ભારત પર્વમાં કેન્દ્રસ્થાને રહેલી ભારત-યુકેની ક્રીએટિવ પાર્ટનરશિપ

Wednesday 17th December 2025 05:10 EST
 
 

લંડનઃ ક્રીએટિવ સેક્ટરમાં ભારત-યુકેની વધી રહેલી પાર્ટનરશિપ લંડનમાં વિશેષ ભારત પર્વમાં કેન્દ્રસ્થાને રહી હતી જ્યાં મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના તમામ સ્તરે સહકારની બહોળી તક છે. ફોકસ લંડન કોન્ફરન્સમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈન્મેન્ટ સમિટ (WAVES) વેવ્ઝ બાઝારની હાજરી સાથે ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત ઈવેન્ટમાં ગ્લોબલ ઈનિશિયેટિવ ક્રીએટ ઈન ઈન્ડિયા ચેલેન્જ (CIC)ના વિજેતાઓએ સંગીત અને નૃત્યના પરફોર્મન્સીસ આપ્યા હતા. ‘ભારત પર્વઃ કનેક્ટિંગ ક્રીએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ’ના થીમ હેઠળ સમગ્ર ભારતના સાંસ્કૃતિક પરફોર્મન્સીસ રજૂ કરાયા હતા.

ભારતીય હાઈ કમિશને FOCUS 2025 માં WAVES બાઝાર અને ઈન્ડિયા સિને હબની હાજરી નોંધતા જણાવ્યું હતું કે તેમના પાર્ટિસિપેશનથી સ્ક્રીન સ્ટોરી ટેલિંગના ભાવિ વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી. WAVES બાઝાર થકી લંડનમાં ભારતની સર્જનાત્મક ઊર્જાનો પ્રકાશ પથરાયો હોવાનું પણ કમિશને જણાવ્યું હતું. દરમિયાન, WAVES ઈન્ડિયા રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ ગ્લોબલ સ્ટોરીટેલિંગમાં ભારતના વધતા પ્રભાવને ઉજવવા એકત્ર થયા હતા. હાઈ કમિશને જોશપૂર્ણ ઈન્ડિયા-યુકે સહકારને હાઈલાઈટ કર્યો હતો જ્યારે ડેપ્યુટી ભારતીય હાઈ કમિશનર કાર્તિક પાંડેએ દેશને ગ્લોબલ ફિલ્મિંગ ડેસ્ટિનેશન તરીકે દર્શાવતા ભારત અને રાજ્યોના પેવેલિયન્સની મુલાકાત લીધી હતી. આ સંપર્કોએ દર્શાવ્યું હતું કે ભારત-યુકે સંબંધો મજબૂત, બહુપરિમાણીય અને પરસ્પર લાભદાયી પાર્ટનરશિપમાં ફેરવાયા છે. આ વર્ષની શરૂઆતમાં મુંબઈ ખાતે યુકેના કલ્ચરલ સેક્રેટરી લિસા નાંદીની રાહબરીમાં યુકેની મજબૂત હાજરી જોવા મળી હતી અને વેવ્ઝ બાઝાર આ સંપર્કોને ગાઢ બનાવવા લંડન આવી પહોંચ્યું છે.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે આ ઈવેન્ટ ઈન્ડિયા -યુકે પાર્ટનરશિપમાં સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્તંભને મજબૂત કરવામાં આપણી સક્ષમતાનો ટેસ્ટ છે. તેમણે નોંધ્યું હતું કે બંને દેશોએ ઐતિહાસિક રીતે શિક્ષણ, સંસ્કૃતિ અને ટેકનોલોજીમાં સહકાર સાધ્યો જ છે ત્યારે આ સંબંધ આપમેળે જ ઉદ્ભવ્યો છે. ભારતની વધી રહેલી સર્જનાત્મક એનર્જીને હાઈલાઈટ કરતા દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે પ્રતિભાઓને વિકસવામાં ભૌતિક અને આર્થિક સ્પેસના અભાવમાં પડકારો રહેલા છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે યુકે પ્રતિભાના વિકાસ, બ્રાન્ડિંગ અને પેકેજિંગ ક્રીએટિવ ઈન્ડસ્ટ્રીમાં તેના ‘મેજિક સોસ’ કૌશલ્યને લાવી શકે છે, જેનાથી બંને દેશોમાં નોકરીઓ, નવા કન્ટેન્ટ અને વૈશ્વિક પ્રભાવનું સર્જન થશે. તેમણે ઉમેર્યું હતું કે WAVES જેવા ઈનિશિયેટિવ્ઝ થીએટર, મ્યુઝિક અને વ્યાપક ક્રીએટિવ ઈકોનોમીમાં ગાઢ સહકારનાં પ્લેટફોર્મ બની શકે છે.

નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના કન્સલ્ટન્ટ શ્રુતિ રાજકુમારેWAVES અને ઈન્ડિયા સિને હબનો ઓવરવ્યૂ રજૂ કર્યો હતો અને તેમને ઈનોવેશન, ટેલન્ટ ડેવલપમેન્ટ તેમજ ભારતની ક્રીએટિવ ઈકોસ્સ્ટમમાં વૈશ્વિક સહકારના ચાવીરૂપ પ્લેટફોર્મ ગણાવ્યા હતા. તેમણે મે મહિનામાં મુંબઈ ખાતે WAVES બાઝારની સફળતાને હાઈલાઈટ કરી હતી જેના થકી 10 બિલિયન મૂલ્યની બિઝનેસ વાતચીતો અને વિશ્વભરના સર્જકોને સાંકળતી 3300થી વધુ B2B મીટિંગ્સ થઈ શકી હતી. તેમણે ભારતમાં ફિલ્મિંગને સુવ્યવસ્થિત બનાવતા વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે ઈન્ડિયા સિને હબની ભૂમિકાની રૂપરેખા દર્શાવી હતી.

વાહ ઉસ્તાદ, ક્રીએટ ઈન ઈન્ડિયા ચેલેન્જના વિજેતાઓ સુખમનસિંહ, સંદીપ મોહન્તી અને તનિશ્ક અરોરા દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા પરફોર્મન્સીસમાં તબલાની સંગત કરનારા મનજિત સિંહ રસિયા અને સારંગી પર સુરજિત સિંહ ઔલખની સંગત સાથે સાંજનું સમાપન થયું હતું. ડાયનેમિક જુગલબંદી પછી આશ્વી ડાન્સ એકેડેમી દ્વારા ઓડિસી, નાવ્યા સ્કૂલ ઓફ ડાન્સ દ્વારા ભરતનાટ્યમ તિલાના તેમજ આરંભ કથક પાઠશાળા દ્વારા સૂફી કથકથી અમીર ખુશરોના છાપ તિલકની પ્રસ્તુતિ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter