ભારત દેશનો મહાન પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઉદય

મારી નજરે -- પ્રજાસત્તાક પર્વવિશેષ

સી.બી. પટેલ Wednesday 28th January 2026 06:58 EST
 
 

26 જાન્યુઆરી એ સ્વતંત્ર રાષ્ટ્ર માટે બંધારણ સભા દ્વારા વિશેષ રીતે ઘડવામાં આવેલાં ભારતીય બંધારણને સત્તાવારપણે અપનાવવાની તારીખ છે. આ બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. બી. આર. આંબેડકર જેવા બહુશ્રુત,જ્ઞાની વિદ્વાનની દૂરદર્શીતા અને નિપુણતાએ તેને આકાર આપ્યો હતો. 1950માં નવા બંધારણ થકી 1935નો ઈન્ડિયા એક્ટ બદલાયો હતો. ત્યારબાદ 26જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી અને તેને ગણતંત્ર દિવસ તરીકે નિશ્ચિત કરવામાં આવ્યો. આ બંધારણે ભારતીય નાગરિકોને પોતાની સરકાર ચૂંટીને પસંદ કરવાની સત્તા આપી હતી. આ સાથે લોકશાહીનો મક્કમ પાયો નખાયો હતો.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે.
સંસ્મરણોનીની કુંજગલીમાં લટાર

આજે હું 26 જાન્યુઆરી 1950ના મારા સંસ્મરણો વાગોળી રહ્યો છું, જેને તમારા સહુ સાથે વહેંચીશ. ભારત જે દિવસે ગણતંત્ર બન્યું. તે સમયે હું ગુજરાતના ભાદરણની શાળામાં પરત ફર્યો હતો. અગાઉ અનેક જગ્યાએ પ્રાથમિક અને મધ્યમ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને સદ્ભાગ્યે હું ચોથા ધોરણમાં હતો, જ્યાં અમે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી હતી. આ દિવસે અમારા હેડમાસ્ટરે જાહેરાત કરી હતી કે આજે ભારત રિપબ્લિક – પ્રજાસત્તાક દેશ બનશે. બાર વર્ષના બાળક માટે આનું મહત્ત્વ સમજવું મુશ્કેલ હતું, જોકે, મારા પરિવારને સ્વતંત્રતા આંદોલન અને ગાંધીજીના વારસાની ઊંડી સમજ હતી.

હેડમાસ્ટરે એમ પણ કહ્યું કે ભારતભરના દરેક વિદ્યાર્થીને બે આના ભેટ તરીકે મળશે. મિત્રો, તમારામાંથી મોટા ભાગનાને બે આના શું તેની જાણકારી નહિ હોય, કારણકે તમારો જન્મ દશાંશ ચલણ પછી થયો હતો. બે આના એટલે એક રૂપિયાનો આઠમો ભાગ હતો. 1950માં ભાદરણમાં બે આનાથી અડધો પાઉન્ડ દૂધ ખરીદી શકાતું. ચારથી પાંચ રૂપિયામાં એક પાઉન્ડ ઘી મળી શકતું અને એક તોલા સોનું આશરે 110 રૂપિયામાં મળતું હતું. રોજના બે-ત્રણ રૂપિયા કમાતા મહેનતકશ પરિવારો માટે તો બે આના મોટી મોંઘેરી રકમ હતી. અમારા શિક્ષકે અમને સિક્કા આપ્યા અને પ્રજાસત્તાકના આપણા નવા દરજ્જા તરીકે ઉજવણી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મોટા ભાગના બાળકો મીઠાઈની દુકાનો તરફ દોડ્યા, ભાદરણમાં તેની ચાર-પાંચ દુકાનો હતી. બે આનાથી થોડીક જલેબી કે અન્ય ભારતીય મીઠાઈ ખરીદી શકાતી હતી. કેટલાકે ફુગ્ગા ખરીદ્યા, કેટલાકે ગુલાબજાંબુ અને પેંડા જેવી મીઠાઈઓ ખરીદી. મેં મારા બે આના મારી માતાને આવાનું પસંદ કર્યું, કારણ કે મને અમારા પરિવારના આર્થિક સંઘર્ષ વિશે ખબર હતી. પરંતુ મારી માતાએ મને આ રકમ મારી પાસે જ રાખવા અને મારી ઈચ્છાનુસાર તેના ઉપયોગથી ઉજવણી કરવા જણાવ્યું હતું. તેમણે આ પ્રસંગે ઘર માટે કંસાર જેવી ખાસ વાનગી બનાવવાનો નિર્ણય કરી જ લીધો હતો.

આથી, અમારા મોહલ્લાના થોડા બાળકોએ પ્રજાસત્તાક દિવસને ઉજવવા તોરણ, એક માળા બનાવવાનું નક્કી કર્યું. અમે અમારા મંદિર પાસેના આસોપાલવના વૃક્ષમાંથી પાંદડાં એકઠા કર્યા અને મારા બે આનામાંથી શણની મજબૂત દોરી ખરીદી. અમે સાથે મળીને તોરણ બનાવ્યું અને આસપાસ સજાવટ કરી, ગર્વ સાથે આ પાવન પ્રસંગને મનાવ્યો.

ભારતની ચિરસ્થાયી તાકાત
77 વર્ષ પછી પાછળની તરફ નજર કરીએ તો મને ઘણું ઘણું ઉજવવા જેવું લાગે છે. ભારતે અનેક પડકારો, કટોકટી, યુદ્ધો, કુદરતી અને માનવસર્જિત આફતો, કરુણાન્તિકાઓ–જેમ કે કચ્છનો વિનાશક ભૂકંપનો સામનો કર્યો છે, પરંતુ હંમેશાં સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આજે 26 જાન્યુઆરીએ 2001ના ભુજ અને સૌરાષ્ટ્ર ધરતીકંપની પણ વર્ષગાંઠ યાદ કરીએ છીએ, જેણે 20,000થી વધુ લોકોના જીવ લીધા અને આશરે 150,000ને ઈજાગ્રસ્ત કર્યા હતા. સમુદાયો એકસંપ થયા, સહાય ઝડપથી એકત્ર થઈ અને સૌથી મુશ્કેલ સમયગાળામાં પણ બચાવ-રાહતકાર્યો હાથ ધરાયા હતા અને ફરી પાછા ઉભા થઈ રહ્યા. વિદેશમાં રહેતા ભારતીય ડાયસ્પોરાએ પણ હજારો પાઉન્ડ એકત્ર કરીને મદદ કરી સહકાર આપ્યો હતો.
ભારતનો ઇતિહાસ શાંતિપૂર્ણ નિર્ણાયકતા, પડોશીઓ સાથે મિત્રાચારીથી ભરપૂર છે. વિસ્તારવાદી સત્તાઓથી વિપરીત, ભારતે પડોશીઓ પ્રત્યે ભાગ્યે જ આક્રમકતા દાખવી છે. આજે પડકારો અને સમસ્યાઓ હોવાં છતાં, ભારત એક નિર્ભીક અને મક્કમ મધ્ય શક્તિ તરીકે ઊભું છે. આપણી લોકશાહી– તેના નિયંત્રણો અને સંતુલન સાથે – 1975ની કટોકટી જેવા મુશ્કેલ સમયમાં પણ ટકી રહી છે. નેતાઓ તો આવતા અને જતા રહે છે, પરંતુ રાષ્ટ્રની ભાવના મજબૂત રહી છે.

સંસ્કૃતિ, ભાષા અને વિચારધારાના તફાવતો હોવાં છતાં એક અનોખી ભારતીય ઓળખ – પુષ્પમાળામાં ગુંથાયેલા ફૂલોની માફક એક મોટા સમગ્રનો ભાગ બનવાની ઇચ્છા છે. આજનો દિવસ સદીઓથી આત્મનિર્ણય માટે લડનારા તમામને યાદ કરવાનો દિવસ છે. અર્થતંત્ર, શિક્ષણ, વિજ્ઞાન અને સંરક્ષણમાં ભારતની પ્રગતિ અદ્ભુત છે અને આપણી લોકશાહી – અપૂર્ણ હોવા છતાં, અન્ય અનેકની સરખામણીએ ખૂબ મજબૂત-સ્વસ્થ છે.

2024ની લોકસભા ચૂંટણીઓ જેવી તાજેતરની રાજકીય ઘટનાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વાટાઘાટ અને સંતુલનનું મહત્ત્વ ફરીથી સ્થાપિત કર્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાંથી મળેલી માન્યતા ભારતની વધતી પ્રતિષ્ઠાને દર્શાવે છે. એક પ્રકાશન તરીકે ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અડગ છે અને સમાચારો અને મંતવ્યોને સહભાગી બનાવવાની ભૂમિકા ઉમદા છે.

સ્વતંત્રતા આંદોલનમાં નેતૃત્વનું મહત્ત્વ
સ્વતંત્રતા આંદોલનના નેતાઓ– ગોપાલ કૃષ્ણ ગોખલે, બી. આર. આંબેડકર, જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ અને અનેક અન્ય નેતાઓની શક્તિ અને વિઝનનું સ્મરણ કરવામાં મને ગર્વ થાય છે. ગાંધીજીની ગુજરાતના પોરબંદરથી લંડન સુધીની સફર, તેમના સંઘર્ષ અને પરિવર્તન તેમજ સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહનો વિકાસ, આ બધાએ જ ભારતના સ્વતંત્રતા હાંસલ કરવાના માર્ગને આકાર આપ્યો હતો.
1950માં ભારતમાં બધું જ આયાત કરવામાં આવતું હતું, પરંતુ આજે દેશ એન્જિનિઅરીંગ, ટેક્નોલોજી અને ફાઈનાન્સિયલ સેવાઓનું પાવરહાઉસ છે. શાંતિપૂર્ણ પ્રતિકાર અને સહનશીલતાની ભાવના ટકી રહી છે અને મને આ યાત્રાનો ભાગ બની રહેવાની ખુશી અને ગર્વ અનુભવાય છે.

ભારતના મૂલ્યો, સિદ્ધિઓ અને અનુકૂલનની ક્ષમતા દરેક સ્તરે -રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વ્યક્તિગત સ્તરે દેખાઈ આવે છે. 1970ના દાયકામાં ઇન્દિરા ગાંધીના સમયે ઇમરજન્સીના ગાળા દરમિયાન પણ લોકો સહનશીલ-સ્થિતિસ્થાપક રહ્યા હતા. દેશ નવી મુંબઈમાં નવું એરપોર્ટ અને ઔદ્યોગિક રોકાણ જેવા મોટા પ્રોજેક્ટ્સ સાથે ઝડપથી વિકાસ સાધી રહ્યો છે.

ગયા વર્ષના મધ્યથી ભારતે ત્રણ– બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઓમાન સાથે વેપાર કરાર કર્યા છે. ધ ઇકોનોમિસ્ટના તાજેતરના અંક મુજબ ભારત પોતાના મોટા પડોશી ચીન સાથે આર્થિક સંબંધ સુધારવા કામ કરી રહ્યું છે. 2020ના સરહદી સંઘર્ષ બાદ સંબંધોમાં રુકાવટ પછી, વડા પ્રધાન મોદીએ ગત વર્ષે ચીનમાં શી જિનપિંગ સાથે મુલાકાત કરી, જે સાત વર્ષમાં પ્રથમ આવી મુલાકાત હતી.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ EU નેતાઓ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. અમેરિકા સાથે વર્તમાન ટેરિફ વિવાદ મધ્યે નવી દિલ્હી અને બ્રસેલ્સ બંનેને વિશ્વસનીય- આધારભૂત વેપાર ભાગીદારીઓની તલાશ છે અને ભારત સારી સ્થિતિમાં જણાય છે. કેનેડા સાથે પણ વેપાર વાટાઘાટ શરૂ થવાની છે. આ ઉપરાંત, દેશ વિદેશી કંપનીઓને વીમા અને ન્યુક્લિયર પાવર ક્ષેત્રોમાં વધુ પ્રવેશ આપવાની યોજના ધરાવે છે.
આમ, ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રનું ભવિષ્ય અત્યંત આશાસ્પદ લાગે છે!
જય હિંદ! જય ભારત!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter