવી રહ્યો છે, જે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભાડે અપાતાં મકાનોની ખરાબ અને બિનસ્વાસ્થ્યપ્રદ હાલત અંગે મકાનમાલિકો સામે ભાડૂતોને કાનૂની કાર્યવાહીનો અધિકાર આપશે. નવાં નિયમો મકાનમાલિકોને અતિશય ઠંડા અથવા ભેજવાળા મકાનોમાં સમારકામ કરાવવાની ફરજ પાડશે તેવી આશા સેવાય છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભાડે અપાયેલી પ્રોપર્ટી ચોક્કસ ધોરણોનું પાલન કરતી ન હોય તેવી સ્થિતિમાં ભાડૂતો તેમના લેન્ડલોર્ડ્સને કોર્ટમાં લઈ જઈ શકે તેવી જોગવાઈ ધરાવતો The Homes (Fitness for Human Habitation) કાયદો ૨૦ માર્ચથી અમલમાં આવી રહ્યો છે. હોમલેસ ચેરિટી શેલ્ટરના જણાવ્યા મુજબ અત્યારે આરોગ્ય અને સલામતીને ગંભીર જોખમો સાથે લગભગ ૧૦ લાખ મકાનો ભાડે અપાયેલાં છે, જેની ખરાબ અસર ૨.૫ મિલિયન લોકોને થાય છે. નવા નિયમો સમસ્યાને સુધારવા કે સમારકામ કરાવવાની મકાનમાલિકોને ફરજ પાડશે તેવી આશા છે.
કાયદો અમલમાં આવે ત્યારે મકાનમાલિકો અયોગ્ય મકાનોમાં સુધારા કે સમારકામ ન કરાવે તો સાત વર્ષ કરતા ઓછાં સમયથી ભાડે રહેતા ભાડૂતો તેમને કોર્ટમાં લઈ જવાનો અધિકાર મેળવશે. કોર્ટ પાસે મકાનમાલિક વિરુદ્ધ આદેશ આપવાની સત્તા હશે, જેનાથી તેમને સમારકામ કરવાની ફરજ પડશે.
સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ભાડે આપનારા માટે અલગ કાયદા છે. ભાડે અપાયેલી પ્રોપર્ટીમાં રિપેરિંગની તાતી જરૂરિયાત ન હોય, સ્થિરતા હોય, ભેજમુક્ત, આંતરિક વ્યવસ્થા, કુદરતી પ્રકાશ, વેન્ટિલેશન, વોટર સપ્લાય, ખોરાક તૈયાર કરવા અને રાંધવાની સુવિધા, નકામ પાણીના નિકાલની સુવિધા, ડ્રેનેજ અને સેનિટરી વ્યવસ્થા સારી હોય તે જરૂરી છે. આ વિશે ગંભીર સમસ્યા હોય તેવી પ્રોપર્ટી રહેવા માટે યોગ્ય ગણી ન શકાય. લેન્ડલોર્ડ એસોસિયેશનોને હાલ સલાહ અપાય છે કે ભાડૂતોનાં આરોગ્ય, સલામતી કે સુરક્ષાને નોંધપાત્ર જોખમ હોય તો સમસ્યાનો ૨૪ કલાકમાં નિકાલ લાવવો જોઈએ. આ પછી તેમને સમસ્યાના નિકાલ માટે કામકાજના ત્રણ દિવસ અને તાકીદના ન હોય તેવા સમારકામ માટે ૨૮ દિવસ સુધીનો સમય અપાય છે.


