ભારતની વહારે બ્રિટિશ ભારતીય ડાયસ્પોરાઃ મંદિરોમાં માતૃભૂમિ માટે પ્રાર્થના

Wednesday 05th May 2021 07:45 EDT
 
 

લંડનઃ ભારતમાં કોવિડ સંક્રમણના જીવલેણ અને વિક્રમી ઉછાળાની લહેરના પગલે લોકો ઓક્સિજન માટે દોડાદોડી કરી રહ્યા હોવાની તસવીરો અને અહેવાલોએ વિશ્વને આઘાત પહોંચાડ્યો છે. યુકે સહિત વિશ્વભરના ભારતીય ડાયસ્પોરાએ આ કટોકટીમાં દેશની પડખે ઉભા રહેવા કમર કસી છે. નોર્થ વેસ્ટ લંડનમાં વેમ્બલીસ્થિત હિન્દુ મંદિરમાં નાની સંખ્યામાં પણ ભાવિકોએ હજારો માઈલ દૂર રહેલા લાકો દેશવાસીઓની રક્ષા માટે હનુમાન ચાલીસાના પાઠ શરુ કર્યા છે. હનુમાન ચાલીસામાં જરુરતમંદોને મદદ કરવાની અપાર શક્તિ હોવાનું મનાય છે. બીજી તરફ, બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના અસંખ્ય લોકો વ્યવહારુ મદદ પહોંચાડવા સજ્જ થયા છે.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટનું ‘ઓક્સિજન ફોર ઈન્ડિયા’ અભિયાન

બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન મનોજ બદાલેએ જણાવ્યું હતું કે,‘ડાયસ્પોરાનો એક પણ સભ્ય એવો નથી જેના હૃદયને ભારતની આફત સ્પર્શી ન હોય.ભારતમાં મારો બહોળો પરિવાર છે. મારી બહેન, મારી ભાણેજ અને ભત્રીજાઓ ડોક્ટર્સ છે. અમને કરુણાજનક વાતો સાંભળવા મળે છે. એક સપ્તાહમાં આ પડકાર કેવી રીતે અનેકગણો થઈ ગયો તેનું આશ્ચર્ય થાય છે.’ વિકાસ પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા બ્રિટિશ એશિયનો દ્વારા સ્થપાયેલું આ ટ્રસ્ટ ભારતના લોકો માટે વર્તમાનમાં સૌથી મોટા પડકાર – ઓક્સિજનની અછત પર ધ્યાન અને પ્રયાસો કેન્દ્રિત કરી રહ્યું છે.

પ્રિન્સ ઓફ વેલ્સે પણ ટ્રસ્ટની ઈમરજન્સી અપીલને ટેકો આપતા કહ્યું છે કે ભારતના પીડિતો તેમના વિચારો અને પ્રાર્થનામાં સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું હતું કે મહામારીમાં ભારતીય સહાય અને કૌશલ્ય અન્ય દેશો માટે મદદરુપ બની રહ્યા હતા. પ્રિન્સે કહ્યું હતું કે,‘ભારતે અન્યોને મદદ કરી છે, આપણે હવે ભારતને મદદ કરવી જોઈએ. પ્રિન્સ ઓફ વેલ્સે ટ્રસ્ટના ‘ઓક્સિજન ફોર ઈન્ડિયા’ અભિયાનમાં અંગત દાન પણ આપ્યું છે. મનોજ બદાલેએ કહ્યું હતું કે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા ૧૪ વર્ષમાં સાઉથ એશિયામાં અને આફતોમાં મદદ કરાઈ છે પરંતુ, આ આફત અલગ છે. અમને મળેલા કેટલાક મોટાં દાન સમાચારો નિહાળતા કેટલાક બ્રિટિશરો પાસેથી મળ્યાં છે.’

Gofundme’ કેમ્પેઈનમાં મદદનો ધોધ

બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના ઘણા લોકો દ્વારા ઓક્સિજન ઈક્વિપમેન્ટ માટે નાણાભંડોળ એકત્ર કરાઈ રહ્યું છે. હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠાનું પ્રમાણ બરાબર ન હોય ત્યારે પેશન્ટની સારવાર માટે હવામાંથી સીધો જ ઓક્સિજન સમૃદ્ધ વાયુ તૈયાર કરી શકે તેવા ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ સાધનો ખરીદવા લાખો પાઉન્ડ એકત્ર કરાયા છે. આ મહાકાર્યમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટ એકલું નથી. બ્રિટિશ ભારતીયો દ્વારા સ્વતંત્ર ‘ગોફંડમી- Gofundme’ અભિયાન ચલાવાયું છે. તેનું પ્રાથમિક લક્ષ્ય ૨૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ખરીદવા ૧૬૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું હતું પરંતુ, હવે ભંડોળની રકમ ૩૦૦,૦૦૦ પાઉન્ડને પણ આંબી ગઈ છે.

ટેલિમેડિસીનઃ મેડિકલ કોમ્યુનિટી પણ મદદમાં લાગી

યુકેની વિશાળ ભારતીય મેડિકલ કોમ્યુનિટી પણ અનેક રીતે મદદમાં લાગી છે. બ્રિસ્ટોલમાં કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ તરીકે કામ કરતા ડો. અમરદીપ દસ્તીદારે ફોન પર જરુરિયાતમંદોને ટેલિમેડિસીન તેમજ હજારો માઈલ દૂર કોવિડની સૌથી મોટી લડાઈ લડી રહેલા હજારો તબીબી સાથીઓને સલાહ અને સપોર્ટ આપી રહ્યા છે. ડો. દસ્તીદાર કહે છે કે,‘દરેક ભાંગી પડવાની સ્થિતિમાં છે. મને લાગે છે કે દરેકને સહારાની જરુર છે.’

બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (Bapio) પણ ડો. દસ્તીદાર જેવા લોકો દ્વારા અપાતી સહાયને વિસ્તૃત કરવાની કામગીરીમાં છે. ભારતમાં તબીબોને કામને બોજો ઘટાડવામાં મદદ કરવા સત્તાવાર ટેલિમેડિસીન પ્રોગ્રામ ચલાવવા ઉપરાંત, ઓક્સિજન ઈક્વિપમેન્ટ માટે નાણા પણ એકત્ર કરે છે.

વેમ્બલીના શ્રી વલ્લભ નિધિ ટેમ્પલમાં પ્રાર્થના

વેમ્બલીના શ્રી વલ્લભ નિધિ ટેમ્પલના ચેરમેન નરેન્દ્ર ઠકરાર કહે છે કે,‘કોઈ પણ રોગની બીજી લહેર હંમેશા મુશ્કેલ હોય છે કારણકે પ્રથમ લહેરની સરખામણીએ માનસિક હાલત અલગ હોય છે. આ સમય પડકારજનક છે.’ તેમને અને તેમના ભાઈને પણ કોરોના સંક્રમણ થયું હતું.

ઠકરાર ભારતમાં મિત્રો અને સગાંઓ મારફત સપોર્ટ ઓફર કરી રહ્યા છે. કોરોનાના દર્દીની સારવાર વિશે પોતાની કુશળતા લોકોને આપે છે અને સ્થાનિક ભાષાઓમાં તેનું ભાષાંતર પણ કરે છે. તેઓ કહે છે કે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને ભારતની કટોકટીનો અહેસાસ છે. તેમના સગાં ત્યાં છે. કેટલાક લોકો ત્યાં જવા ઈચ્છે છે પરંતુ, જઈ શકતા નથી, ફ્યુનરલમાં પણ હાજરી આપી શકતા નથી.

શ્રી વલ્લભ નિધિ ટેમ્પલના પૂજારી ભાવિક પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘લોકોને તેમના ભારતમાં રહેલા સ્વજનોની ભારે ચિંતા છે. તેઓ ઓક્સિજન ઈક્વિપમેન્ટ માટે નાણા એકત્ર કરવાની સાથોસાથ મંદિરમાં પ્રાર્થનામાં પણ જોડાય છે. પૂજારી તરીકે સમગ્ર વિશ્વ માટે પ્રાર્થના કરવાની મારી ફરજ છે. સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે અને દરેક સ્થળ આપણી જવાબદારી છે. અમે માતૃભૂમિની રક્ષા કાજે પ્રાર્થના કરી રહ્યા છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter