ભારત હિન્દુ સમાજની પીટરબરો સિટી કાઉન્સિલ સામે કાનૂની લડાઈઃ કોર્ટમાં સુનાવણી

Wednesday 03rd June 2026 06:23 EDT
 
 

લંડનઃ ભારત હિન્દુ સમાજ સંસ્થા 40 કરતાં વધુ વર્ષથી તેના મંદિરના સ્થળેથી હિન્દુ સમુદાયની સેવામાં કાર્યરત છે. સંસ્થા હિન્દુ સમુદાયને પૂજા-પ્રાર્થના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને પરિવારોને પેઢીઓથી સંપર્ક-મેળમિલાપનું સ્થળ પુરું પાડી રહેલ છે.

કોમ્યુનિટીના ઘણા સભ્યોને જાણકારી છે તેમ ભારત હિન્દુ સમાજ ચાર દાયકાઓથી તેના ઘરસમાન મંદિરની જગ્યાની માલિકી હાંસલ કરવા લાંબા સમયથી પીટરબરો સિટી કાઉન્સિલ સામે કાનૂની યુદ્ધ ચલાવી રહેલ છે. 14 વર્ષ સુધીની ચર્ચાઓ અને વાટાઘાટો પછી પણ કાઉન્સિલે આ સ્થળ અન્ય સંસ્થાને સોંપવાનો નિર્ણય લીધો હતો. ભારત હિન્દુ સમાજ આ નિર્ણયને અન્યાયી તેમજ વર્ષોથી જેની સેવા કરતા આવ્યા છે તે હિન્દુ સમુદાયના હિતો વિરુદ્ધ હોવાનું માને છે. ભારત હિન્દુ સમાજે ન્યાય અને વાજબીપણાને હાંસલ કરવા તેનો કાનૂની પડકાર ચાલુ રાખ્યો છે.

તમામ સભ્યો અને સમર્થકોને જાણ કરવાની કે 10 અને 11 જૂનના દિવસોએ સવારના 9.00 વાગ્યાથી લંડનમાં રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસ, સ્ટ્રાન્ડ, લંડન WC2A 2LL ખાતે કોર્ટની સનાવણી રાખવામાં આવી છે. ભારત હિન્દુ સમાજના મંદિરના ભવિષ્યની સુરક્ષા તેમજ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે આસ્થા, સંસ્કૃતિના મહત્ત્વના કેન્દ્ર અને સમગ્ર સમુદાયની જાળવણીના ચાલી રહેલા પ્રયાસોમાં આ સુનાવણી નોંધપાત્ર પળ છે.

ભારત હિન્દુ સમાજના ટ્રસ્ટીગણે કોમ્યુનિટીના તમામ સભ્યોને આદરસહ વિનંતી કરી છે કે આ મહત્ત્વની કાર્યવાહી દરમિયાન તેઓ ભારત હિન્દુ સમાજ માટે પ્રાર્થનાઓ કરે. જો શક્ય હોય તો કોર્ટ સુનાવણી દરમિયાન કોમ્યુનિટીના સભ્યોની ઉપસ્થિતિ અને સમર્થન પણ આવકારદાયક બની રહેશે. સામુદાયિક એકતાનું મજબૂત પ્રદર્શન મંદિરના મહત્ત્વ તેમજ પરિવારો માટે તેના મૂલ્યને ઉજાગર કરશે. હિન્દુ સમુદાયનો અવિરત સપોર્ટ, પ્રોત્સાહન અને પ્રાર્થના આ મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ સાથે સંકળાયેલા સહુ કોઈને શક્તિ પૂરી પાડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter